ગુજરાત ATS-કોસ્ટગાર્ડને સફળતા:પાકિસ્તાનના પશની બંદરથી આવતું 425 કરોડનું 61 કિલો હેરોઈન જપ્ત, ઈરાની ડ્ર્ગ્સ માફિયાએ મોકલ્યું હતું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના યુવાનોને બરબાદી તરફ ધકેલવાના કારસાને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે નિષ્ફળ બનાવ્યો છે. ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા 61 કિલોગ્રામ માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. મધદરિયે પાર પાડેલા આ ઓપરેશનમાં શંકાસ્પદ બોટમાં લવાઈ રહેલા માદક પદાર્થ પાકિસ્તાનના પશની બંદર પરથી લાવવામાં આવી રહ્યો હતો. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 425 કરોડ રૂપિયા થાય છે.

પશની બંદરથી ડ્રગ્સ લોડ કરાયું હતું
ફરી એકવાર ગુજરાત ATS દ્વારા એક સફળ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના પશની બંદર પરથી માદક પદાર્થ સાથે લોડ કરવામાં આવેલી બોટને સુરક્ષા એજન્સીઓ દ્વારા ટ્રેસ કરીને ઝડપી લેવામાં આવી. ઈરાનના આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગુલામ બલોચી નામના વ્યક્તિએ ડ્રગ્સની ખેપ ભારત તરફ રવાના કરી હતી.

2 માર્ચે બોટ ઈરાનથી રવાના થઈ હતી
બે માર્ચના રોજ ઈરાનના ચાબહાર બંદર ખાતેથી બોટ નીકળી અને પાકિસ્તાનના પશની બંદર પરથી ડ્રગ્સનો જથ્થો લોડ કરવામાં આવ્યો હતો. જોકે, બોટમાં રહેલો ડ્રગ્સનો જથ્થો ભારતની ધરતી પર ડિલિવરી થાય એ પહેલા જ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને દરિયામાંથી જ ઝડપી લેવામાં આવ્યો હતો.

કોસ્ટ ગાર્ડ, ગુજરાત ATSનું દિલધડક ઓપરેશન, વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત ATSને બાતમી મળી હતી
ગુજરાત એટીએસના PI જે.એમ પટેલને બાતમી મળી હતી કે, ઈરાનમાંથી માદક પદાર્થનો જથ્થો દરિયાઈ માર્ગે ભારત તરફ લાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ગુજરાત ATS દ્વારા કોસ્ટ ગાર્ડની મદદ લઈ મધદરિયે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ ઈરાનના સ્મગ્લરને ઝડપી પાડવામાં આવ્યા હતા. એટીએસની ત્રણ જાંબાજ પોલીસ અધિકારીઓને ટીમની મદદથી આરોપીઓને ગુજરાતમાં લાવી રહી છે. સુરક્ષા દ્વારા પૂછપરછમાં હાલ પ્રાથમિક બાબતે સામે આવી છે કે, ઝડપાયેલા આ ડ્રગ્સની ડિલિવરી ઉત્તર ભારતમાં કરવાની હતી.

ગયા વર્ષે કોસ્ટગાર્ડ સાથે 5 સંયુક્ત ઓપરેશન
વર્ષ 2022 દરમિયાન ગુજરાતી અંગેના કુલ 8 મોટા કેસ કરવામાં આવ્યા હતા. જેમાં કોસ્ટ ગાર્ડ સાથે જ પાંચ સંયુક્ત ઓપરેશનમાં 387.994 કિલો ગ્રામ હેરોઇન, જેની કિંમત 1939.97 કરોડ થાય છે.

ગુજરાતમાં અગાઉ પણ ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે

  • 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
  • 21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • 10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
  • 27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  • 23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
  • 16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
  • 25 એપ્રિલ 2022, જખૌ પાસે અલ હજ બોટમાં 280 કરોડના ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીઓને ઝડપ્યા
  • 16 ઓગસ્ટ 2022, સાવલીની મોક્સીની ફેક્ટરીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ પકડાયું
  • 13 સપ્ટેમ્બર 2022, જખૌ નજીક 200 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ ઝડપ્યું
  • 29 નવેમ્બર 2022, વડોદરાના સિંધરોટની ફેક્ટરીમાંથી 100 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 6 માર્ચ 2023, ઓખા નજીક ઈરાની બોટમાં 425 કરોડનું 61 કિલો હેરોઈન ઝડપાયું

ગુજરાત ડ્રગ્સનો સિલ્ક રૂટ કેવી રીતે બન્યું....
2019:
ગુજરાત એટીએસે રાજ્યમાં વિવિધ ઓપરેશન હાથ ધરીને કુલ 5 કિ.ગ્રા. મેથામ્ફેટામાઇન (એમ.ડી.)/ એફેડ્રિન ડ્રગ્સ, 100 કિ.ગ્રા. હેરોઈન તથા 2.596 કિ.ગ્રા. બ્રાઉનશુગરનો જથ્થો ઝડપી પાડ્યો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 527 કરોડ થવા જાય છે.

