અમદાવાદ જિલ્લામાં જમીનના વેચાણ, વારસાઇ, વીલ અને હક કમી- દાખલના વિવાદિત 4400 કેસો વર્ષ 2017થી એટલે કે અંદાજે છેલ્લા છ વર્ષથી પેન્ડિંગ હતાં. વર્તમાન કલેકટરે કેસોનો નિકાલ કરવા માટે મહેસૂલ વિભાગની વિશેષ ટીમ બનાવી 782 કેસોનો જિલ્લા કલેકટરની કોર્ટમાં નિકાલ કરી દેવાયો છે. બાકીના 3618 કેસોનો નિકાલ કરવા પણ ખાસ આયોજન કર્યું છે. વિવાદિત કેસોનો નિકાલ કરવામાં આવતા કરોડો રૂપિયાની જમીન છૂટી થશે. પેન્ડિંગ કેસોમાંથી 50 ટકા કેસ પશ્ચિમ અમદાવાદ સહિત દસ્ક્રોઇ અને સાણંદ તાલુકાના છે.
પારિવારિક વિવાદોને લીધે દાખલ થતાં કેસોની સંખ્યા વર્ષ 2017 પછી વધતી ગઇ હતી અને કેસોની સંખ્યા 4400 પર પહોંચી ગઇ હતી. જેમાં તબક્કાવાર સુનાવણી કરીને 782 કેસનો નિકાલ કરાયો છે. બાકીના કેસોનો આગામી ત્રણ મહિનામાં નિકાલ કરવા માટે જિલ્લા મહેસૂલ વિભાગને સૂચના પણ અપાઇ છે.
જિલ્લા કલેકટર ધવલ પટેલે કહ્યું કે, કેસોનો નિકાલ કરવા માટે મહેસૂલ વિભાગની વિશેષ ટીમ બનાવાઇ હતી. આ ટીમની સાથે મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓને જોડી દેવાયા હતાં અને જમીનના કયા કયા કારણોસર વિવાદ હોય અને કાયદાની દ્રષ્ટિએ તેનો નિકાલ કેવી રીતે થઇ શકે તે માટે વિસ્તૃત માહિતી તૈયાર કરાવી હતી. જેના આધારે પેન્ડિંગ કેસોમાંથી 782 કેસોની નોટિસ કાઢીને સુનાવણી હાથ ધરાઇ હતી.
કલેકટરના નિર્ણય સામે SSRDમાં અપીલ
જમીન વિવાદીત કેસમાં કલેક્ટર નોટિસ ઇશ્યૂ કરી તમામ પક્ષકારોની સુનાવણી કરી મહેસૂલના કાયદા અને નિયમ અંતર્ગત અરજીનો નિકાલ ઠરાવ કરીને હુકમ કરે છે. કલેકટરના હુકમથી નારાજ હોય તો બંને પક્ષમાંથી કોઇ પણ વ્યક્તિ સ્પેશિયલ સેક્રેકટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ (એસ.એસ.આર.ડી.) સમક્ષ અપીલ કરી શકે છે.
કોરોના પછી કેસોની સંખ્યા 4400 પહોંચી
સરકારી કાર્યક્રમો અને અન્ય કામગીરીને કારણે જમીન વિવાદોના કેસ સમયસર નિકાલ નહીં થવાના લીધે 2017 પછી કેસોનો ભરાવો થઇ ગયો હતો. કોરોના લીધે બોર્ડ નહીં ચાલતા કેસોની સંખ્યા વધીને 4400 પહોંચી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.