સાબરમડી ડી કેબીન ખાતેની ઓરડીમાં બુટલેગરે છુપાવેલી દારૂની 432 બોટલો પોલીસે પકડી પાડી હતી, જ્યારે એસપી રિંગ રોડ ઉપર આવેલા ભાડજ સર્કલ ખાતેથી પોલીસે વિદેશી દારૂની 227 બોટલો ભરેલી કાર સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.
સાબરમતી ડી માર્ટની સામે તપોવન નગર ગોગા નગરની ચાલીમાં રહેતા પરેશભાઈ વાધેલા(28)એ ઓરડીમાં વિદેશી દારુ છુપાવી રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ઓરડીમાંથી પોલીસને વિદેશી દારૂની 432 બોટલ (કિંમત રૂ.43,200) મળી આવી હતી. જે વિશે પોલીસે પરેશભાઈની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતુ કે, સાબરમતી અચેર છારાનગરમાં રહેતા બુટલેગર હર્ષદભાઈ પ્રતાપભાઈ છારાનો આ દારૂનો જથ્થો હતો. દારૂનો જથ્થો ઓરડીમાં રાખવા માટે હર્ષદ પરેશભાઈને રોજનું રૂ.100 ભાડું આપતો હતો. આ માહિતીના આધારે પોલીસે દારૂના જથ્થા સાથે પરેશભાઈ વાઘેલાની ધરપકડ કરી બુટલેગર હર્ષદભાઈ છારાની શોધખોળ શરૂ કરી હતી.
આ ઉપરાંત એસપી રિંગ રોડ ઉપર આવેલા ભાડજ સર્કલ પાસેથી પોલીસે વિદેશી દારૂની 227 બોટલ (કિંમત રૂ.98,400) સાથે કમલેશભાઈ બાબુભાઈ બિશ્નોઈ(32) (રાજસ્થાન, ઝાલોર)ને ઝડપી લીધો હતો. કમલેશ આ જથ્થો રાજસ્થાનથી લાવ્યો હતો, પરંતુ ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે કમલેશની સઘન પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે દારૂ તેમજ કાર મળીને કુલ રૂ. 6.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.