અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના વાંચ ગામની સીમમાં આવેલાં 65 જેટલાં મકાનો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. હજુ બીજા 10 જેટલાં મકાનો તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘરવિહોણાં બનેલાં 60 પરિવાર રોડ પર આવી ગયા છે. નિરાધાર હાલતમાં મુકાયેલાં આ પરિવારો છત વગર ખુલ્લાં આકાશ નીચે હાલ ખુલ્લી જગ્યામાં રહે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે તેઓ વર્ષોથી આ જગ્યા પર પરિવાર સાથે રહેતાં હતા. તેઓ લાઇટ,પાણી, તેમ જ સરકારી સહાયવાળા ગેસ સિલિન્ડર પણ ધરાવતાં હતા. તેમની પાસે અહીંયા વસવાટ કરતાં હોવાના મતદાન કાર્ડથી લઇને આધાર કાર્ડ, રેશન કાર્ડ પણ છે. ત્યાં સુધી કે તેઓ ગ્રામ પંચાયતનો વેરો પણ ભરતા હતા. બીજી તરફ સત્તાધીશો તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેમણે ગૌચરની જમીન પર દબાણ કર્યું હોવાથી હાઇકોર્ટના આદેશથી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક રહીશોએ સરકાર સહિત સત્તાધીશો સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વિનંતી કરી છે.
અમદાવાદ જિલ્લાના હાથીજણથી થોડેક દૂર હાઇવેને અડોઅડ વાંચ ગામ આવેલું છે. આ ગામની સીમમાં 100થી વધુ પરિવારો રહે છે. વર્ષોથી વસવાટ કરતાં આ ગ્રામજનોના મકાનો સત્તાવાળાઓએ તોડી પાડવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં દિવ્ય ભાસ્કર રૂબરૂમાં તપાસ કરવા ગામમાં પહોંચ્યું હતું. ત્યારે મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના કારણે ગામની સીમમાં ચોતરફ કાટમાળ ખડકાયેલો હતો અને સમગ્ર વિસ્તાર ભેંકાર ભાસતો હતો. તો કેટલાંક મકાનો પર હથોડાં પડી રહ્યાં હોવાના અવાજો સંભળાઇ રહ્યાં હતા. સૂમસામ લાગતા આ વિસ્તારના રહીશો મકાનના કાટમાળ વચ્ચે પોતાના પરિવાર અને ઘરવખરી સાથે બેઠેલાં જોવા મળ્યાં હતા. ત્યારબાદ દિવ્ય ભાસ્કરે સ્થાનિક રહીશોથી માંડીને સરપંચ તેમ જ તલાટી કમ મંત્રીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હાઇકોર્ટના આદેશથી આ પગલું ભરવામાં આવ્યું હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો, જેથી આ અંગે હાઇકોર્ટમાં પીટીશન કરનારા વ્યક્તિઓને પણ રૂબરૂમાં મળ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે દબાણો દૂર કરવા માટે સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત નહીં મળવાના કારણે તોડવામાં આવ્યા નહોતા. આથી જ હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશના પગલે આ ગેરકાયદે મકાનો તોડવામાં આવ્યા છે.
શું કહે છે ગામના સરપંચ ?
વાંચ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉષાબેન પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાઇકોર્ટના આદેશ અને અમદાવાદ જિલ્લા કલેકટરની સૂચનાથી ગઇ તા.24, 25 અને 26મી મેના રોજ 60 જેટલાં મકાનો તોડવામાં આવ્યા હતાં. આ મકાનોમાં રહેતાં લોકોને 4 મેના રોજ નોટિસ આપવામાં આવી હતી. માપણીનું કામ બધાંની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને તેમને સમય પણ આપવામાં આવ્યો હતો. તે ચાર મહિનાથી સરપંચ પદે હોવાથી વધુ કંઈ જાણતા નથી. તલાટી સાહેબ તમને વધુ જણાવશે. વૈકલ્પિક વ્યવસ્થા અંગે કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું.
શું કહે છે તલાટી કમ મંત્રી ?
વાંચ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૌશલભાઇ પંડ્યાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વાંચ ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી ઘણાં સમયથી ચાલતી હતી. પરંતુ એક યા બીજા કારણોસર દબાણો દૂર થયા નહોતા. દરમિયાનમાં 2019માં આ ઇશ્યૂ હાઇકોર્ટમાં ગયો હતો. 2020માં કન્ટેમ્પ્ટ પિટિશન હાઇકોર્ટમાં ફાઇલ થઇ હતી. હાઇકોર્ટના આદેશના પગલે ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ વાંચ ગામમાં ગેરકાયદે દબાણ અથવા બાંધકામ કરનારા કુલ 210ને નોટિસ આપવામાં આવી હતી, જેમાં ગામ તળમાં સરકારી આવાસોમાં રહેતાં લોકો કે જેમણે વધારાનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેમને વાંધા રજૂ કરવા તેમ જ ગોચરની જમીનમાં દબાણ કરનારાઓને નોટિસ આપીને પુરાવા સાથે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ કોઇએ જવાબ રજૂ કર્યા નહોતા. હાઇકોર્ટના આદેશથી તા. 24, 25 અને 26 મેના રોજ 60 દબાણો તોડવામાં આવ્યા હતા. બીજા 10 જેટલાં મકાનધારકોએ કોર્ટમાં દીવાની દાવા કર્યા હતા, જેમાં મનાઇહુક્મ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે કોર્ટના હુક્મનો અભ્યાસ કરતાં આ મનાઇહુક્મ માત્ર છ મહિના પૂરતો જ હતો. આથી તેમના ગેરકાયદેસર દબાણો હવે તોડવાની પ્રક્રિયા કરાશે.
