શીતયુદ્ધ:રાજસ્થાન હોસ્પિટલની રૂ.100 કરોડની ડિપોઝિટ અંગે 60 ટ્રસ્ટીમાં તડાં, ચેરમેને ઝૂમ પર સેક્રેટરીને કાઢી મૂક્યા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચેરમેન વચ્ચે ચાલતું શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું
  • ભારે જૂથબંધીને કારણે સેવાકીય પ્રવૃત્તિને બદલે હોસ્પિટલ હવે વિવાદોનો અખાડો બની ગઈ છે

રાજસ્થાન હોસ્પિટલના ચેરમેને ઝૂમ પર ઓનલાઇન મીટિંગ બોલાવી સેક્રેટરી મહેન્દ્ર શાહને તગેડી મૂક્યા છે. નવા સેક્રેટરી તરીકે પ્રકાશ બાગરેચાની નિમણૂક પણ કરાઈ છે. હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ચેરમેન પી.આર.કાકરિયા તથા ચેરમેન સતીશ હુંડિયા વચ્ચેનું શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે.
રાજસ્થાન હોસ્પિટલ હવે તેની સેવાકીય પ્રવૃત્તિ કરતાં વિવાદોને લઈને વધુ ચર્ચામાં છે. હાલ ટ્રસ્ટીઓના ઝઘડાને લઈને આટલી મોટી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર થઇ શકતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
ચૂંટણીમાં હારેલી ટુકડી ગમે તે ભોગે હોસ્પિટલના તંત્રને તોડવાનો પ્રયાસ કરી રહી છે
રાજસ્થાન હોસ્પિટલની 100 કરોડ કરતાં વધુની થાપણ લઈને 60 ટ્રસ્ટીઓ જુદા જુદા ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે. તેમાં ચૂંટણીમાં હારેલી ટુકડી ગમે તે ભોગે હોસ્પિટલના તંત્રને તોડવાનો પ્રયાસ કરી રહી છે. હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ચેરમેન પી.આર. કાકરિયા અને  ચેરમેન સતીશ હુંડિયા જૂથ એકબીજાને પાડી દેવાના પ્રયાસમાં છે. આવી પરિસ્થિતિમાં ચેરમેન હુંડિયાએ તાજેતરમાં જ ટ્રસ્ટીઓની ઝૂમ પર મીટિંગ બોલાવી 25 સભ્યોની હાજરીમાં પ્રસ્તાવ મૂકી સેક્રેટરી મહેન્દ્ર શાહની હકાલપટ્ટી કરી છે. 
કોરોનાના દર્દીઓની સારવાર કરવા મુદ્દે પણ ગજગ્રાહ 
હોસ્પિટલમાં નવો ઊભો થયેલો વિવાદ એવો છે કે, એક્ઝિક્યુટિવ ચેરમેન પી.આર. કાકરિયાએ કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્રસ્તાવ મુક્યો ત્યારે  ચેરમેન સતીશ હુંડિયાએ વાંધો લઈ જણાવ્યું કે, સેક્રેટરીને બોર્ડના નિર્ણયથી કાઢવામાં આવ્યા છે. જ્યારે પ્રકાશ બાગરેચાએ જણાવ્યું કે, મને રાજસ્થાન હોસ્પિટલમાં શું ચાલે છે તેની ખબર નથી. એક્ઝિક્યુટિવ ચેરમેન અને અન્ય ટ્રસ્ટીઓની મંજૂરી સાથે 22 મેએ સેક્રેટરીને હટાવવાના નિર્ણયના પ્રસ્તાવને રદ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...