ઓમિક્રોન ઘાતક છે કે નહીં? ત્રીજી લહેરને લઈને મૂંઝવતા સવાલોના જવાબો મેળવો નિષ્ણાતો પાસેથી
3 દિવસ કરતાં પણ વધારે સતત તાવ જણાય તો તાત્કાલિક ફરીથી ડોક્ટરનો સંપર્ક કરી લેવો જરૂરી
એકવાર નેગેટિવ આવી જાય પછી અન્ય લોકોને સંક્રમિત કરી શકે એવો જીવિત વાઇરસ રહેતો નથી
ચેતન પુરોહિત(અમદાવાદ), જિજ્ઞેશ કોટેચા(રાજકોટ), દેવેન ચિત્તે(સુરત), મેહુલ ચૌહાણ (વડોદરા): કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર, કોરોના/ઓમિક્રોન પેશન્ટને 7 દિવસ ક્વોરન્ટીન રહેવાનું રહે છે. જ્યારે 1લી અને 2જી લહેરમાં ક્વોરન્ટીનનો સમય 9+5 એટલે 14 દિવસનો (આમાં 9 દિવસ હોસ્પિટલ અથવા ક્વોરન્ટીન સેન્ટરમાં અને પછી 5 દિવસ ઘરમાં) હતો. પહેલાં ક્વોરન્ટીનના 14 અને હવે 7 દિવસ કરી દેવાની ગાઈડલાઈન્સ શા માટે કરવામાં આવી એ અંગે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના નિષ્ણાતો સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાત કરી હતી, જેમાં જણાયું હતું કે રિચર્સ બાદ ક્વોરન્ટીનનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે.
શું છે નવી ગાઇડલાઈન્સ? લક્ષણ વગરનાં અથવા હળવાં લક્ષણવાળા કોરોનાના દર્દીઓને હવે પોતાના ઘરે 14 દિવસની જગ્યાએ માત્ર 7 દિવસ આઈસોલેટ અથવા ક્વોરન્ટીન રહેવું પડશે. એટલું જ નહીં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તાજેતરની ગાઈડલાઈન્સમાં ઓક્સિજન સેચ્યુરેશનનું પ્રમાણમાં 94%થી બદલીને 93% કરી દેવામાં આવ્યું છે. ગાઈડલાઈન્સ અનુસાર, આ 7 દિવસના આઇસોલેશનની શરૂઆત કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યાના દિવસથી ગણવામાં આવશે. આઈસોલેશન દરમિયાન જો દર્દીને સતત 3 દિવસ સુધી તાવ નથી આવતો તો તે આઠમા દિવસથી કોરોના નેગેટિવ માનવામાં આવશે. એના માટે કોરોનાની તપાસ પણ જરૂરી રહેશે નહીં. અમેરિકા અને બ્રિટન પછી ભારત ત્રીજો મુખ્ય દેશ છે, જેણે આઈસોલેશનના દિવસ ઓછા કરી દીધા છે.
ઓમિક્રોનનાં સામાન્ય લક્ષણો
માથાનો દુઃખાવો, ગળાની ખરાશ અને હાઇગ્રેડ ફીવર (તાવ) આટલા ચિહનો સામાન્ય રીતે જોવા મળે છે.