બદલીઓનો ગંજીફો ચિપાયો:ગુજરાતમાં 76 DYSPની એકસાથે ટ્રાન્સફર કરી દેવાઈ, હવે IPS અધિકારીઓની બદલીનો તખતો તૈયાર

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાતમાં ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ત્યારે અધિકારીઓની બદલીઓનો દૌર પણ શરૂ થઈ ગયો છે. પોલીસકર્મચારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં એકસાથે 76 DYSPની બદલી કરી દેવાઈ છે. હવે આગામી સમયમાં IPS અધિકારીઓની બદલીઓનો પણ તખતો તૈયાર થઈ ગયો છે. આ બદલીઓને ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવે છે. ગઈકાલે ફરીવાર IAS ઓફિસરોની પણ બદલી કરવામાં આવી છે.

ગૃહ વિભાગે વધુ એકવાર મોટા ફેરફારો કર્યા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગૃહ વિભાગે વધુ એકવાર મોટા ફેરફારો કર્યા છે. રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે, જેમાં ખંભાળિયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી થઈ છે. તો બી.વી. પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી કરાઈ છે. અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલીના આદેશ અપાયા છે.

અધિકારીઓને ઝડપથી ચાર્જ લઈ લેવા તૈયારી કરવી પડશે
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. એક જગ્યાએ ઘણા સમયથી ફરજ બજાવતા DYSPની બદલીઓ કરવામાં આવશે એવી વાતો વહેતી થઈ હતી. ઘણા સમયથી પેન્ડિંગ રહેલી આ બદલીઓ દિવાળીના સમયે થતા ઘણા પોલીસ અધિકારીઓને રાહત મળી છે. બીજી તરફ આગામી ચૂંટણીની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે એમ હોવાથી અધિકારીઓને ઝડપથી ચાર્જ લઈ લેવા તૈયારી કરવી પડશે.

કેટલીક બદલીઓ વારંવાર ટલ્લે ચડી છે
76 DYSPની બદલીઓ બાદ હવે IPS અધિકારીઓની બદલીઓની રાહ દેખાઈ રહી છે. અલગ અલગ કારણસર વિલંબમાં પડેલી IPS અધિકારીઓની બદલીને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ચૂંટણીને કારણે મહત્ત્વની જગ્યાએ બદલી થાય એવી પોલીસબેડામાં ચર્ચાઓ થઈ રહી છે. DIG સહિતના અધિકારીઓ એક જ જગ્યાએ ઘણા સમયથી ફરજ બજાવતા હોવાથી તેમની પણ ચૂંટણીલક્ષી બદલી આવવાની હતી, પરંતુ અનેક કાર્યક્રમોને કારણે તેમની બદલીઓ વારંવાર ટલ્લે ચડી છે.

મામલતદાર કક્ષાના 25 અધિકારીની બદલી
ગુજરાત સરકારે શુક્રવારે આઇએએસ અધિકારીઓની બદલીઓના હુકમો કર્યા છે, જેમાં 2012ની બેચના આઇએએસ રમેશ મેરજાને માત્ર 9 દિવસમાં જ ભાવનગર કલેક્ટર પદેથી ખસેડીને ફરી અમદાવાદ મનપાના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનરપદે મુકાયા છે, જ્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી ડીકે પારેખીને ભાવનગર કલેક્ટરપદે બદલી કરવામાં આવી છે. ગત 12 ઓક્ટોબરે જ સરકારે જે 23 આઇએએસ અધિકારીઓની બદલી કરી હતી ત્યારે અમદાવાદ મ્યુનિ.ના ડેપ્યુટીપદેથી મેરજાને ખસેડીને ભાવનગર મુકાયા હતા, પરંતુ શુક્રવારે થયેલા ઓર્ડરમાં ગઈ બદલીનો હુકમ મેરજાના કિસ્સામાં રિવર્સ કરાયો છે. આ ઉપરાંત મહેસૂલ વિભાગના મામલતદાર કક્ષાના 25 અધિકારીની બદલીના હુકમો સાથે બે અધિકારીના રિવર્સલના ઓર્ડર આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...