AMCની કડક કાર્યવાહી:સમયસર ટેક્સ ન ભરનારાની 7,704 મિલકતો સીલ, ફરિયાદના નિકાલ માટે લોક દરબારનું આયોજન કરાશે

અમદાવાદ19 દિવસ પહેલા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની રકમ નાગરિકો ચુકવે તેના માટે અવારનવાર વ્યાજ માફી સહિતની પ્રોત્સાહક સ્કીમો મૂકવામાં આવે છે. છતાં પણ કેટલાક ટેક્સ ધારકો દ્વારા સમયસર ટેક્સ ભરવામાં આવતો નથી. બાકી ટેક્સના નાણાં વસૂલવા માટે ટેક્સ વિભાગ દ્વારા કડક સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં રૂપિયા 50,000થી વધુનો ટેક્સ બાકી હોય તેવી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષ દરમિયાન ટેક્સ વિભાગ દ્વારા કુલ 7704 જેટલી મિલકતોને સીલ કરી છે. જેમાં છેલ્લા 15 દિવસ દરમિયાન 2731 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. સૌથી વધારે પૂર્વ ઝોનની મિલકતોને સીલ કરાઈ છે.

રોજની 150થી વધુ મિલકતોને સીલ: જૈનિક વકીલ
આ અંગે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સની આવક વધે અને લોકો ટેક્સ ભરવા પ્રત્યે પ્રોત્સાહિત થાય તેના માટે અવારનવાર પ્રોત્સાહક સ્કીમો આપવામાં આવે છે. છતાં પણ કેટલાક ટેક્સ ધારકો દ્વારા ટેક્સ ભરવામાં આવતો નથી. તેઓને અવારનવાર નોટિસ આપવામાં આવે છે. છતાં પણ ટેક્સ ભરવામાં ન આવતા તેમની મિલકતને સીલીંગથી લઇ અને હરાજી સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. રૂપિયા 50,000થી વધુ જેમનો ટેક્સ બાકી છે, એવા મોટા બાકી ટેક્સધારકોમાં ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં કુલ 7704 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં આ ઝુંબેશને વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને રોજની 150થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી રહી છે.

‘તમામ ઝોનમાં લોક દરબારનું આયોજન કરાશે’
ટેક્સ વિભાગમાં પેન્ડિંગ એપ્લિકેશન બાબતે તેઓએ જણાવ્યું હતું કે, પેન્ડિંગ એપ્લિકેશનનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, જેમાં ત્રણ બાબતોને નક્કી કરવામાં આવી છે. જેમાં જે પણ જૂની એપ્લિકેશન છે તેને નવી એપ્લિકેશનમાં સ્કેન કરી અને નાખવા માટે સ્કેનરો વધારવા સૂચના આપી છે. આ ઉપરાંત અરજીઓનો ત્વરિત નિકાલ થાય તેના માટે લોક દરબારનું આયોજન કરવા પણ કરવામાં આવ્યું છે. જેથી આગામી 15 દિવસમાં શહેરના તમામ ઝોનમાં લોક દરબારનું આયોજન કરી અને ટેક્સ વિભાગમાં જે પણ ફરિયાદ હોય ત્વરિત નિકાલ થઈ જશે. પેન્ડિંગ એપ્લિકેશનમાં કેટલીક એપ્લિકેશનમાં ક્યાંકને ક્યાંક ડોક્યુમેન્ટ નથી તેમ કહી અને જે અરજી પરત મોકલવામાં આવે છે, તેમાં હવે 10 ટકા અરજીઓનું સેમ્પલિંગ કરી અને ડેપ્યુટી ટેક્સ કલેકટરે તપાસ કરવાની રહેશે. તે તપાસનો રિપોર્ટ આગામી કમીટીમાં મૂકવાનો રહેશે.

વ્યવસાય વેરા સમાધાન યોજના માર્ચ સુધી લંબાવાઈ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજના 2022ને આગામી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. 31 ડિસેમ્બર 2022 સુધીમાં 43,707 જેટલા ટેક્સધારકોએ આ વ્યવસાય વેરાની સ્કીમનો લાભ લીધો છે. જેનાથી 41.74 કરોડની આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...