વેફર નહીં, ધીમું ઝેર:બાલાજી, સમ્રાટ, અંકલ ચિપ્સ સહિતની 8 બ્રાન્ડ્સની વેફરમાં મીઠાનું પ્રમાણ WHOના સ્ટાન્ડર્ડ કરતાં વધુ, CERCનું રિસર્ચ

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: યોગેશ ગજ્જર
  • WHOના સ્ટાન્ડર્ડ મુજબ 100 ગ્રામ ચટપટા નાસ્તા (વેફર સહિત)માં 500 મિલીગ્રામથી વધુ સોડિયમ ન હોવું જોઈએ
  • CERCએ દેશની 9 જાણીતી બ્રાન્ડ્સની વેફરમાં સોડિયમનું પ્રમાણ જાણવા રિસર્ચ કર્યું
  • રિપોર્ટમાં પ્રિંગલ્સ પોટેટો ક્રિસ્પ ઓરિજિનલમાં સોડિયમ વધુ હોવાનું દર્શાવાયું છે, પરંતુ એનું પ્રમાણ લખેલું નથી

હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં તમારામાંથી મોટા ભાગના લોકો અથવા તમારા આસપાસના લોકો ઉપવાસ કરતા હશે. ઉપવાસ દરમિયાન સામાન્ય રીતે લોકો બટાટા-કેળાની વેફર વધુ પ્રમાણમાં આરોગતા હોય છે. આ ઉપરાંત અન્ય દિવસોમાં પણ વેફરનું સેવન લોકો કરતા હોય છે. એવામાં તે ઘણા બધા લોકોના દૈનિક આહારનો ભાગ બની ગઈ છે, પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે કેવી રીતે જાણીતી વેફર બ્રાન્ડ્સ ચટપટા નાસ્તામાં તમને ધીમું ઝેર પીરસી રહી છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે (CERC) વેફરની 9 બ્રાન્ડમાં મીઠાનું પ્રમાણ જાણવા પરીક્ષણ કર્યું હતું.

ચટપટા નાસ્તામાં WHOના વૈશ્વિક સ્ટાન્ડર્ડ પ્રમાણે મીઠાનું પ્રમાણ
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે (CERC) દેશની 9 જાણીતી બ્રાન્ડની પોટેટો ચિપ્સમાં સોડિયમ/મીઠાનું પ્રમાણ જાણવા પરીક્ષણ કર્યું હતું, જેમાં WHOના વૈશ્વિક બેન્ચમાર્ક પ્રમાણે ચટપટા નાસ્તામાં 100 ગ્રામની સામે સોડિયમ મહત્તમ પ્રમાણ 500 મિલીગ્રામ હોવું જોઈએ. એની સામે 8 બ્રાન્ડ્સમાં આ પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. માત્ર એક બ્રાન્ડની વેફરમાં જ આ પ્રમાણ WHOના વૈશ્વિક બેન્ચમાર્કથી ઓછું મળી આવ્યું હતું.

કઈ કઈ બ્રાન્ડની ચિપ્સમાં પરીક્ષણ કર્યું?
-અંકલ ચિપ્સ સ્પાઈસી ટ્રીટ
-પ્રિંગલ્સ પોટેટો ક્રિસ્પ ઓરિજિનલ
-પારલે વેફર્સ ક્લાસિક સોલ્ટેડ
-હલ્દીરામ હલકે ફૂસકે સોલ્ટેડ પોટેટો ચિપ્સ
-સમ્રાટ પોટેટો ચિપ્સ સોલ્ટેડ
-લે'ઝ ક્લાસિક સોલ્ટેડ
-બાલાજી વેફર્સ સિમ્પ્લી સોલ્ટેડ
-રિયલ નમકીન બાઈટ્સ! ફરાળી વેફર્સ
-બિંગો! પોટેટો ચિપ્સ ઓરિજિનલ સ્ટાઈલ

પરીક્ષણમાં શું પરિણામ સામે આવ્યું?
CERCના પરિક્ષણમાં અંકલ ચિપ્સમાં સૌથી વધુ (990મિલીગ્રામ/ 100ગ્રામ) સોડિયમ મળી આવ્યું હતું. જ્યારે પારલે વેફરમાં WHOના બેન્ચમાર્કથી ઓછું (465મિલીગ્રામ/100 ગ્રામ) સોડિયમ મળ્યું હતું. સમ્રાટની ચિપ્સમાં 902મિલીગ્રામ/100 ગ્રામ, હલ્દીરામ હલકે ફૂલકેમાં 756 મિલીગ્રામ/100 ગ્રામ સોડિયમ મળ્યું, જ્યારે બાલાજી અને પારલે દ્વારા પેકેજિંગ પર સોડિયમની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

