રાજ્યમાં બનેલા તમામ બ્રિજોની સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં કુલ 63 જેટલા બ્રિજોને સમારકામ કરવાની જરૂરિયાત હોવાનો ખુલાસો થયો છે. જેમાં 40 જેટલા બ્રિજને સામાન્ય રિપેરિંગ કરવાની જરૂરિયાત છે, જ્યારે 23 જેટલા બ્રિજને વધુ રિપેરિંગની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. ખુદ સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવ્યું છે કે, રાજ્યમાં બ્રિજોના રિપેરિંગની જરૂરિયાત છે.
અમદાવાદ, સુરત સહિત શહેરોમાંના બ્રિજને રિપેરિંગની જરૂરિયાત
મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારને બ્રિજોની સ્થિતિ મામલે જવાબ રજૂ કરવાનો હતો, ત્યારે સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના 12 બ્રિજને સમારકામની જરૂર છે. જેમાં 10 બ્રિજને સામાન્ય અને બે બ્રિજને વધુ રિપેરિંગની જરૂરિયાત છે. સુરતમાં 13 બ્રિજમાં નવ બ્રિજને ખૂબ જ વધારે રિપેરિંગની જ્યારે 4 બ્રિજને સામાન્ય રિપેરિંગની જરૂરિયાત હોવાનો સ્વીકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરામાં 4 અને રાજકોટ 1, જૂનાગઢમાં 7 બ્રિજને રિપેરિંગ કરવાની જરૂરિયાત હોવાનું જણાવવામાં આવ્યું છે. ગાંધીનગરમાં બનેલા એક પણ બ્રિજને હાલમાં રિપેરિંગ કરવાની જરૂરિયાત ન હોવાનો ખુલાસો પણ એફિડેવિટમાં કરાયો છે.
મેજર બ્રિજનું રિપેરિંગ જરૂરી, યુદ્ધના ધોરણે કરોઃ હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન 25 જાન્યુઆરીએ મોરબી બ્રિજની સ્થિતિ વિશે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલે વળતર આપવાની પણ તૈયારી દેખાડી હતી. અલબત્ત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
રાજ્યમાં બ્રિજ તૂટે તો જવાબદારી કોની?
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના મામલે થયેલી સુઓમોટોની સુનાવણીમાં સરકારે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, શહેરી વિસ્તારમાં જો કોઈ પુલ તૂટે તો તે દુર્ઘટના માટે જવાબદારી કોની રહેશે? તે અંગે કોઈ સ્પષ્ટ નીતિ અમલમાં નથી, પરંતુ સરકાર તેની નીતિ ટૂંક સમયમાં અમલમાં લાવશે. આ સાથે સરકારે તમામ બ્રિજની વિગતો દર્શાવતું પત્રક રજૂ કર્યું હતું, જેમાં બ્રિજના રિપેરિંગનો ખર્ચ અને જવાબદારીની વિગતો રજૂ કરી છે. આ પહેલાં કોર્ટે સરકાર પાસે રાજ્યના બ્રિજની સ્થિતિ અને તેના માટે સરકારની નીતિ રજૂ કરવા અગાઉ આદેશ કર્યો હતો.
બ્રિજ દુર્ઘટનામાં દિલ્હીની તુલનામાં વળતર ઓછું
મોરબી દુર્ઘટનાના પીડિતોએ વળતરની રકમ ઓછી હોવા મામલે પણ અરજી કરાઈ હતી, જેમાં રજૂઆત કરાઈ છે કે, સરકારે 10 લાખ વળતર ચૂકવવા જાહેરાત કરી છે, પરંતુ વળતરની રકમ ઘણી ઓછી છે. દિલ્હીમાં વળતરની રકમ 1 કરોડ હોય છે. ગુજરાત સરકાર નજીવું વળતર ચૂકવે છે. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ બહાર પીડિત પરિવારો વહેલી સવારથી આવી ગયા હતા. પીડિતોએ રજૂઆત કરી હતી કે, ન્યાયતંત્ર અમને યોગ્ય ન્યાય અપાવશે તેવી આશા છે.
જવાબદારી નક્કી કરતી કોઈ નીતિ સરકાર પાસે નથી
સુનાવણીમાં કોર્ટે સરકારને સવાલો કરતા પૂછ્યું હતું કે, શહેરી વિસ્તારમાં બ્રિજ તૂટે તો જવાબદારી કોની રહેશે? સરકારે કહ્યું કે, હાલ આ મામલે કોઈ નીતિ સ્પષ્ટ નથી. કોર્ટે બીજો સવાલ કર્યો કે, ગ્રામ્ય વિસ્તારોમાં કે જિલ્લા કક્ષાએ તમામ બ્રિજની મરામત સહિતની જવાબદારી કોની છે? સરકારે જવાબ આપ્યો કે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની માર્ગદર્શિકા લાગુ પડતી નથી. સરકારે સોગંદનામામાં સ્પષ્ટ જણાવ્યું કે, મ્યુનિ.ની હદમાં આવા કોઈ બનાવ બને તો તેની જવાબદારી નક્કી કરતી કોઈ નીતિ અમારી પાસે નથી.
અર્બન ડેવલપમેન્ટના 63 બ્રિજનું રિપેરિંગ બાકી
સરકારે રજૂઆત કરી કે, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ આવતા 63 બ્રિજને મરામતની જરૂર છે. તે પૈકી 16 બ્રિજ નગરપાલિકા અને 47 બ્રિજ કોર્પોરેશનની હદમાં છે. 29 બ્રિજનું મરામત કામ ચાલી રહ્યું છે. 33 બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે.
રાશિ આપવાથી તમે કોઈપણ પ્રકારની જવાબદારીમાંથી બચી નથી શકતા- હાઇકોર્ટ
22 ફેબ્રુઆરીએ પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવેએ ચુકાદો આવ્યા પછી મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબી પીઆઈએલની સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટમાં થઈ. ગઈકાલે પણ સુનાવણી થઈ હતી. ગઈકાલે ઓરેવા કંપનીના વકીલ દ્વારા પ્રસ્તાવના રાખવામાં આવી હતી કે આ દુર્ઘટનાના લીધે તેઓ ખૂબ જ દુ:ખી છે. પીડિતોની વેદના તેઓ સમજે છે અને એ જ સંદર્ભમાં તેઓ પાંચ કરોડની કુલ રાશિ જમા કરાવવા માગે છે. કોર્ટે પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે તમે રાશિ આપો કે ના આપો, એનાથી તમે કોઈપણ પ્રકારની જવાબદારીથી બચી નથી શકતા. વળતર આપવું તમારા પર છે.
વચગાળાના વળતર તરીકે 10 લાખ ચૂકવવા આદેશ
વકીલે વધુમાં જણાવ્યું હતું કે આ જ સંદર્ભમાં આજરોજ ફરીથી એની સુનાવણી થઈ હતી. કોર્ટે આદેશ કર્યો કે વચગાળાનું વળતર ચૂકવવું પડશે, જેના સંદર્ભમાં મૃત્યુ પામેલી વ્યક્તિદીઠ તરત પાંચ લાખ રૂપિયા જમા કરાવવા પડશે અને આગામી બે સપ્તાહ પછી બાકીના પાંચ લાખ રૂપિયા જમા કરાવવા પડશે, એટલે કે વચગાળાના વળતર તરીકે ઓરેવા કંપનીએ કુલ 10 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. અંતિમ વળતરની રકમ બાદમાં જાણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.