2020: ગુજરાત એટીએસે ફરી રાજ્યમાં વિવિધ ઓપરેશન હાથ ધરીને કુલ 6.546 કિ.ગ્રા. મેથામ્ફેટામાઈન (એમ.ડી.)/ એફેડ્રિન ડ્રગ્સ, 35 કિ.ગ્રા. હેરોઈન તથા 653 ગ્રામ બ્રાઉનશુગરનો જથ્થો ઝડપી પાડ્યો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 177 કરોડ થવા જાય છે.

2021: ગુજરાત એટીએસે અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 1 કિ.ગ્રા. મેથામ્ફેટામાઈન (એમ.ડી.), એફેડ્રિન ડ્રગ્સ, 60 કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 301 કરોડ થવા જાય છે.

શ્રીલંકામાં 43 વર્ષ બાદ ડ્રગ્સના તસ્કરોને ફાંસી મળતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ હચમચી
આ ત્રણેય વર્ષના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે અને બહુ મોટું સત્ય આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. સામાન્ય રીતે ગુજરાત એટલે શાંતિપ્રિય, ગુનારહિત લોકોનું સ્થળ ગણાય છે, પરંતુ આજે આ ગુજરાત માત્ર ભારત જ નહીં, પરંતુ પૂર્વ અને ઉત્તર એશિયાના દેશોમાં ડ્રગ્સના કાળા કારોબારનો સિલ્કરૂટ બની ગયું છે. હવે સવાલ એ છે કે છેલ્લાં ત્રણેક વર્ષમાં એવું તે શું થયું કે ડ્રગ્સની હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું. આનો જવાબ આપતા ગુજરાત ATSના IPS અધિકારી પહેલીવાર દિવ્ય ભાસ્કરને ગુજરાત ડ્રગ્સની તસ્કરીનો સિલ્કરૂટ કેવી રીતે બન્યું તે સમજાવે છે. વર્ષ 2019માં શ્રીલંકામાં ડ્રગ્સ ગુનામાં ચાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવી. શ્રીલંકામાં 43 વર્ષ બાદ ડ્રગ્સના તસ્કરોને ફાંસી મળતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ હચમચી ગઈ અને તેણે અલગ રૂટ તરફ નજર દોડાવી. આમાં તેની નજર ગુજરાત પર પડી... અને ત્યારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતું ડ્રગ્સ મધ્ય, ઉત્તર તથા પૂર્વ એશિયાના દેશોમાં જમીનમાર્ગે હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું.

ગુજરાત ડ્રગ્સનો સિલ્કરૂટ કેવી રીતે બન્યું, એના વિશે વિગતવાર સમજાવે છે ATSના IPS અધિકારી...વાંચવા અહીં ક્લિક કરો.

NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ...આતંકને બેઠો કરવા મુન્દ્રામાં ડ્રગ્સ મોકલાયું હતું, 22ને આરોપી બનાવ્યા, ચાર્જશીટમાં કંપનીનાં નામ સામેલ

મુન્દ્રા પોર્ટ પર સપ્ટેમ્બર 2021માં પકડાયેલા 2988.210 કિલોગ્રામ હેરોઇનના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ સોમવારે બીજી પૂરક ચાર્જશીટ ફાઇલ કરી હતી. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે હેરોઇનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી વાયા ઈરાનના અબ્બાસ બંદર થઈ ગુજરાતમાં ઘુસાડાયો હતો. શરૂઆતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ગાંધીધામ ટીમે આ મામલે કેસ નોંધ્યા બાદ 6 ઓક્ટોબર 2021ના રોજ એનઆઈએએ ફરી કેસ દાખલ કર્યો હતો.

14 માર્ચ 2022ના રોજ એનઆઈએએ 16 આરોપી સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગત 29 ઓગસ્ટે 9 આરોપી સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. એનઆઈએએ સોમવારે અમદાવાદમાં એક સ્પેશિયલ કોર્ટમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સ્થિત ઓપરેટિવ મોહમ્મદ ઇકબાલ અવાન, દુબઈના વિત્યેશ કોસર ઉર્ફે રાજુ દુબઈ અને દિલ્હીના હરપ્રીતસિંહ સહિત 22 આરોપી અને કંપનીઓ વિરુદ્ધ પોતાની બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...