ચોરીની ઘટના:અમદાવાદના SG હાઇવે સ્થિત વોડાફોન હાઉસમાં CCTV અને સિક્યોરિટી હોવા છતાં 19 લાખનાં 76 લેપટોપની ચોરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંપનીના જ કોઈ કર્મચારીએ લેપટોપ ચોર્યાં હોવાની શંકા, પોલીસે CCTV ફૂટેજ તથા અન્ય બાબતોની તપાસ શરૂ કરી

અમદાવાદમાં SG હાઈવે પર સ્થિત વોડાફોન હાઉસમાં લેપટોપની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. CCTV અને સિક્યોરિટી હોવા છતાં વોડાફોન હાઉસમાંથી એક બે નહીં પણ 76 લેપટોપની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટના અંગે સરખેજ પોલીસે 19 લાખની કિંમતના 76 લેપટોપની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.

કંપનીએ સ્ટોક ગણતાં 76 લેપટોપ ઓછાં હતાં
પ્રાપ્ત માહિતી અનુસાર, વોડાફોન હાઉસમાં લૉકડાઉન દરમિયાન કંપનીએ કામ કરતા કર્મચારીઓ માટે લેપટોપ ખરીદ્યાં હતાં. કંપનીમાં કામ કરતા કર્મચારી પોતાને ફાળવેલા લેપટોપ પર જ કામ કરવાનું હોય છે. કંપનીએ માર્ચ 2020થી ઓકટોબર 2020 સુધીમાં કુલ 1074 લેપટોપ અહીંના કર્મચારીઓ માટે નવાં ખરીદવામાં આવ્યાં હતાં. વર્ષના અંતે કંપનીમાં લેપટોપના સ્ટોકની ગણતરી થઈ તો 76 લેપટોપ ઓછાં હતાં. જેથી કંપનીના મેનેજમેન્ટને એવી શંકા ગઈ કે કોઈ કર્મચારીએ જ અહીં લેપટોપની ચોરી કરી છે. કંપની તરફથી તમામ કર્મચારીની પૂછપરછ કરવામાં આવી, પરંતુ કોઈ જાણકારી મળી નહિ જેથી આખરે કંપનીના મેનેજરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આઈ કાર્ડ વગર કોઈને ઓફિસમાં અવરજવર ન હતી
વોડાફોન હાઉસમાં કામ કરતા કર્મચારીઓને પોતાના ઓળખ વગર પ્રવેશ મળતો ન હતો અને આ દરમિયાન લેપટોપ ચોરાયાં, તેથી કોઈ જાણીતી વ્યક્તિએ જ ચોર્યાં હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, CCTV કેમેરા અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.