ગુજરાત રાજ્યમાં જુન 2020થી એપ્રિલ 2022 સુધીમાં બીજા રાજ્યોના 78,556 પરિવારો માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશનકાર્ડ જાણે કે એટીએમ કાર્ડ બની ગયુ છે. વન નેશન વન રાશન કાર્ડની યોજનાના અમલ બાદ દરેક રાજ્યમાં કામ કરવા લાગેલા રાશનકાર્ડના પરીણામે કાર્ડ ધારકને તેમની નજીકની કોઈ પણ સસ્તા અનાજની દુકાનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશન મળવા લાગતા ઘણી સરળતાનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત 11 લાખ 52 હજાર 277 જેટલા પરીવારોને તેમના જીલ્લા સિવાય અન્ય જીલ્લાઓમાંથી રાશન મળી રહ્યુ છે. ખાસ કરીને આદિવાસી જિલ્લાઓના પ્રવાસી શ્રમિકોને આ યોજનાથી ફાયદો થયો છે.
શું છે વન નેશન વન રાશન યોજના?
આ યોજનાના સરળીકરણ અંતર્ગત N.F.S.A હેઠળના લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો દેશની, રાજ્ય કે જિલ્લાની કોઇપણ વાજબી ભાવની દુકાનેથી સમયસર, સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે “વન નેશન વન રેશનકાર્ડ” (One Nation One Ration Card) યોજનાનું ભારત સરકાર દ્વારા વર્ષ-2019થી અમલ કરાઈ રહ્યો છે. જેમાં ગુજરાતની પાયલોટ પ્રોજેકટ તરીકે પંસદગી કરી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય વચ્ચે પોર્ટેબિલિટી દ્વારા વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે અને હાલ આજે દેશના મોટાભાગના રાજ્યોનો સમાવેશ કરીને સમગ્ર દેશના N.F.S.A હેઠળ લાભાર્થીઓને લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની 3.48 કરોડ જનસંખ્યા કે જેમાં અંત્યોદય કુટુંબોને પ્રતિ કુટુંબ 35 કિ.ગ્રા અનાજ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યકતિ 5 કિ.ગ્રા અનાજનું વિતરણ કરવામાં આવે છે. જેમાં ઘઉં પ્રતિ કિ.ગ્રા રૂ. 2 તથા ચોખા પ્રતિ કિ.ગ્રા રૂ.૩ના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.
કેવી રીતે કરી શકાય અરજી?
આ યોજનાના લાભ લેવા માટે વિગતવાર માહિતી લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા “મેરા રેશન” મોબાઇલ એપ્લીકેશન જુદી જુદી પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે. જે મોબાઇલ એપ્લીકેશન દ્વારા લાભાર્થી પોતાનુ રજીસ્ટ્રેશન કરી શકે, પોતાની નજીકની વાજબી ભાવની દુકાન અંગેની વિગતો, પોતાને મળવાપાત્ર જથ્થાની વિગતો વગેરે આંગળીના ટેરવે ઝડપથી મેળવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.