ડોક્ટરોની સ્પષ્ટતા:હવે 14 નહીં, 7 દિવસનું જ આઇસોલેશન; કોરોના પોઝિટિવ દર્દીને સતત 3 દિવસ તાવ ના આવે તો નેગેટિવ ગણાશે, જાણો નવી ગાઇડલાઇન્સના લોજિકને

અમદાવાદ6 મહિનો પહેલા
 • ઓમિક્રોન ઘાતક છે કે નહીં? ત્રીજી લહેરને લઈને મૂંઝવતા સવાલોના જવાબો મેળવો નિષ્ણાતો પાસેથી
 • 3 દિવસ કરતાં પણ વધારે સતત તાવ જણાય તો તાત્કાલિક ફરીથી ડોક્ટરનો સંપર્ક કરી લેવો જરૂરી
 • એકવાર નેગેટિવ આવી જાય પછી અન્ય લોકોને સંક્રમિત કરી શકે એવો જીવિત વાઇરસ રહેતો નથી

ચેતન પુરોહિત(અમદાવાદ), જિજ્ઞેશ કોટેચા(રાજકોટ), દેવેન ચિત્તે(સુરત), મેહુલ ચૌહાણ (વડોદરા): કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર, કોરોના/ઓમિક્રોન પેશન્ટને 7 દિવસ ક્વોરન્ટીન રહેવાનું રહે છે. જ્યારે 1લી અને 2જી લહેરમાં ક્વોરન્ટીનનો સમય 9+5 એટલે 14 દિવસનો (આમાં 9 દિવસ હોસ્પિટલ અથવા ક્વોરન્ટીન સેન્ટરમાં અને પછી 5 દિવસ ઘરમાં) હતો. પહેલાં ક્વોરન્ટીનના 14 અને હવે 7 દિવસ કરી દેવાની ગાઈડલાઈન્સ શા માટે કરવામાં આવી એ અંગે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના નિષ્ણાતો સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાત કરી હતી, જેમાં જણાયું હતું કે રિચર્સ બાદ ક્વોરન્ટીનનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે.

શું છે નવી ગાઇડલાઈન્સ?
લક્ષણ વગરનાં અથવા હળવાં લક્ષણવાળા કોરોનાના દર્દીઓને હવે પોતાના ઘરે 14 દિવસની જગ્યાએ માત્ર 7 દિવસ આઈસોલેટ અથવા ક્વોરન્ટીન રહેવું પડશે. એટલું જ નહીં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તાજેતરની ગાઈડલાઈન્સમાં ઓક્સિજન સેચ્યુરેશનનું પ્રમાણમાં 94%થી બદલીને 93% કરી દેવામાં આવ્યું છે. ગાઈડલાઈન્સ અનુસાર, આ 7 દિવસના આઇસોલેશનની શરૂઆત કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યાના દિવસથી ગણવામાં આવશે. આઈસોલેશન દરમિયાન જો દર્દીને સતત 3 દિવસ સુધી તાવ નથી આવતો તો તે આઠમા દિવસથી કોરોના નેગેટિવ માનવામાં આવશે. એના માટે કોરોનાની તપાસ પણ જરૂરી રહેશે નહીં. અમેરિકા અને બ્રિટન પછી ભારત ત્રીજો મુખ્ય દેશ છે, જેણે આઈસોલેશનના દિવસ ઓછા કરી દીધા છે.

ઓમિક્રોનનાં સામાન્ય લક્ષણો

 • માથાનો દુઃખાવો, ગળાની ખરાશ અને હાઇગ્રેડ ફીવર (તાવ) આટલા ચિહનો સામાન્ય રીતે જોવા મળે છે.
 • ફેફસાંનું ઇન્વોલમેન્ટ, જેમાં ખરેખર ઓક્સિજનની જરૂર ઉપસ્થિત થાય, વેન્ટિલેશનની જરૂર ઉપસ્થિત થાય.
 • ડેલ્ટા કરતાં ઓમિક્રોનમાં ઓછા દર્દીઓને ઓક્સિજન-વેન્ટિલેટરની જરૂર પડી એક પ્રારંભિક તારણ છે.

કેવા દર્દીઓને હોમ આઈસોલેટ કરવામાં આવશે?

