પરીક્ષાનું શું થશે?:ધોરણ 12ના 6.92 લાખ વિદ્યાર્થીઓ અને 12 લાખથી વધુ વાલીઓની ગુજરાત સરકારના નિર્ણય પર નજર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • પરીક્ષા લેવી કે નહીં એની રાજ્ય સરકાર આજે સત્તાવાર જાહેરાત કરશે: શિક્ષણમંત્રી
  • મોદીના નિર્ણય પછી રાજ્યની બોર્ડ પરીક્ષા અંગે આજે જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાત સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા લેવી કે નહીં એ બાબતે બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય જાહેર કરશે, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. ગુજરાતમાં પણ ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના 6.92 લાખ વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે નહીં. સરકાર તો ધો.10ના 3.80 લાખ રિપીટર્સ વિદ્યાર્થીને પાસ કરવા માગે છે, પણ પાસ કરવા કઇ રીતે? એ પ્રશ્ન સરકારને મૂંઝવે છે.

ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી, પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું ચાલુ કરાયું હતું. આવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારે CBSEના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરતાં રાજ્ય સરકાર પણ ગુજરાતમાં ધો.12ની પરીક્ષા લેશે નહીં એવું વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે.

CBSEની જેમ ગુજરાત પણ બાળકોના આરોગ્યની ચિંતા કરી ફેરવિચારણા કરે
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે CBSEએ જેવી રીતે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ધો.12ની પરીક્ષા રદ કરી છે, ત્યારે ગુજરાત સરકારે પણ ગુજરાતનાં બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને બોર્ડની પરીક્ષા અંગે ફરી વિચારણા કરવી જોઇએ, કારણ કે બોર્ડની પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ વાલીઓ પણ સીધી રીતે જોડાયેલા છે. કોરોનાની હાલની કપરી પરિસ્થિતિમાં બાળકો અને વાલીઓને સાંત્વના આપતો નિર્ણય સરકારે કરવો જોઇએ.

ધો. 10ના 3.80 લાખ રિપીટર્સને પાસ કરાશે
રિપીટર્સ વિદ્યાર્થીએ પાસ કરવાની માગણી કરી છે. આવા વિદ્યાર્થીઓને સરકાર પાસ કરવા માગે છે, પણ કયા ધોરણ કઇ રીતે લાગુ કરવા એ પ્રશ્ન સરકારને મૂંઝવે છે.

નીટ-જેઇઇ લેવાશે જ ...
ધો. 12ના વિદ્યાર્થીઓનું ઇન્ટર્નલ પરીક્ષાના આધારે મૂલ્યાંકન થશે, ધો.12 સાયન્સના વિદ્યાર્થી માટે મેડિકલ પ્રવેશની નીટ, ઇજનેરી પ્રવેશ માટેની જેઇઇ લેવાશે જ.