શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. શનિવારે એસવીપી હોસ્પિટલમાં કુલ 51 દર્દી દાખલ હતા, જેમાંથી 34 દર્દી 50થી વધુ વયના હતા, એટલે કે લગભગ 70 ટકા દર્દી આ વયજૂથમાં આવે છે.
સામાન્ય રીતે મિડલ એજ અને મોટી ઉંમરની વ્યક્તિને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધારે હોવાનું તારણ છે. વળી, એમાંય જો દર્દીની કો-મોર્બિડ કંડિશન હોય એટલે કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, ક્રોનિક લંગ-લિવર કે કિડની ડિસીઝ, ટ્રાન્સપ્લાન્ટ રેસિપિયન્ટ અથવા કેન્સરની જુદી જુદી સારવાર ચાલતી હોય એવા દર્દીઓ કોરોના સંક્રમણ માટે સોફ્ટ ટાર્ગેટ ગણી શકાય છે.
સિવિલમાં દાખલ 13માંથી 7 દર્દીની ઉંમર 50થી વધુ છે
શનિવાર સાંજની સ્થિતિએ અમદાવાદની બે મોટી સરકારી હોસ્પિટલ, એટલે કે મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં અનુક્રમે 51 અને 13 દર્દી દાખલ હતા. આ 64 દર્દી પૈકી 41 દર્દીની ઉંમર 50 વર્ષ કરતાં મોટી હતી, એટલે કે તે દર્દીઓ હાઈ રિસ્ક એજ ગ્રુપમાંથી હતા. ખાનગી હોસ્પિટલોમાં તમામ વયજૂથના મળી 119 દર્દી દાખલ છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મૃત્યુનું પ્રમાણ 55 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકોમાં જોવા મળ્યું હતું. એસવીપી હોસ્પિટલમાં દાખલ કોરોનાના કુલ 51 દર્દી પૈકી 13 દર્દીઓ કો-મોર્બિડ છે. તેમના પર ડૉક્ટરોની ટીમ 24 કલાક ધ્યાન આપી રહી છે, જ્યારે સિવિલમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા વિદ્યાર્થીને સામાન્ય ઓક્સિજનની જરૂર પડી હતી.
સંજીવની ટેલિમેડિસિનથી સારવારનું માર્ગદર્શન
શહેરમાં કોરોના દર્દીઓ પૈકી 97 ટકા હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા હોવાથી મ્યુનિ.એ સંજીવની ટેલિમેડિસિનથી દર્દીઓને ઘરે જ સારવારના માર્ગદર્શનની વ્યવસ્થા ગોઠવી છે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દી 14499 નંબર પર ફોન કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. આ સેવા 24 કલાક ચાલુ રહેશે અને ડોક્ટરની સલાહ પણ મળશે.
મોટી ઉંમરના લોકોએ 3 અઠવાડિયાં સાચવવું
સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું હતું કે 50થી વધુ વયના દર્દી દાખલ થવાનું વધુ હોવાથી મોટી વયના લોકોએ ત્રણ અઠવાડિયાં સુધી બિનજરૂરી ઘરની બહાર ન જવું. શરદી-ખાંસી કે તાવ હોય તો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
SVPમાં દાખલ દર્દીના વયજૂથ
એજ ગ્રૂપ | SVP | સિવિલ |
0-17 વર્ષ | 2 | 0 |
18-25 વર્ષ | 4 | 1 |
26-50 વર્ષ | 11 | 6 |
51-60 વર્ષ | 11 | 2 |
61-70 વર્ષ | 14 | 2 |
70થી વધારે | 9 | 2 |
કુલ | 51 | 13 |
ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તો પોઝિટિવ સેમ્પલ જીનોમ ટેસ્ટ માટે મોકલાતા નથી
મ્યુનિ. ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓનાં સેમ્પલને જ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે. એસવીપીમાં હાલ જે દર્દીઓ દાખલ છે એમાંથી ફોરેન હિસ્ટ્રી વગરના એકપણ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાતાં નથી. ગાઈડલાઈન્સ આવશે તો હોસ્પિટલાઈઝ દર્દીઓનાં સેમ્પલ પણ ગાંધીનગરની જીબીઆરસી લેબમાં મોકલાશે.
રસી લેનારા દર્દીને કોઈ ખાસ અસર નહીં
એસવીપી,સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના કુલ 64 દર્દી પૈકી બે દર્દી વેક્સિનેશન માટે એલિજિબલ ન હોવાથી તેમણે વેક્સિન લીધી નથી, જ્યારે બે દર્દીએ વેક્સિનનો એક-એક ડોઝ લીધેલો છે. આ સિવાયના તમામ દર્દીઓ ડબલ વેક્સિનેટેડ છે. વેક્સિન લીધેલી હોવાથી આ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે અને તેઓ ઝડપથી રિકવર પણ થઈ રહ્યા છે. હજુ જે લોકોએ રસી લેવાની બાકી હોય તેમણે ઝડપથી રસી લઈ લેવી જોઈએ તેમ ડૉક્ટરો આગ્રહ કરી રહ્યા છે. આ ઉપરાંત પૂરતી તકેદારી રાખવાની પણ સલાહ છે.
છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 12 કેસ
શુક્રવારે શહેરમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો ન હતો. શનિવારે ઓમિક્રોનના નવા 12 કેસ નોંધાયા છે. જોકે શનિવારે એકપણ ઓમિક્રોન પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. શહેરમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના કુલ 105 જેટલા દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે 75 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. એને ધ્યાનમાં લેતાં શહેરમાં આજે પણ ઓમિક્રોનના 30 એક્ટિવ કેસ છે.
સિવિલ-સોલા સિવિલમાં ડોકટર અને સ્ટાફ સહિત 14 પોઝિટિવ
સિવિલ અને સોલા સિવિલના 14 ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો છે. સિવિલમાં વધુ 4 રેસિડેન્ટ ડોક્ટર પોઝિટિવ આવ્યા છે. સોલા સિવિલમાં ડોક્ટર અને સ્ટાફ મળીને 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે, જેમાં 4 ડોકટર, 1 ટેક્નિશિયન અને સર્વન્ટનો સમાવેશ થાય છે.
આ વિસ્તારો કન્ટેઈન્મેન્ટમાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.