તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવેના પડકારો કંઈક નોખા છે:PM તરીકેનાં 7 વર્ષમાં પહેલીવાર મોદીની ઇમેજને ‘કોરોના’નું ગ્રહણ લાગ્યું, આ વખતે ‘આફતને અવસર’માં કેમના પલટશે ‘મહારથી’

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: મયંક વ્યાસ
  • 2001થી અત્યારસુધીની તમામ રાજકીય કટોકટીમાં ક્રાઈસિસ મેનેજમેન્ટ કરનારા શાહ આજે પણ મોદી સાથે અડીખમ
  • કોરોના મહામારીમાં મોદીના કટ્ટર સમર્થકો પણ ટીકા કરવા લાગ્યા છે, ત્યારે ઈમેજ ખરડાતી અટકાવવા મોદી શું કરશે?
  • ખેડૂત આંદોલન, નાગરિકતા કાનૂન સહિતના પડકારો હજી ઊભા છે, બંગાળની ચૂંટણીએ રાજકીય સમીકરણો બદલી નાખ્યાં

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આજે 7 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 7 વર્ષ પણ કોઈ રોલર-કોસ્ટર રાઈડથી કમ નથી રહ્યાં. વિરોધ, વિવાદો અને આંદોલનો સાથે ચોલી-દામનનો નાતો ધરાવતા મોદી અત્યારસુધીમાં દરેક પડકારમાં વધુ સ્ટ્રોંગ બની ઊભરી આવ્યા છે.

2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પછી 2002નાં રમખાણો, 2007ના નકલી એન્કાઉન્ટર સહિતના વિવાદોએ મોદીની CM તરીકેની સ્થિતિ વધુ મજબૂત બનાવી હતી. 2014માં વડાપ્રધાન બન્યા બાદ નોટબંધી અને GST જેવા નિર્ણયોની ટીકા તથા બીજી ટર્મમાં નાગરિકતા કાનૂન, કૃષિ વિધેયકે મોદીની સત્તાના પાયા હચમચાવી નાખે એવા પડકારો ઊભા કર્યા હતા, પણ હવે કોરોનાએ મોદીની ઈમેજને મોટો બટ્ટો લગાડ્યો છે, જેમાંથી બહાર આવવું અઘરું છે.

મોદી પાસે આજે પણ અડીખમ છે વિશ્વાસુ ક્રાઈસિસ મેનેજર... અમિત શાહ
કોરોના મહામારી અને એની બીજી લહેરમાં ‘મિસમેનેજમેન્ટ’ના આક્ષેપોથી મોદીના અભેદ્ય ગણાતા બખ્તરમાં તડા પડવાનું શરૂ થઈ ગયું છે. આનો સૌથી મોટો પુરાવો એ છે કે અનુપમ ખેર જેવા મોદીના કટ્ટર સમર્થકો અને સંઘ પરિવાર જેવી પિતૃસંસ્થાઓ પણ ‘મોદીએ ભૂલ કરી છે’ એવા શબ્દો ઉચ્ચારવા લાગ્યા છે. જોકે મોદી પાસે ‘આફતને અવસરમાં’ તબદિલ કરી નાખવાની પોતાની આવડત ઉપરાંત આ વીસ વર્ષમાં હરહંમેશ ક્રાઈસિસ મેનેજર તરીકેની કામગીરી બખૂબી નિભાવનારા અમિત શાહ હજી હયાત છે. ફરક એટલો છે કે એ સમયે ગુજરાતમાં મોદી CM હતા ત્યારે અમિત શાહ ગૃહરાજ્યમંત્રી હતા અને આજે મોદી PM છે તો શાહ દેશના HM છે.

2005માં વિઝા ના આપનારી US સરકારે એ જ મોદી માટે લાલજાજમ બિછાવી
ગુજરાતનાં રમખાણોને કારણે નરેન્દ્ર મોદીની છબિ ખૂબ ખરડાઈ હતી અને તેમની પોલિટિકલ ઇમેજ સામે મોટું સંકટ પેદા થયું હતું. 2005માં તો અમેરિકન સરકારે મોદીના મુખ્યમંત્રી તરીકેના સત્તાવાર પ્રવાસ માટે વિઝા આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો, પરંતુ પડકારોમાં વધુ મજબૂતાઈથી ઊભરી આવવાની મોદીની કુનેહ કહો કે આફતને અવસરમાં પલટી નાખવાની તેમની ક્ષમતા... એ જ અમેરિકન સરકારે 27 સપ્ટેમ્બર, 2014ના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ન્યૂયોર્કની ધરતી પર પહોંચ્યા ત્યારે લાલજાજમ બિછાવીને તેમનું સ્વાગત કરાયું હતું. આ નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીની સૌથી મોટી ડિપ્લોમેટિક જીત હતી.

કોરોનાનો પડકાર CAA-ખેડૂત આંદોલન કરતાં પણ મોટો, સપોર્ટર બન્યા ટીકાકાર
અત્યારસુધી ખેડૂત આંદોલનને મોદીના વડાપ્રધાનના કાર્યકાળનો સૌથી મોટો પડકાર ગણવામાં આવતો હતો અને ત્યાર બાદ બીજા ક્રમે નાગરિકતા કાનૂન એટલે કે CAA હતો, પરંતુ કોરોનાની બીજી લહેરે બધાં સમીકરણો બદલી નાખ્યા છે. એક તરફ, ગુજરાત અને યુપી જેવા મોદીના સ્ટ્રોંગહોલ્ટ ગણાતાં રાજ્યો સહિત દેશભરમાં ખડકાતા લાશોના ઢગલા વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચારમાં હજારો-લાખોની મેદની એકત્ર કરતા વડાપ્રધાનની ટીકા થાય એ સ્વાભાવિક છે. દિવસે રાષ્ટ્રજોગ સંબોધનમાં ‘દો ગજ કી દૂરી’ રાખવાનો આગ્રહ દાખવતા વડાપ્રધાન બંગાળની રેલીમાં લાખો સમર્થકોને જોઈને ‘આ..હા..હા..’નાં ઉચ્ચારણો કરે એ પ્રસંગે PM સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા.

