ટેક્સીચાલકોની માઠી દશા:અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો 70 ટકા ધસારો ઘટ્યો, રોજ 25 ફ્લાઈટની અવરજવર, ટેક્સીચાલકોને 4 દિવસે એક મુસાફર મળે છે

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
  • એરપોર્ટ સાથે 215 જેટલી ટેક્સીઓ મુસાફરોની અવરજવર માટે સંકળાયેલી છે
  • એક ટ્રિપે એરપોર્ટને પોતાના ભાડામાંથી રૂ. 150 ફરજિયાત ચૂકવવા પડે છે

મેગાસિટી અમદાવાદ કોરોના મહામારી પહેલા દિવસ-રાત ધંધા ઉધોગથી ઘમઘમતું હતું. લોકો પોતાના વેપાર-રોજગાર માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઘણી અવરજવર કરતા હતા. જેથી અમદાવાદ એરપોર્ટ લોકોનો ઘસારો રહેતો હતો. જોકે કોરોના મહામારીના કારણે અમદાવાદ એરપોર્ટ પર દિવસની 20થી 25 ફ્લાઈટની અવરજવર રહે છે. જેના કારણે 70 મુસાફરોનો ધસારો ઘટી ગયો છે. તેની સીધી અસર ટેક્સીચાલકો પર થઈ છે. તેમને 4 દિવસે એક મુસાફર મળે છે.

કોરોના મહા્મારીએ ટેક્સીચાલકોને અસર કરી
કોરોના મહામારીના કારણે નાના-મોટા એમ દરેક વ્યક્તિને માઠી અસર પહોંચી છે. રાજ્યમાં કોરોનાના કારણે પહેલા લોકડાઉન અને હવે મિનિલોકડાઉન લાદવામાં આવ્યું છે .જેમાં અમુક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જેની અસર ટેક્સીચાલકોને પણ થઈ છે. અમદાવાદ એરપોર્ટથી અન્ય રાજ્યોમાં જવા માટે ફ્લાઇટની કનેક્વિટી પણ સારી હતી. જેથી અમદાવાદની આજુબાજુના શહેરના લોકો પણ અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડતા હતા. સાથે રાજ્યનું પહેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાના કારણે ટુરિસ્ટ પણ અમદાવાદ આવીને અલગ અલગ શહેરોમાં જતા હતા. કોરોના પહેલા એરપોર્ટ પર દિવસ દરમિયાન 80થી વધુ ફ્લાઇટની અવરજવર રહેતી હતી. જે હાલ ઘટીને 25 થઈ ગઈ છે. કોરોના મહામારીએ ઘણા લોકોને વ્યાપાર-ધંધા ઠપ કરી દીધા છે. જેમાં આ એરપોર્ટ સાથે સંકળાયેલા એરપોર્ટ ટેક્સીચાલકોને પણ ઘણી અસર થઈ છે.

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટની અવરજવર ઘટતા ટેક્સીચાલકોને પૂરતા મુસાફર મળતા નથી
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટની અવરજવર ઘટતા ટેક્સીચાલકોને પૂરતા મુસાફર મળતા નથી

ટેક્સીચાલક પહેલા 3થી 4 ટ્રિપ મારતા હતા
એરપોર્ટ પર 215 ટેક્સીચાલકો મુસાફરો અવરજવર માટે ટેક્સી ચલાવે છે. કોરોના કાળ પહેલા 1 ટેક્સીચાલક દિવસની 3થી 4 ટ્રીપ મારતા હતા. જેમાં તેઓ 4 ટ્રિપ પૂરી કરતા દિવસ પૂરો થઈ જતો હતો. હાલની પરિસ્થિતિમાં એક ટેક્સીચાલકને દિવસની એક ટ્રિપ પૂરી કરવા માટે પહેલા 4 દિવસ વેઈટિંગમાં રહેવું પડે છે અને એમાં પણ એક ટ્રિપે 150 રૂપિયા એરપોર્ટને આપવા પડે છે. તેમને એક ટ્રિપમાંથી મળેલી રકમમાંથી 4 દિવસ સુધી કામ ચલાવું પડે છે તેઓને ગાડીના હપ્તા ભરવા માટે પણ પૈસા ભેગા થતા નથી .સાથે ગાડીનું મેન્ટેન્સ વગેરે જેવા અન્ય ખર્ચા પણ થાય છે.

ટેક્સીચાલકોએ એક મુસાફર માટે 4 દિવસ રાહ જોવી પડે છે
ટેક્સીચાલકોએ એક મુસાફર માટે 4 દિવસ રાહ જોવી પડે છે

એરપોર્ટ પ્રિપેઈડ ટેક્સી ચલાવતા ચાલકની ખરાબ હાલત
અમદાવાદ એરપોર્ટ પરના ટેક્સીચાલક તાહિર કાઝીએ જણાવ્યું કે, આ મહામારીમાં તો અમારા જેવા ટેક્સીચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે. હું છેલ્લા 15 વર્ષથી એરપોર્ટ પ્રિપેઈડ ટેક્સી સાથે સંકળાયેલો છું. આવી બેકારી મેં ક્યારેક નથી જોઈ. અમારે અહીયા બીજા બધાને સાથે મળીને 215 જેટલી ટેક્સ છે. કેટલાક લોકોએ તો આ કામ બંધ કરી દીધું. કારણ કે મુસાફરોની અવરજવર જ ઘટી ગઈ છે. અમને અમુક વાર દિવસની એક ટ્રીપ પણ મળતી નથી.

ગાડીના હપ્તા, પગાર સહિતની ખર્ચ
ટેક્સીચાલક કાઝીએ વધુમાં ઉમેર્યું હતું કે, મારી અહીંયા ઘણી ટેક્સી છે, જેમાં અમારે ગાડીના હપ્તા, ડ્રાઇવરનો પગાર,પાર્કિગ ચાર્જ, મેન્ટેનન્સ વગેરે જેવા ખર્ચ થાય છે. અમને 4 દિવસે એક ટ્રિપ મળે એટલે અમારો ગુજારો થાય એટલા જ પૈસા મળે છે. અમારે 1 ટ્રિપ પર 150 રૂપિયા એરપોર્ટને સાથે મહિના દીઠ 500 રૂ પાર્કિગ ચાર્જ પણ ચૂકવવાનો હોય છે. હવે આ બધા પૈસા બાદ કરતાં જે રકમ મળે તેનાથી અમે સંતોષ માનીએ છીએ.

ટેક્સી ચાલકોની પાર્કિંગ ચાર્જમાં રાહતની માગ
અમારી હાલત ખરાબ છે અમારી માંગ છે. જ્યાં સુધી આવી પરિસ્થિતિ છે. ત્યાં સુધી અમને પાર્કિગ ચાર્જમાંથી રાહત આપવામાં આવે. કારણ કે કોરોનાના કારણે કેટલાક દેશમાં અવરજવર પર પ્રતિબંધ છે સાથે અન્ય રાજ્યોમાં ટેસ્ટનો રિપોર્ટ પણ આવશ્યક છે એટલે હજી થોડો સમય એરપોર્ટ પર આ રીતે જ ઓછો ઘસારો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...