ગોઝારો દિવસ:રાજ્યમાં બે હિટ એન્ડ રન સહિત 7 અકસ્માત, 11ના મોત અને 16ને ઈજા, બે પરિવારે બે-બે દીકરા ગુમાવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • નડિયાદની પીજ ચોકડી પાસે હીટ એન્ડ રનમાં એક ભાઈનું એક્ટીવા પરથી પટકાતા તો બીજાનું બ્રીજ નીચે પડતા મોત
  • ધનસુરા-મોડાસા હાઇવે પર ટેમ્પોએ કારને અડફેટે લેતા 2 સગા ભાઈના મોત

ગુજરાતમાં દિવાળીની ઉજવણી વચ્ચે કેટલાક પરિવારોમાં માતમ છવાયું છે તો બે પરિવારના બે સગાભાઈઓના પણ મોત થયા છે. આમ પરિવાર નોધારા પણ થયા છે. રાજ્યમાં દિવાળીની સવારથી સાંજ સુધીમાં બે હિટ એન્ડ રન સહિત 7 અકસ્માત થયા છે. જેમાં 11 લોકોના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ધનસુરા-મોડાસા હાઇવે પર ટેમ્પોએ કારને અડફેટે લેતા 4ના મોત
સવારે અરવલ્લીના ધનસુરા-મોડાસા હાઇવે પર રહિયોલ ફાટક નજીક ટેમ્પોએ કારને અડફેટે લેતા 4 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં કપડવંજના ગામના આંત્રોલીના પટેલ પરિવારના બે સગાભાઈ તેમજ રાજપુરનો અન્ય એક યુવક તથા એક શ્રમિક મળીને કુલ 4ના મોત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ઈજાગ્રસ્તોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સ્થળેથી સ્થાનિકોને 50 હજાર રોકડા અને ત્રણ મોબાઈલ મળી આવતા ધનસુરા પોલીસને સુપ્રત કર્યા હતા.

ત્રણના ઘટનાસ્થળે જ એકનું સારવાર દરમિયાન મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા-ધનસુરા રોડ પર ટેમ્પો-ટ્રકે કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના મયંક વાસુદેવ પટેલ, નીરવ વાસુદેવ પટેલ, રાજપુરના બિપીન રણછોડભાઈ પટેલના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કાંતિ લાલ રોતનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ કાંતિલાલ નાનજીભાઈ કટારાને ઈજા થઈ હતી. આ 5 લોકો સવારે મોડાસાથી ધનસુરા પરત ફરી રહ્યા હતા, ત્યારે રહિયોલ ફાટક નજીક ટ્રક યમદૂત બની ત્રાટકી કારને ધડાકાભેર ટક્કર મારતા કારમાં સવાર 3ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘુસતા 3ના મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 4 નવેમ્બરની સવારે દૂધના ટેન્કર પાછળ પૂરપાટ જતી કાર ઘુસી જતા ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે બે લોકોને ઈજા થતા સારવાર અર્થે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકનો પરિવાર અમદાવાદના ઘોડાસર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાંચ ગામથી 7 કિમી દૂર દૂધના ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દૂધનું ટેન્કર રોડ પર ઉભુ હતું તે સમયે વડોદરાથી અમદાવાદ તરફ એક કાર આવી રહી હતી. જે ટેન્કરની પાછળ ઘુસી જતા મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા.

નડિયાદની પીજ ચોકડી પાસે હીટ એન્ડ રનમાં બે ભાઈના મોત
તેમજ નડિયાદની પીજ ચોકડી પાસેના હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનામાં અમદાવાદના બે સગાભાઈઓને મોતનો કાળ ભરખી ગયો, વડતાલ મંદિરેથી દર્શન કરી પરત ઘરે જતી વેળાએ કોઈ અજાણ્યા વાહને એક્ટીવાને ટક્કર મારતાં ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિનું મોત થયા હતા. આ બન્ને ભાઈ એક્ટીવા લઈને અમદાવાદથી વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી પરત ફરતા કોઈ અજાણ્યા વાહને એક્ટીવાને ટક્કર મારતાં એક વ્યક્તિનું બ્રિજ ઉપર તો અન્ય એકનું બ્રીજ પરથી નીચે પટકાતા મોત થયું હતું. આ બનાવ સંદર્ભે વસો પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

