કન્યા કેળવણીમાં ઉદાસીનતા:બેટી બચાવો બેટી પઢાવો યોજના માટેના છેલ્લા પાંચ વર્ષમાં 67 ટકા નાણાં વણવપરાયેલા: કોંગ્રેસ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બેટી બચાવો બેટી પઢાવો યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ યોજનામાં જે નાણાં ફાળવવામાં આવ્યા હતા. તેમાંથી 67 ટકા નાણાં હજુ વપરાયા નથી. કન્યા કેળવણીમાં ભાજપ સરકારની ઉદાસીનતાને લીધે માધ્યમિક શિક્ષણમાં ધોરણ-10 સુધી પ્રવેશ મેળવતી કન્યાઓની સંખ્યામાં 1.5 લાખનો ઘટાડો નોંધાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.

કન્યા શિક્ષણમાં ધોરણ 10 સુધી સતત ઘટાડો
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બેટી બચાવો બેટી પઢાવોની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં કન્યા શિક્ષણમાં ધોરણ-10 સુધી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. છેલ્લા પાંચ વર્ષમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ હેઠળ ગુજરાતને ફાળવેલ નાણાંમાંથી 67 ટકા નાણાં વણવપરાયેલા છે. ભાજપ સરકારની કન્યા કેળવણી માટેના ખોખલા દાવાની પોલ ખુલી ગઈ છે. ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો માટે છેલ્લા પાંચ વર્ષમાં 1990.37 લાખ ફાળવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 699.31 લાખ નાણાંનો ઉપયોગ થયો છે.

6000 શાળાઓને તાળા મરાયા
પાંચ વર્ષમાં1251.06 લાખ જેટલા જંગી નાણાં વણવપરાયેલા છે. ગુજરાતમાં ભાજપ સરકાર કન્યા શિક્ષણ આપવામાં ઉણી ઉતરી રહી છે. ગુજરાતમાં 10માં ધોરણના એનરોલમેન્ટની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2014-15માં ધોરણ 10 સુધીમાં દાખલ થનાર કન્યાઓની સંખ્યા 49,39,983 હતી. જે વર્ષ 2020-21માં 47,89,372 થઈ એટલે કે વર્ષ 2014-15ના આધારે 1.5 લાખ જેટલી કન્યાઓ ધોરણ-10માં દાખલ થવાનો ઘટાડો સ્પષ્ટ જોવા મળે છે. પ્રવેશોત્સવ, ગુણોત્સવના નામે કરોડો રૂપિયાના ઉત્સવો પાછળ બેફામ નાણાં ઉડાવતી ભાજપ સરકાર 6000 શાળાઓને તાળા મારવાનું પાપ કરી રહી છે. જેની સૌથી વધુ અસર કન્યા શિક્ષણ પર સીધી પડશે.

સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં ઘટાડો
કન્યાઓનું એસ.એસ.સી.માં દાખલ થવાના ઘટાડા પાછળ રાજ્ય સરકારની કન્યા કેળવણી પ્રત્યેની ઉદાસીનતા સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં ઘટાડો, શાળા બંધ કરવાની નીતિ, ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસોના રૂટનો અભાવ અને પરિવારોની આર્થિક નબળી સ્થિતી બીજી બાજુ સરકાર તરફથી કન્યા કેળવણી માટેનો પ્રોત્સાહનનો અભાવ, દીકરીઓના શિક્ષણ પર ગંભીર અસર કરી રહ્યું છે. વિકાસના બણગા ફુકતી અને બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રો પોકારતી જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર ગુજરાતની દીકરીઓને શિક્ષણથી વંચિત કેમ રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...