શું કહે છે પૂર્વ સરપંચ ?
ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નટવરભાઇ ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, 'હું 2011માં સરપંચ હતો. 68 એકર ગોચરની જમીન છે. આ જમીનમાં 1990થી બાંધકામ થવા લાગ્યા હતા. શરૂઆતમાં 15 મકાનો બંધાયા હતા. ત્યારબાદ તબક્કાવાર મકાનો બંધાઇ ગયા હતા. ડેપ્યુટી સરપંચ નવઘણભાઇના સમયમાં આકારણી કરવામાં આવી હતી. ત્યારે બધાંએ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર પંચાયતને જરૂર પડે મકાનો ખાલી કરી દેવાની બાહેંધરી આપી હતી. બાદમાં આ જગ્યાનું ભીમરાવ નગરની જગ્યાએ જોજીનો ટેકરો નામ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. અમે બધે રજૂઆત કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી. આખરે અમે તથા અમારા ભાઇ હિંમતભાઇ ચાવડા સહિત અન્યોએ હાઇકોર્ટમાં 2019માં પિટિશન કરી હતી છતાં કોઇ જ પગલાં નહીં લેવાતાં હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન કરી હતી, જેના પગલે ગૌચરની જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા છે.'
શું કહે છે અરજદાર ?
કમિટિ ઓફ સોશિયલ જસ્ટિસ વાંચ ગ્રામ પંચાયતના ચેરમેન હિંમતભાઇ ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, 'હું વાંચ ગ્રામ પંચાયતની ન્યાય સમિતિનો ચેરમેન હતો. ત્યારે હાઇકોર્ટમાં વાંચ ગામની સીમમાં આવેલી ગોચરની જમીન પર થયેલાં દબાણો હટાવવા માટે પિટિશન કરી હતી. હાઇકોર્ટના આદેશથી આ ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્યા છે.'
ઘરવિહોણાં લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા વિનંતી - અસરગ્રસ્ત
ભીમરાવનગર- જોજીના ટેકરાં પર રહેતાં જયેશભાઇ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, 'અહીંયા બધાં 25-30 વર્ષથી રહીએ છીએ. કાયદા પ્રમાણે ગ્રામ પંચાયતે આકારણી કરેલી છે. અમે પંચાયતનો વેરો નિયમિત ભરીએ છીએ. લાઇટ, પાણી વગેરે પણ મળેલું છે. ત્યાં સુધી કે સરકારી ગેસના બાટલાં સહાયરૂપે મળે છે. છેલ્લાં ઘણાં સમયથી ચળવળના કારણે અમારા મકાનો કોઇ કારણોસર તોડી પાડવામાં આવ્યા છે. અમને કોઇપણ આગોતરી જાણ કરવામાં આવી નથી. સરકાર તથા પંચાયતને ઘરવિહોણાં લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.'
શું કહે છે સામાજિક કાર્યકર
સામાજિક કાર્યકર સંતોષસિંહ રાઠોડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, 'અમને માહિતી મળી હતી કે વાંચ ગામના 100 મકાનો કલેકટરના આદેશથી તોડી પાડવામાં આવ્યા છે. તપાસ કરી તો જાણવા મળ્યું કે હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી. હાઇકોર્ટના હુક્મના આધારે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ઘણાં રહીશો 25-30 વર્ષથી અહીંયા રહે છે. આકારણી પણ પંચાયત દ્રારા કરવામાં આવી છે. અહીંના રહીશો મતદારો પણ હતા. આ બધું ધ્યાને આવતાં ક્યાંક ને ક્યાંક આ લોકો સાથે અન્યાય થયો છે, જેથી અમે હાઇકોર્ટનો હુક્મનો અભ્યાસ કર્યો હતો. કલેકટરે તમામ વિષયો ક્રોસ ચેક કરે અને તમામ પક્ષકારોને સાંભળી કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો, પરંતુ અમે જ્યારે અહીંયા બધાંને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે અહીંયાના રહીશોને સાંભળવામાં આવ્યા નહોતા. એટલે અમે ડેપ્યુટી કલેકટર ચાવડા સાહેબને રૂબરૂ મળીને આ વિસ્થાપિતોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની રજૂઆત કરી હતી. તેમણે આ અંગે કલેકટર કચેરી તથા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવાની તૈયારી બતાવી હતી. જ્યારે તલાટી કૌશલભાઇ પંડ્યાએ હાઇકોર્ટના આદેશનું પૂર્ણરૂપે પાલન થયા બાદ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ નિરાધાર બનેલાં લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગે રજૂઆત કરવા અંગેના પગલાં લેવામાં આવશે.
શું છે ઇશ્યૂ?
વાંચ ગામની મુલાકાત તથા સ્થાનિક રહીશોથી માંડીને સ્થાનિક સત્તાધીશો સાથે થયેલી વાતચીત તેમ જ ગ્રામજનોમાં ચાલતી ચર્ચામાંથી જાણવા મળેલી વિગતો અનુસાર વાંચ ગામની સીમમાં ભીમરાવ નગરનો ટેકરો હતો. આ ટેકરા પર લોકો વર્ષોથી વસવાટ કરતાં હતા. પાછળથી આ ટેકરાનુ નામ બદલીને જોજીનો ટેકરો રાખવામાં આવતાં ગામમાં અંદરોઅંદર મતભેદો થયા હતા. પાછળથી બંને પક્ષે સમાધાન સધાયું હતું, પરંતુ કોઇક કારણસર આ સમાધાન તૂટી જતાં મામલો વણસ્યો હતો. પરિણામ સ્વરુપે ગૌચરની જમીન પરના દબાણો હટાવવા માટેની રજૂઆતો થઇ હતી, પરંતુ સત્તાધીશો તરફથી કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવતાં આખોય મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.