અમદાવાદના બે ભાઈના મોત
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને વર્ષોથી અમદાવાદના ઓઢવમાં રહેતા પાંડે પરિવાર પર દિવાળીના દિવસે આભ તૂટી પડયું છે. બનાવ જોઈએ તો આ પરિવારના બે જુવાન સગાભાઈ સાહિલ ઓમપ્રકાશ પાંડે (ઉ.વ. 22) અને શિવમ ઓમપ્રકાશ પાંડે (ઉ. વ. 24) દિવાળીના દિવસે એક્ટીવા (નં. GJ 27 D 07815) લઈને ખેડા જિલ્લાના તીર્થધામ વડતાલમાં દર્શનાર્થે ગયા હતા. વહેલી સવારે અમદાવાદથી નીકળ્યા હતા અને વડતાલ પહોંચી દર્શન કરી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે નડિયાદના પીજ ચોકડી પાસેના હાઈવેના બ્રીજ પર કોઈ અજાણ્યા વાહને ઉપરોક્ત એક્ટીવાને ટક્કર મારી હતી. આથી એક્ટીવા ચાલકે બેલેન્સ ગુમાવ્યું રોડ પર પટકાયો હતો. જ્યારે પાછળ બેસેલો બીજો ભાઈ ઉછળીને સીધો બ્રીજ નીચે પટકાયો હતો. આથી સાહિલ અને શિવમ બન્નેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

ચોરણીયા ગામના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ ઈકો ગાડી ભટકાતા અકસ્માતમાં એકનું મોત
ચોરણીયા ગામના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ ઈકો ગાડી ભટકાતા અકસ્માતમાં એકનું મોત

લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર બંધ ટ્રક પાછળ ઈકો ભટકાતા 1નું મોત
લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર ચોરણીયા ગામના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ ઈકો ગાડી ભટકાતા અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ દુર્ઘટનામાં શારદાબેન સચિનભાઈ જાદવ, સચિનભાઈ વિજયભાઈ જાદવ અને રવિભાઇ રસીકભાઈ જાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેઓને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મી ઈશ્વરભાઈ વાલાભાઈ પરમાર.
હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મી ઈશ્વરભાઈ વાલાભાઈ પરમાર.

મહેમદાવાદના વિરોલ પાસે હિટ એન્ડ રનમાં પોલીસકર્મીનું મોત
મહેમદાવાદના વિરોલ પાસે હિટ એન્ડ રનના બનાવમાં ફરજ પૂરી કરી પરત ફરતાં પોલીસ કર્મીને અકસ્માતમાં મોત મળ્યું છે. અજાણ્યા બાઈકે પોલીસ કર્મીના મોટરસાયકલને ટક્કર મારતાં ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

મૂળ કપડવંજ તાલુકાના પથોડા ગામના અને હાલ મહેમદાવાદ પોલીસ લાઇનમાં રહેતા ઈશ્વરભાઈ વાલાભાઈ પરમાર ખેડા કેમ્પ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પોતાનું મોટરસાયકલ (નં. GJ 23 R 439) ચલાવીને ફરજ પરથી સાંજના સમયે પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન મહેમદાવાદના વિરોલ ગબાજીના મુવાડા નજીક તેમને અકસ્માત નડ્યો હતો. કોઇ અજાણ્યો વ્યક્તિ મોટર સાયકલે ઈશ્વરભાઈના મોટરસાયકલને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

બે બસ વચ્ચે અકસ્માત થતા હાઇવે ઉપર અફડા-તફડી સર્જાઈ હતી
બે બસ વચ્ચે અકસ્માત થતા હાઇવે ઉપર અફડા-તફડી સર્જાઈ હતી

લાઠીથી ઢસા વચ્ચે 2 ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા
દિવાળી તહેવારને લઈ મોટાભાગની ખાનગી ટ્રાવેલ્સ બસ એક અઠવાડિયાથી છલોછલ ભરાઈને સુરત, અમદાવાદથી સૌરાષ્ટ્ર જઈ રહી છે. સૌરાષ્ટ્રભરના લોકો મહાનગરોમાંથી પોતાના વતનમાં દિવાળીની ઉજવણી કરવા જઈ રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે વાહનો ચલાવવાના કારણે અકસ્માતોની ઘટના પણ સામે આવી રહી છે. ગુરૂવારે રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર અમરેલીના લાઠીથી ઢસા વચ્ચે 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોને ઈજા થઈ હતી. જેના કારણે હાઇવે ઉપર અફડા-તફડી સર્જાઈ હતી.

દાહોદના નસીરપુર ગામ હાઇવે પર ત્રિપલ અકસ્માત
દાહોદના નસીરપુર ગામ હાઇવે પર આઇશર, પિકઅપ વાન અને રિક્ષા વચ્ચે અહીં ત્રિપલ અકસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાનિ થઈ નહોતી. પીકઅપ વાને રીક્ષાને ટક્કર મારી અને તે આઈશર સાથે અથડાતા અકસ્માત થયો હતો. આઇશર ડિવાઈડર સાથે અથડાઇને નજીકના ખાડામાં પડી હતી.

અન્ય સમાચારો પણ છે...