આજે ગણેશ વિસર્જન:740 મોટા, 50 હજાર નાના ગણપતિનું વિસર્જન થશે; માત્ર 4 ફૂટની મૂર્તિને મંજૂરી છતાં AMC 22 ક્રેન મુકશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વિસર્જન માટે રિવરફ્રન્ટ પર બનાવાયેલા કુંડ પાસે પોલીસ ગોઠવી દેવાઈ છે. - Divya Bhaskar
વિસર્જન માટે રિવરફ્રન્ટ પર બનાવાયેલા કુંડ પાસે પોલીસ ગોઠવી દેવાઈ છે.
 • સરઘસમાં માત્ર 15 લોકો જોડાઈ શકશે, મ્યુનિ.એ 41 કુંડ બનાવ્યા, સુરક્ષા વ્યવસ્થા માટે 10 હજારથી વધુ પોલીસ કર્મચારી

ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે શહેરમાં 740 સાર્વજનિક ગણેશ સહિત નાના-મોટા મળી 50 હજારથી વધુ મૂર્તિનું મ્યુનિ.એ બનાવેલા 41 કુંડમાં વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે 4 ફૂટથી મોટી મૂર્તિને મંજૂરી ન હોવા છતાં મ્યુનિ. વિવિધ સ્થળે 22 ક્રેન મૂકશે. આ ઉપરાંત 47 જેસીબી અને 126 ડમ્પરની વ્યવસ્થા કરાઈ છે. વિસર્જન માટે ફાયર વિભાગના 170થી વધુ કર્મચારી હાજર રહેશે. ચાલુ વર્ષે પોલીસે ગણેશ વિસર્જન માટે સરઘસની મંજૂરી આપી હોવાથી તકેદારીના ભાગરૂપે 10 હજાર પોલીસ - સુરક્ષા કર્મચારી તહેનાત રહેશે.

પોલીસે સાર્વજનિક ગણેશ વિસર્જનના સરઘસમાં માત્ર 15 વ્યકિતને જોડાવવા માટેની મંજૂરી આપી છે. આટલું જ નહીં જો ગણેશોત્સવનું સ્થળ અને વિસર્જનનું સ્થળ જુદા જુદા ઝોનમાં આવતુ હોય તો વિસર્જન માટે પોલીસ કમિશનર કચેરીમાંથી મંજૂરી લેવી પડશે. જ્યારે ગણેશોત્સવનું સ્થળ અને વિસર્જનનું સ્થળ એક જ ઝોનમાં આવતું હોય તો સ્થાનિક પોલીસની મંજૂરી લેવી પડશે. જ્યારે ગણપતિ વિસર્જનના સરઘસમાં જોડાનારા 15 માણસોના નામ - સરનામા - મોબાઈલ નંબર સહિતની માહિતી સ્થાનિક પોલીસને આપવી પડશે.

વિસર્જન માટેના શુભ મુહૂર્ત

 • સવારે 9.31થી 12.33 વાગ્યા સુધી
 • બપોરે 14.4થી 15.35 વાગ્યા સુધી
 • સાંજે 18.38થી 23.04 વાગ્યા સુધી

પોલીસ બંદોબસ્ત

 • 13 - ડીસીપી
 • 20 - એસીપી
 • 70 - પીઆઈ
 • 5700 - પોલીસ કર્મચારી
 • 3700 - હોમગાર્ડ જવાન
 • 03 - SRP કંપની
 • 01 - RAFની કંપની

પંડાલ આયોજકોને પ્રમાણપત્ર અપાયા
અમદાવાદમાં 200 જગ્યાએ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે તમામ જગ્યાએ આયોજકોએ કોરોનાને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈનનું સારી રીતે પાલન કરાવ્યું હતું. જેથી અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તમામ આયોજકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. > ગણેશ ક્ષત્રિય, પ્રમુખ અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન

આયોજકો અને સોસાયટીના રહીશોને સ્થળ પર જ વિસર્જન કરવાની અપીલ
અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવના પ્રમુખ ગણેશ ક્ષત્રિય એ ગણપતિના તમામ આયોજકોને અપીલ કરી છે કે ચાલુ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે પણ સરકારે ગણેશ મહોત્સવ માટે મંજૂરી આપી છે. જ્યારે માટીના ગણપતિનું સ્થળ ઉપર જ પંચામૃતથી અભિષેક કરીને વિસર્જન કરવામાં આવે. આટલું જ નહીં જે પાણીમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવે તેનો છંટકાવ ઘરમાં કરવો અને માટી કુંડામાં ભરીને તેમાં તુલસીનો કયારો વાવવો. માર્ચ 2020થી કોરોનાના કારણે લગ્ન, રાસ ગરબા સહિતના તમામ કાર્યક્રમો બંધ હોવાથી ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત અત્યંત કફોડી બની હતી. પરંતુ ચાલુ વર્ષે રાજ્ય સરકારે ગણેશ મહોત્સવને મંજૂરી આપી હોવાથી ગણેશ વિસર્જનના સરઘસ માટે આયોજકોએ ડીજે બુક કરાવ્યા છે. જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી સંપૂર્ણ બંધ રહેલા ડીજેના વ્યવસાયને જીવતદાન મળ્યું હોવાનું ડીજેના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...