પેકિંગ પર આપવામાં આવી ખોટી માહિતી
CERCના પરીક્ષણમાં આ જાણીતી બ્રાન્ડ્સના પેકિંગ પર લખવામાં આવેલા સોડિયમ/મીઠાના પ્રમાણ કરતાં એમાં વધારે પ્રમાણ મળી આવ્યું હતું. 7માંથી 6 બ્રાન્ડમાં લેબલ કરતાં વધુ સોડિયમ મળ્યું હતું. જ્યારે બે બ્રાન્ડ્સ પારલે અને બાલાજીમાં સોડિયમ કન્ટેન્ટ લખેલું નહોતું. માત્ર અંકલ ચિપ્સમાં પેકિંગ પર લખેલા 1080mg/100gથી ઓછું 990mg/100g સોડિયમ મળ્યું હતું. જ્યારે સમ્રાટ ચિપ્સમાં પેકિંગ પર લખેલા 210mg/100gની સામે ચાર ગણું વધુ 902mg/100g સોડિયમ મળ્યું. જ્યારે હલ્દીરામ હસકે ફૂલકેમાં લેબલ પર જાહેર કરેલા 377mg/100gની સરખામણીએ બમણું 756mg/100g સોડિયમ મળ્યું હતું.

બ્રાન્ડનું નામસોડિયમનું પ્રમાણ 2015માં

સોડિયમનું પ્રમાણ 2021માં

બાલાજી વેફર્સ652mg/100g758mg/100g
રિયલ નમકીન641mg/100g652mg/100g
બિંગો!807mg/100g821mg/100g
પારલે'સ વેફર્સ795mg/100g465mg/100g
લે'ઝ795mg/100g727mg/100g
અંકલ ચિપ્સ933mg/100g990mg/100g

​​​​​​CERCએ 2015માં પણ કર્યું હતું ચિપ્સ પર પરીક્ષણ

ચિપ્સમાં મીઠાનું પ્રમાણ ચકાસવા માટે CERCએ અગાઉ જૂન-જુલાઈ 2015માં બાલાજી વેફર્સ, રિયલ નમકીન, બિંગો!, પારલે'સ વેફર્સ, લે'ઝ અને અંકલ ચિપ્સનું પરીક્ષણ કર્યું હતું, જેમાં આ વખતે પણ અંકલ ચિપ્સમાં સોડિયમ અગાઉ (933mg/100g)ની સામે વધુ (990mg/100g) મળી આવ્યું હતું. રિયલ નમકીન, બાલાજી વેફર્સ અને બિંગોમાં પણ અગાઉની તુલનાએ વધુ સોડિયમ મળી આવ્યું હતું. બાલાજીમાં અગાઉ (652mg/100g)ની સરખામણીએ સોડિયમનું પ્રમાણ ઊંચું (758mg/100g) મળ્યું હતું, જ્યારે રિયલ બ્રાન્ડમાં અગાઉ 641mg/100gની સામે 652mg/100g અને બિંગોમાં અગાઉ 807mg/100gની સામે 821mg/100g સોડિયમ મળ્યું હતું. એકમાત્ર પારલે બ્રાન્ડની વેફર્સમાં સોડિયમના પ્રમાણમાં સુધારો જોવા મળ્યો હતો. અગાઉ એમાં 795mg/100gની સરખામણીમાં હાલમાં 465mg/100g સોડિયમ મળ્યું હતું, જે હાલના WHOના વૈશ્વિક માપદંડ કરતાં ઓછું છું, જે દર્શાવે છે કે લગભગ 6 વર્ષ થવા છતાં આ બ્રાન્ડ્સની વેફરમાં સોડિયમ કન્ટેન્ટમાં કોઈ ઘટાડો કરાયો નથી.

આ તસવીર પ્રતીકાત્મક છે.
આ તસવીર પ્રતીકાત્મક છે.

વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી શરીરને શું નુકસાન થઈ શકે?
ખોરાકમાં જરૂર કરતાં વધારે પ્રમાણમાં સોડિયમ/મીઠાનું સેવન કરવાથી લાંબે ગાળે હૃદયરોગ તથા કિડની સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. તે રુધિરાભિસરણ તંત્ર અને નર્વસ સિસ્ટમ બંને પર અસર કરે છે. મીઠું વધુપડતું લેવાથી બ્લડપ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. FSSAIની ગાઈડલાઈન્સ મુજબ, કોઈ પ્રોડક્ટમાં 1.5ગ્રામ/100 ગ્રામથી વધુ મીઠું (600મિલીગ્રામ સોડિયમ/100 ગ્રામ) હોય તો એ મીઠાનું સૌથી ઊંચું પ્રમાણ ધરાવતી પ્રોડક્ટ કહેવાય. જ્યારે WHOના વૈશ્વિક બેન્ચમાર્કમાં આ પ્રમાણ મહત્તમ 500મિલીગ્રામ/ 100 ગ્રામ હોવું જોઈએ.