અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાના પદને લઈ ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. વિપક્ષના નેતા તરીકે એક વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસના 8 જેટલા કોર્પોરેટરો આજે સવારે આજે સવારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ઘરે વિપક્ષના નેતા બદલવાને લઈ રજુઆત કરવા પહોંચ્યા હતા. તમામ કોર્પોરેટરોએ ભેગા મળી રજૂઆત કરી હતી કે, ગત વર્ષે વિપક્ષના નેતા નિમવામાં આવ્યા હતા અને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે હવે વિપક્ષના નેતા બદલવામાં આવે તેવી માંગ કરી હતી. આગામી એક વર્ષ માટે કોઈપણ એકને વિપક્ષના નેતા તરીકે મૂકવામાં આવે તેવી રજૂઆત કરતા પ્રદેશ પ્રમુખે ઉતરાયણ બાદ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે ઉતરાયણ બાદ વિપક્ષના નવા નેતા નિમાય તેવી શક્યતા જણાઈ રહી છે. નવા નેતા તરીકે ચર્ચા ચાંદખેડાના કોર્પોરેટર રાજેશ્રીબેન કેસરી અને ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખની થઈ રહી છે.
ઉતરાયણના તહેવાર બાદ વિપક્ષના નેતા બદલવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં ચૂંટણી પૂર્ણ થયાના એક વર્ષ થતાં વિપક્ષના નેતા તરીકે કોઈની નિમણૂક કરવામાં આવી ન હતી. આંતરિક વિખવાદના પગલે નિમણૂક થઈ ન હતી અને છેવટે એક વર્ષ બાદ એટલે કે જાન્યુઆરી 2022માં વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણને મૂક્યા બાદ આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે વિપક્ષના નેતા બદલવાની માંગ સાથે કોંગ્રેસના આઠ કોર્પોરેટરોએ સવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવાસ્થાન નરોડા ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે વિપક્ષના નેતાની એક વર્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. જામનગરમાં વિપક્ષના નેતા બદલવામાં આવ્યા છે. તેઓ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ વિપક્ષના નેતાની એક વર્ષની ટર્મ પૂર્ણ થતા તેઓને બદલવામાં આવે. આ રજૂઆત બાદ પ્રદેશ પ્રમુખ દ્વારા તેઓને ખાતરી આપવામાં આવી હતી કે ઉતરાયણના તહેવાર બાદ વિપક્ષના નેતા બદલવામાં આવશે.
સિનિયર નેતાઓની હાજરીમાં બે જૂથ વચ્ચે સમાધાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ તરીકે કોંગ્રેસના 24 જેટલા કોર્પોરેટરો છે તેમાં પણ બે જૂથ પડી ગયા હતા. વિપક્ષના નેતા બનવાના આંતરિક વિખવાદમાં ચૂંટણીનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું હતું. વિપક્ષના નેતા તરીકેની ખેંચતાણમાં કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ છેવટે વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો અને વિપક્ષના નેતા તરીકે એક એક વર્ષ માટે કોઈપણ કોર્પોરેટરને મૂકવામાં આવશે તેવી લેખિતમાં બાહેધરી આપી હતી. કોંગ્રેસના સિનિયર નેતાઓની હાજરીમાં બે જૂથ વચ્ચે સમાધાન થયું હતું. સૌપ્રથમ વર્ષ માટે દાણીલીમડાના કોર્પોરેટર શહેજાદખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે મૂકવામાં આવ્યા હતા. ફરી એકવાર વિપક્ષના નેતાને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે ઉત્તરાયણ બાદ વિપક્ષના નેતાને લઈ કંઈક નવા જૂની થાય તેવી શકયતા છે.
કયા કયા કોર્પોરેટરોએ રજૂઆત કરી
કોર્પોરેટર | વોર્ડ |
રાજશ્રી કેસરી | ચાંદખેડા |
ઈકબાલ શેખ | ગોમતીપુર |
માધુરી ક્લાપી | દરિયાપુર |
ઝુલ્ફીખાન | ગોમતીપુર |
કમળા ચાવડા | બહેરામપુરા |
તસ્લિમઆલમ તીરમીજી | બહેરામપુરા |
કામિની ઝા | કુબેરનગર |
હાજી અસરાસ બેગ | મકતમપુરા |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.