31 માર્ચ 2022 સુધીમાં અમદાવાદમાં 62,602 ઘર વેચાયા વગરનાં હતાં અને બિલ્ડરોને આ ઘરોના વેચાણમાં 42 મહિનાનો સમય લાગવાનું અનુમાન છે. પ્રોપટાઇગરના તાજેતરના રિપોર્ટ મુજબ, ખાલી ઘરોના મામલે અમદાવાદ દેશનાં મુખ્ય 8 શહેરોમાં છઠ્ઠા સ્થાને છે. પ્રોપટાઇગર ડેટાલેબ્સના અમદાવાદ ડૅશબોર્ડ મુજબ જુલાઈ 2021થી માર્ચ 2022 સુધીમાં શહેરમાં કુલ 29336 નવા રહેણાક મકાન તૈયાર કરવામાં આવ્યા છે, જેની સામે કુલ 14,137 મકાનનું વેચાણ થયું છે.
આ દરમિયાન ડિસેમ્બર 2021માં સૌથી વધુ 7588 મકાન બન્યા છે જ્યારે સૌથી વધુ 1859 મકાનનું વેચાણ સપ્ટેમ્બર 2021માં નોંધાયું છે. પ્રોપટાઇગરના રિપોર્ટ મુજબ, ભારતના 8 શહેરોમાં લગભગ 7,35,852 ઘરો એવા હતા જે વેચાયા નથી. ગત વર્ષ માર્ચમાં આવા ઘરોની સંખ્યા 7,05,344 હતી. પ્રોપટાઇગરના રિપોર્ટ મુજબ પહેલા આ ખાલી મકોનાના વેચાણમાં 47 મહિના સુધીનો સમય લાગવાનું અનુમાન હતું.
પરંતુ હાલના સમયમાં ઘરોની ડિમાન્ડ વધી છે. તેથી ખાલી ઘરોના વેચાણમાં હવે 42 મહિનાનો સમય લાગવાનું અનુમાન છે. ગત સપ્તાહે પ્રોપટાઇગરે કહ્યું હતું કે 8 મુખ્ય શહેરોમાં જાન્યુઆરી-માર્ચ દરમિયાન ઘરોનું વેચાણ પ્રતિ વર્ષના આધાર પર 7 ટકા વધીને 70,623 મકાન થઈ ગયું છે.
શેલા, બોપલ, નારોલના 5 પ્રોજેક્ટ્સમાં સૌથી વધુ વેચાયા વગરના ઘર
પ્રોપટાઇગર ડેટાલેબ્સના ડૅશબોર્ડ મુજબ, માર્ચ 2022ની સ્થિતિએ શેલા, બોપલ અને નારોલના 5 પ્રોજેક્ટ્સ એવા છે જ્યાં સૌથી વધુ મકાન વેચાયા વગરનાં છે. શેલાના 3 પ્રોજેક્ટમાં સૌથી વધુ 1785 વેચાયા વગરના મકાન છે. ત્યારબાદ બોપલના એક પ્રોજેક્ટમાં 637 મકાન અને નારોલના એક પ્રોજેક્ટમાં 601 મકાન ખાલી છે.
આ તમામ મકાન અંડરકન્સ્ટ્રક્શન છે જેનો ભાવ શેલામાં 3854થી લઈને 4809 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટનો છે. બોપલમાં યૂનિટનો ભાવ રૂ.3686 પ્રતિ ચોરસ ફૂટ અને નારોલમાં રૂ.2103 પ્રતિ ચોરસ ફૂટનો છે.
મુંબઈમાં સૌથી વધુ 2.55 લાખ મકાન વેચાયા વિનાનાં છે
રાજ્ય | વેચાયા વગરનાં ઘર | લાગનારો સમય |
મુંબઈ | 255814 | 48 મહિના |
પુણે | 118321 | 32 મહિના |
દિલ્હી-NCR | 101404 | 73 મહિના |
હૈદરાબાદ | 73651 | 42 મહિના |
બેંગલુરુ | 66151 | 31 મહિના |
અમદાવાદ | 62602 | 42 મહિના |
ચેન્નઈ | 34059 | 34 મહિના |
કોલકાતા | 23850 | 31 મહિના |
સપ્ટેમ્બર 2021માં સૌથી વધુ 5998 મકાનનો કબજો સોંપાયો, ઓગસ્ટમાં એકપણ નહીં
મહિનો | મકાન | મકાન | વેચાયા | કબજો |
બન્યાં | વેચાયાં | વગરનાં મકાન | સોંપાયો | |
જુલાઈ 2021 | 4385 | 1482 | 40088 | 1232 |
ઓગસ્ટ 2021 | 3247 | 1464 | 41836 | 0 |
સપ્ટેમ્બર 2021 | 3082 | 1859 | 42702 | 5998 |
ઓક્ટોબર 2021 | 4937 | 1757 | 42963 | 2511 |
નવેમ્બર 2021 | 1586 | 1463 | 42484 | 887 |
ડિસેમ્બર 2021 | 7588 | 1285 | 41860 | 2939 |
જાન્યુઆરી 2022 | 2604 | 1786 | 42678 | 183 |
ફેબ્રુઆરી 2022 | 1667 | 1580 | 42765 | 905 |
માર્ચ 2022 | 240 | 1461 | 41544 | 1629 |
અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં ગત વર્ષ કરતાં 8 ટકાનો વધારો
પ્રોપટાઇગર રિસર્ચના જાન્યુઆરી-માર્ચ 2022ના રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ગત વર્ષમાં સમાન સમયગાળા એટલે કે જાન્યુઆરી-માર્ચ 2021 કરતાં પ્રોપર્ટીની કિંમતમાં 8 ટકાનો વધારો નોંધાયો છે.
માર્ચ 2022ની સ્થિતિના આંકડા મુજબ શહેરમાં સરેરાશ 3500થી 3700 રૂપિયા ચોરસ ફૂટનો ભાવ છે. સૌથી વધુ ભાવવધારો ચેન્નઈમાં 9 ટકા નોંધાયો છે જ્યાં હાલ 5700થી 5900 ચોરસ ફૂટનો ભાવ છે. દેશમાં પણ પ્રોપર્ટીના ભાવમાં 7 ટકાનો વધારો નોંધાતા તે હવે સરેરાશ રૂ.6600થી 6700 પ્રતિ ચોરસ ફૂટ થયો છે.
રેરાને કારણે મકાનો બનવાની, ડિલિવરી આપવાની ઝડપ વધી
રેરાના અમલીકરણને કારણે શહેરમાં બિલ્ડિંગ બનાવવાની ઝડપમાં વધારો થયો છે. નિયત સમય મર્યાદામાં એક તરફ પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય છે ત્યારે તે સ્થિતિને કારણે મકાનો બનવીને તેનો કબજો ગ્રાહકને સોંપવાની ઝડપ વધી છે. તેને કારણે શહેરમાં એક તરફ મકાનો બનવાની અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની કેટલીક ઝડપ આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.