કોરોનામાં ભલભલા દિગ્ગજો યમસદને પહોંચી ગયા અને આ કારણે જ પહેલા સુબ્રહ્મણ્યમ સ્વામી જેવા ભાજપના જ નેતા પછી જીતનરામ માંઝી જેવા સત્તાના સાથીદાર અને હવે તો ખુદ અનુપમ ખેર જેવા કટ્ટર સમર્થક પણ મોદીની સીધી કે આડકતરી ટીકા કરવા લાગ્યા છે.

બંગાળની હાર, કોરોનાની માર... મોદી માટે હવેનો જંગ આર યા પાર...
તાજેતરમાં જ પૂર્ણ થયેલી ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આમ તો કશું ખાસ નહોતું, પણ પશ્ચિમ બંગાળે આખા દેશમાં આ ચૂંટણીની ચર્ચા જગાવી દીધી હતી. બે વર્ષ પહેલાંથી ભાજપ આ ચૂંટણીની તૈયારી કરી રહ્યો હતો અને ચાણક્યની ઉપમા ધરાવતા અમિત શાહના ટ્રેક રેકોર્ડને જોતાં આ ચૂંટણીમાં મમતા બેનર્જીને હરાવીને ભાજપ જીતી જ જશે એમ લાગતું હતું, પરંતુ આવું થયું નહીં અને મમતા’દીએ મોદીને બરાબરની ટક્કર આપી અને એકલા હાથે તેમજ એક પગે ચૂંટણીપ્રચાર કરીને 200થી વધુ સીટ જીતી દેખાડી.

ઘણા રાજકીય વિશ્લેષકોએ આ પરિણામોને મોદીની રાજકીય કારકિર્દીના વળતા પાણીની શરૂઆત પણ ગણાવી દીધી હતી. બીજી તરફ, કોરોના મહામારીએ દેશની હેલ્થકેર સિસ્ટમ અને અર્થતંત્ર બંનેની કમર તોડી નાખી છે. મોદી સરકાર કોરોનાને ‘મેનેજ’ ના કરી શકી એવું તેમના સમર્થકો પણ માની રહ્યા છે. આ કારણે જ આવતા વર્ષે યુપી સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી મોદી માટે આર યા પારનો જંગ ગણાય છે.

2002નાં રમખાણો, 2007ના નકલી એન્કાઉન્ટરોમાં ઘેરાયા હતા ‘CM’ મોદી
મુસીબતો અને વિવાદ નરેન્દ્ર મોદી માટે કાંઈ નવી વાત નથી. 2001ના સપ્ટેમ્બરમાં પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એના છ મહિનામાં જ ગોધરાકાંડ થયો અને આખું ગુજરાત ભડકે બળ્યું. આ રમખાણો દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી મોદી પર નરસંહાર સહિતના આક્ષેપો થયા હતા. 2002ની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તત્કાલીન કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ પોતાનાં ભાષણોમાં મોદીને ‘મોતના સોદાગર’ કહ્યા હતા. આમ છતાં 2002ની વિધાનસભા ચૂંટણીઓમાં મોદીના નેતૃત્વમાં ભાજપ બે-તૃતીયાંશ બહુમતી સાથે વિજેતા રહ્યો હતો.

ત્યાર બાદ 2007માં સોહરાબુદ્દીન, કૌસરબી, તુલસીરામ, ઈશરત જહાં સહિતનાં ઢગલાબંધ નકલી એન્કાઉન્ટરોના વિવાદમાં ફરી મોદી ફસાયા હતા. તેમની સરકારના ગૃહરાજ્યમંત્રી અમિત શાહની તો સીબીઆઈએ ધરપકડ પણ કરી હતી. આમ છતાં 2007 અને 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ મોદીએ સ્પષ્ટ બહુમતી સાથે જીતી હતી.

કોરોનાની સ્થિતિ સહેજ સુધરશે એટલે ખેડૂતો ફરી દિલ્હી બોર્ડરે ડેરો જમાવશે
કોરોનાની બીજી લહેરમાં દિલ્હીમાં અત્યંત ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. લોકડાઉન જાહેર થવાને કારણે તેમજ ભીડ ભેગી કરવાથી સંક્રમણ ફેલાવાના જોખમને લીધે હરિયાણા અને પંજાબના ખેડૂતોએ દિલ્હીની ટિકરી બોર્ડરથી પોતાના તંબુ ઉખાડી લીધા હતા, પરંતુ હવે ફરી ખેડૂત આંદોલનની હરકત થવા લાગી છે. રાકેશ ટિકૈતે અત્યારે તો દિલ્હી તરફ કૂચ ન કરવાનું આહવાન કર્યું છે, જોકે એ સમય દૂર નથી કે દિલ્હીની બોર્ડરે ફરી ખેડૂતો ભેગા થવા લાગશે અને પોતાના આંદોલનને આગળ ધપાવશે. આ સ્થિતિમાં ફરી મોદી માટે જૂનો પડકાર નવું સ્વરૂપ લઈને આગળ આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...