શિક્ષણ:અમદાવાદ જિલ્લાની 686 સ્કૂલોને જરૂરિયાત મુજબ ભૌતિક સુવિધાઓના 25 સાધનો મળશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંદાજિત દોઢ કરોડના શૈક્ષણિક અને કોવિડ સલામતીના સાધનો પ્રથમવાર સ્કૂલોને અપાશે : ચેરમેન

અમદાવાદ જિલ્લાની 686 સ્કૂલોને જરૂરિયાત મુજબ ભૌતિક સુવિધાઓનાં 25 સાધનો આગામી ડિસેમ્બર મહિનામાં મળી જશે. જિલ્લા પંચાયત શૈક્ષણિક સમિતીના ચેરમેન હીરલ પટેલે કહ્યું કે, અંદાજિત દોઢ કરોડના શૈક્ષણિક અને કોવિડ સલામતીના સાધનો પ્રથમવાર સરકારી ધો.1થી 8ની સ્કૂલોને અપાશે. જિલ્લા પંચાયત શૈક્ષણિક સમિતીમાં સાત સદસ્યો છે. સાત સદસ્યોએ એક સાથે મળી ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યોના મતવિસ્તારની સ્કૂલોમાં ભૌતિક સુવિધાઓના સાધનો અપાશે.

વિદ્યાર્થીઓને પક્ષ સાથે કોઇ લેવા દેવા નથી. તેવી વિચારધારા ધરાવનાર સત્તાપક્ષ ભાજપના ચેરમેન હીરલ પટેલે કહ્યું કે, જિલ્લા પંચાયતમાં ભાજપની 30 અને કોંગ્રેસની 4 બેઠકો છે. આજ કારણથી કોંગ્રેસના ચાર સભ્યો સાથે પૂર્વગ્રહ રાખ્યા વિના તેઓના મતવિસ્તારની સ્કૂલોને પણ આવરી લેવાઇ છે. સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાય છેકે, નહીં, તેની હાલ કોઇ જાણકારી નથી. પરંતુ 1થી 8ના વર્ગ ધરાવનાર તમામ સ્કૂલોને સાધનો આગામી ડિસેમ્બરમાં મળી જશે. જિલ્લા પંચાયતની મોટાભાગની સમિતીઓના ચેરમેન પ્રત્યેક સભ્યોને પૂરતી ગ્રાન્ટ ફાળવતા નહીં હોવાનો ચુંટાયેલા સભ્યો વારંવાર બળાપો કાઢે છે.

સામાજિક ન્યાય સમિતી, સિંચાઇ સમિતી, મહિલા બાળ સમિતી, આરોગ્ય સમિતીમાં વારંવાર વિવાદો પણ સર્જાય છે. બાંધકામ સમિતી સામે પણ સભ્યો નારાજગી દર્શાવે છે. આ બાબતોને ધ્યાનમાં રાખી શિક્ષણ સમિતી ચેરમેન કોઇ સભ્યને નારાજગી રહે નહીં અથવા વિવાદ સર્જાય નહીં તેની ખાસ તકેદારી રાખવા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી છે. સ્કૂલોને વિવિધ સાધનો મળી ગયા બાદ તેનો સ્કૂલોમાં ઉપયોગ કરાય છેકે, નહીં તે માટે સ્કૂલોમાં સમયાંતરે ચકાસણી કરવા ચેરમેને સમિતીના સભ્યો અને વિભાગના અધિકારીઓને પણ તાકીદ કરી છે.

ચેરમેન પોતે પણ સ્કૂલોની ઓચિંતી મુલાકાત લઇ વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવશે. ફરિયાદ મળશે તો તપાસ કરીને સબંધિત સ્કૂલો સામે પગલાં ભરવાની ચેરમેને ચિમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છેકે, કેટલાક શિક્ષકો બપોરે સ્કૂલોમાંથી ચાલ્યા જતા હોવાથી વિવાદ સર્જાયો હતો. જેના પગલે આઇ ઇપ્રેન્સરથી હાજરી પૂરવાનો નિયમ લાવીને પ્રત્યેક સ્કૂલોમાં આઇ ઇપ્રેન્સરના મશીનો મૂકવા અગાઉની ટર્મમાં નિર્ણય પણ લેવાયો હતો.

પરંતુ શિક્ષકોના વિરોધના લીધે સ્કૂલોમાં આઇ ઇપ્રેન્સનથી હાજરી પૂરવાની યોજના પડતી મુકાઇ હતી. દસ્ક્રોઇ તાલુકામાં 132 શાળા તે જ રીતે દેત્રોજમાં 55, ધંધુકામાં 50, ધોલેરામાં 39, ધોળકામાં 101, બાવળામાં 61, માંડલમાં 43, વિરમગામમાં 96, સાણંદમાં 109 શાળાનો સમાવેશ થાય છે.

ભૌતિક સુવિધાના સાધનોની યાદી
સાઉન્ડ સિસ્ટમ, ડિજીટલ બોર્ડ, કોમ્પ્યુટર ટેબલ, ઓફીસ ટેબલ, ઓફીસ ચેર, સ્ટીલ કબાટ, પ્લાસ્ટિક ચેર, રિવોલ્વીંગ ચેર, બાયોમેટ્રિક, સ્પ્રિંગ રાઇડર, બેડમિન્ટન, વોલીબોલ, ફૂટબોલ, શટલકોક, વોલીબોલ નેટ, બેડમિન્ટન નેટ, બાસ્કેટબોલ, કેરમબોર્ડ ફલાઇંગ ડિસ્ક, ક્રિકેટ કિટ, માસ્ક, સેનિટાઇઝર 550 એમએલ, સેનિટાઇઝર 5 લીટર, ડિસ્પેન્સર, થર્મલ ગન જેવા સાધનોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...