લેન્ડ ગ્રેબિંગ કમિટી:ડિસેમ્બરમાં જ 697 કરોડની સરકારી મિલકત છૂટી થઈ, ગુનેગારો સામે FIR નોંધવા નિર્ણય

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લેન્ડગ્રેબિંગ કમિટીની 2 જ બેઠકમાં 5 સરકારી અરજીઓનો નિકાલ કરાયો

રાજ્યમાં ખોટા પુરાવા ઊભા કરી ગેરકાયદે મિલકત પચાવી પાડનારા સામે ન લડી શકનારા નાગરિકો માટે લેન્ડગ્રેબિંગનો કાયદો અમલમાં છે. આ કાયદા હેઠળ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડગ્રેબિંગ કમિટી બનાવાઈ છે, જેની ડિસેમ્બરમાં મળેલી બે બેઠકમાં પાંચ સરકારી અરજીનો નિકાલ કરાયો હતો અને 697 કરોડ બજાર કિંમતની સરકારી મિલકત પચાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા નિર્ણય કરાયો હતો.

પ્રથમ બેઠકમાં બજાર ભાવ મુજબ 186 કરોડની કિંમતની સરકારી મિલકતની એક અરજી અને બીજી બેઠકમાં 417 કરોડ બજાર કિંમતની ચાર અરજીનો નિકાલ કરાયો હતો. અત્યાર સુધીમાં મળેલી 9 બેઠકમાં સરકારી અને ખાનગી મળી 493 અરજીનો નિકાલ કરીને 2500 કરોડની મિલકતના વિવાદમાં 226 આરોપી સામે પોલીસ ફરિયાદ કરવા નિર્ણય કરાયો છે. ઘાટલોડિયા, વટવા, મકરબા અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાંથી મિલકત વિવાદની અરજીઓ આવી હતી.

પ્રથમ બેઠકમાં 86 અરજીની ચર્ચા કરી 56 દફતરે અને 23 અરજી પુન: તપાસ માટે મોકલાઈ હતી. જ્યારે 7 કેસમાં પોલીસ ફરિયાદ કરવા નિર્ણય લેવાયો હતો, જેમાં સરકારની એક અરજીમાં જંત્રી પ્રમાણે 13.68 કરોડ, બજાર ભાવ પ્રમાણે 186 કરોડ કિંમત હતી. ખાનગી છ અરજીમાં જંત્રી પ્રમાણે 14.09 કરોડ અને બજાર ભાવ પ્રમાણે 30 કરોડની કિંમત હતી.

બીજી બેઠકમાં કુલ 84 અરજી પર ચર્ચા હાથ ધરી 66 દફતરે અને 12માં પુન: તપાસ તથા 6 અરજીમાં પોલીસ ફરિયાદ કરવા હુકમ કરાયો હતો. સરકારી ચાર અરજીની મિલકત કિંમત જોઈએ તો જંત્રી પ્રમાણે 73.64 કરોડ અને બજાર પ્રમાણે 417 કરોડ તેમ જ બે ખાનગી અરજીની મિલકતની કિંમત જંત્રી ભાવ મુજબ 47.06 કરોડ અને બજાર ભાવ મુજબ 94.70 કરોડ થાય છે.

અત્યાર સુધીમાં 2600 કરોડની સરકારી મિલકતના કેસનો ઉકેલ
અમદાવાદ શહેર-જિલ્લામાં સરકારી મિલકત પર મોટા પાયે થયેલા દબાણમાં સરકારી તંત્ર સીધી કાર્યવાહી ન કરતા લેન્ડગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ કરી મિલકત હસ્તગત કરે છે. અત્યાર સુધીમાં સરકારી કુલ 2600 કરોડની બજાર કિંમતની મિલકતના કેસ ઉકેલાયા છે, જેમાં સરકારી મિલકતની જંત્રી ભાવ મુજબ 363.54 કરોડ અને બજાર કિંમત મુજબ 1313.28 કરોડનો આંકડો થાય છે.

અન્ય સમાચારો પણ છે...