ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તે માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાના અનેક બનાવો સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં છે. જ્યારે ચાર હજારથી વધુ આરોપીઓની ધરપકડ કરવાની હજી બાકી છે.
ગુજરાત નશીલા દ્રવ્યના વેચાણનું હબ બન્યું
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 215.62 કરોડ રૂપિયાની કિંમતની 1.6 કરો વિદેશી દારૂની બોટલ, 4.33 કરોડ રૂપિયાની 19.34 લાખ લીટર દેશી દારૂ, 16.2 કરોડ રૂપિયાની કિંમતની 12.20 લાખ બિયરની બોટલ અને 370.25 કરોડ રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે. બે વર્ષમાં 606.41 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.નશીલા પદાર્થના વેચાણમાં બનાસકાંઠા, દ્વારકા, કરછ, છોટાઉદેપુર, દાહોદ અને સુરત મુખ્ય સેન્ટર છે. ગૃહપ્રધાનના વિસ્તાર એવા સુરતમાંથી બે વર્ષમાં 93 લાખથી વધુની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે.
IPC ક્રાઇમની સંખ્યા 196% વધી
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ઇન્ડિયન પીનલ કોડ (IPC) હેઠળના ક્રાઇમની સંખ્યા 2017માં 1.29 લાખ હતી, એ 2020માં વધીને 3.82 લાખ થઈ ગઈ છે, એટલે કે IPC ક્રાઇમની સંખ્યામાં 196%નો વધારો થયો છે. એવી જ રીતે સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ (SLL) હેઠળના ગુનાની સંખ્યા આ સમયગાળામાં 2 લાખથી વધીને 3.18 લાખ થઈ ગઈ છે. SLL ગુનાની સંખ્યામાં 59%નો વધારો થયો છે.
ગુજરાત પોલીસ દેશમાં 7મા ક્રમે
સરકાર પોલીસ અને ગૃહ વિભાગ પર હજારો કરોડોનો ખર્ચ કરે છે. આમ છતાં ઇન્ડિયન પોલીસ ફેડરેશનના સ્માર્ટ પોલિસિંગ ઇન્ડેક્સ 2021 મુજબ, દેશના પોલીસ રેન્કિંગમાં ટોપ-5માં ગુજરાત પોલીસ આવતી નથી. આ ગુજરાત પોલીસનું રેન્કિંગ 7મા ક્રમે છે. દેશમાં ટોપ પર આંધ્રપ્રદેશ છે. આસામ, મિઝોરમ, સિક્કિમ કેરળ જેવાં નાનાં રાજ્યોની પોલીસ પણ ગુજરાત કરતાં રેન્કિંગમાં આગળ છે.
ગુજરાતમા સૌથી વધુ પકડાયેલ નશીલા દ્રવ્યો અને વોન્ટેડ આરોપીની વિગત
જિલ્લો | વોન્ટેડ આરોપી | નશીલા દ્રવ્યોનો જથ્થો |
સુરત | 386 | 26.83 કરોડ |
બનાસકાંઠા | 121 | 16.97 કરોડ |
પાટણ | 101 | 4.18 કરોડ |
રાજકોટ | 100 | 16.99 કરોડ |
આણંદ | 103 | 8.36 કરોડ |
અમદાવાદ | 158 | 31.56 કરોડ |
સુરેન્દ્રનગર | 206 | 13.00 કરોડ |
જૂનાગઢ | 136 | 4.55 કરોડ |
ભરૂચ | 113 | 5.61 કરોડ |
વડોદરા | 216 | 13.80 કરોડ |
છોટાઉદેપુર | 156 | 8.65 કરોડ |
પંચમહાલ | 124 | 7.85 કરોડ |
તાપી | 111 | 3.54 કરોડ |
નવસારી | 217 | 5.86 કરોડ |
વલસાડ | 773 | 16.73 કરોડ |
દાહોદ | 205 | 14.99 કરોડ |
અરવલ્લી | 155 | 6.65 કરોડ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.