 • જો ડૉક્ટર લેખિતમાં કહે કે દર્દી એસિમ્પ્ટોમેટિક છે અથવા એમાં હળવાં લક્ષણો છે.
 • જેમના ઘરે દર્દીની સાથે તેમના સંપર્કમાં આવેલા પરિવારને પણ ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થા હોય.
 • દર્દીની સંભાળ લેવા માટે વ્યક્તિએ 24 કલાક ત્યાં હાજર રહેવું જોઈએ.
 • સંભાળ રાખનાર અને ડૉક્ટર સંપર્કમાં ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી દર્દીનો આઈસોલેશન પિરિયડ પૂરો નથી થતો.
 • એક કંટ્રોલ રૂમનો નંબર પરિવારની પાસે રહેશે અને સમયાંતરે આઈસોલેટેડ દર્દીને ગાઈડ કરવામાં આવશે.

હોમ આઈસોલેટ દર્દીઓએ શું કરવાનું છે અને શું નથી કરવાનું?

 • ઘરે આઈસોલેટ દર્દીઓના પરિવારે બાકીના સભ્યોથી દૂર રહેવું. ખાસ કરીને વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડિત લોકો સાથે અંતર રાખવું.
 • સ્વાસ્થ્ય વિભાગે દર્દીઓ માટે પસંદગી કરી છે એ રૂમમાં આઈસોલેટ રહેવું પડશે. વારંવાર રૂમ ન બદલવો.
 • આઈસોલેશનવાળો રૂમ ખુલ્લો અને વેન્ટિલેટેડ હોવો જોઈએ, જેથી તાજી હવા અંદર-બહાર આવી શકે.
 • આઈસોલેટ રહેતા દર્દીઓને રૂમની અંદર પણ ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરવો પડશે.
 • દર્દીની સંભાળ રાખનારી વ્યક્તિ અને દર્દી બંનેએ N95 માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
 • માસ્ક ફેંકતાં પહેલાં એને ટુકડામાં કટ કરી લો અને ઓછામાં ઓછા 72 કલાક માટે પેપર બેગમાં નાખી દો
 • દર્દીએ આરામ કરવો જોઈએ અને શરીરમાં પાણીની ઊણપ ન સર્જાવી જોઈએ.
 • સાવધાની રાખવી અને વારંવાર હાથ ધોવા. ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો.
 • દર્દીના વાસણ અથવા અન્ય વસ્તુ પરિવારના કોઈપણ સભ્ય સાથે શેર ન કરવી જોઈએ.
 • દરવાજો, સ્વિચ બોર્ડ, માસ્ક અને ગ્લવ્ઝ જેવી ઉપયોગી વસ્તુઓની સંભાળ રાખતી વ્યક્તિ અથવા દર્દીએ સાફ કરતા રહેવું જોઈએ.
 • દર્દીએ પોતાની પલ્સ અને ઓક્સિજન લેવલ ચેક કરતા રહેવું જોઈએ.
 • સંક્રમિત વ્યક્તિ પોતાના શરીરનું તાપમાન દરરોજ ચેક કરશે અને જો તબિયત ખરાબ થઈ જાય છે તો એ વાતનો રિપોર્ટ તરત ડૉક્ટર અને કંટ્રોલ રૂમે કરવો પડશે.

દર્દીઓથી કેવી રીતે અંતર રાખવું?

 • દર્દીના શ્વાસ અને લાળ જેવી વસ્તુના સીધા સંપર્કમાં આવવાથી બચવું.
 • દર્દીની સંભાળ કરતા સમયે ડિસ્પોઝેબલ મોજાનો ઉપયોગ કરવો.
 • દર્દીનાં વાસણ, પાણીની બોટલ, ટુવાલ અને પથારી જેવી વસ્તુઓ શેર ન કરવી.
 • દર્દીનાં વાસણને મોજા પહેરીને સાબુથી સાફ કરવા.
 • મોજા ઉતાર્યા પછી હાથ જરૂરથી ધોવા.
 • દર્દીનાં કપડાં અથવા પથારી ધોતી વખતે ટ્રિપલ લેયર માસ્ક અને ડિસ્પોઝેબેલ માસ્કનો ઉપયોગ કરવો.

આઈસોલેશન દરમિયાન ક્યારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે?

 • જો ત્રણ દિવસ કરતાં વધુ, 100 ડીગ્રી કરતાં વધારે તાવ હોય.
 • શ્વાસ લેવામાં તકલીફ.
 • એક કલાકમાં ઓછામાં ઓછામાં ત્રણ વખત દર્દીનું ઓક્સિજન સેચ્યુરેશન 93%થી ઓછું આવવું.
 • દર્દી એક મિનિટમાં 24 વખતથી વધારે શ્વાસ લે.
 • છાતીમાં સતત દુખાવો અથવા દબાણ મહેસૂસ થાય.
 • દર્દીને ભ્રમ થવા લાગે કે તેને ઊઠવામાં સમસ્યા થાય.
 • વધારે થાક અને સ્નાયુઓમાં દુખાવો થવા લાગે.