ભાસ્કર ઓરિજિનલ:ઓનલાઇન શિક્ષણમાં બાળકોને સમજણ ન પડતી હોવાથી સંખ્યા ઘટી 1 વર્ષમાં 60% પ્રી-પ્રાઇમરી સ્કૂલ બંધ થઈ, સંચાલકોને 600 કરોડની ખોટ

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોના પહેલાં 1 સ્કૂલમાં 200 વિદ્યાર્થી હતા, છેલ્લાં વર્ષમાં સંખ્યા 20-25 આવી ગઈ
  • કોરોનાને કારણે પ્રી-પ્રાઇમરીની ફ્રેન્ચાઇઝી, ચેઇન ચલાવતી કંપનીઓને પણ આર્થિક નુકસાન થયું
  • હોમ એજ્યુકેશનઃ નાનાં બાળકોને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડે છે, જેથી વાલીઓએ ઘરે જ અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું

કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓની સંખ્યાઓ ન મળતાં છેલ્લાં એક વર્ષમાં રાજ્યની 60 ટકા પ્રી-પ્રાઇમરી સ્કૂલો બંધ થઈ છે, જેને કારણે પ્રી-પ્રાઇમરી સ્કૂલોના સંચાલકોને 600 કરોડની ખોટ ગઈ છે. મોટી સંખ્યામાં પ્રી-પ્રાઇમરી સ્કૂલો બંધ થવાની અસર લોકોની રોજગારી પર પણ થઈ છે. પ્રી-પ્રાઇમરીની ફ્રેન્ચાઇઝી અને ચેઇન ચલાવતી કંપનીઓને પણ આર્થિક નુકસાન થયું છે.

કોરોનાને કારણે ફિઝિકલ સ્કૂલો બંધ થતા શૈક્ષણિક કાર્ય ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું છે. મોટા ભાગે ઓનલાઇન શિક્ષણમાં ધોરણ 5થી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓને મુશ્કેલી જોવા મળતી નથી, પણ નાનાં બાળકોને ઓનલાઇન શિક્ષણમાં સમસ્યા આવે છે, જેથી વાલીઓએ ઘરે જ પોતાનાં બાળકોને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું છે.

વાલીઓના આ અભિગમની સૌથી વધુ અસર પ્રી-પ્રાઇમરી સ્કૂલોને થઈ છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં 70 ટકા કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જે સ્કૂલોમાં સામાન્ય વર્ષમાં 200ની સંખ્યા હતી, જે ઓનલાઈન ટીચિંગને કારણે વર્ષ દરમિયાન 20થી 25 પર પહોંચી છે. ઘણી સ્કૂલોને ભાડાંના મકાન-બંગલાનું ભાડું અને ફ્રેન્ચાઇઝીની ફી પણ નીકળતી નથી. આ સ્થિતિમાં તેમને એડમિશન બંધ કરવાનો સમય આવ્યો છે.

ઓનલાઇન અભ્યાસ 6 વર્ષ સુધીનાં બાળકો માટે ચેલેન્જિંગ
પ્રી-પ્રાઇમરી સેક્શનમાં 6 વર્ષ સુધીનાં બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવો વાલીઓ માટે ચેલેન્જિંગ છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યભરની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. આ વર્ષે થોડો સુધારો થયો છે. એક અંદાજ પ્રમાણે છેલ્લાં એક વર્ષમાં રાજ્યભરની પ્રી-પ્રાઇમરી સ્કૂલોના સંચાલકોને 600 કરોડની ખોટ ગઈ છે. > ધર્મેશ કપાસી, પ્રેસિડન્ટ, શાંતિ જુનિયર્સ

નોકરી ગુમાવનારાં વાલીઓ બાળકોની ફી ચૂકવી શકતા ન હોવાથી ઘણાએ પ્રવેશ રદ કરાવ્યો છે
કોરોનાને કારણે બાળકોને કુટુંબના સભ્યો સાથે જોડાઈને અભ્યાસની તક મળી છે. વર્ચ્યુઅલ મોડ પર બાળકોને નવીનતા સાથે શિક્ષણ અપાય છે, જેથી તેમના ભાવિને તકલીફ ન પડે. જોકે કોરોના દરમિયાન પ્રી-સ્કૂલ સેગમેન્ટમાં ઘણી વહીવટી અને માળખાકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, નોકરી ગુમાવનારાં માતા-પિતા બાળકોની ફી ચૂકવવામાં અસમર્થ છે. પરિણામે ઘણાએ પ્રવેશ રદ કરાવ્યા છે, કેટલાક વાલીઓએ ફીની ચુકવણી માટે ઇનકાર કર્યો છે, પરિણામે કર્મચારીઓનો પગાર અને અન્ય વહીવટી ઓવરહેડ્સ મળતા નથી. > નીલિમા શાહ, સીએઓ, કેલોરેક્સ પ્રી-સ્કૂલ

વાલીઓ હવે પ્રી-પ્રાઇમરી સ્કૂ​​​​​​​લમાં બાળકોને મોકલવાનું ટાળી રહ્યાં છે
કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી વાલીઓને પ્રી-પ્રાઇમરીમાં રસ ઘટ્યો છે. ઉપરાંત નાની વયનાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશનમાં તકલીફ પડતાં તેની અસર ક્લાસની સંખ્યા પર થઈ છે. હવે વાલીઓ વિચારે છે કે પ્રી-પ્રાઇમરી ન કરાવતા સીધા જ ધોરણ 1માં એડમિશન મેળવીશું, પરંતુ બાળકોનો પાયો કાચો રહી જાય તે વાલી વિચારતા નથી. - ઋત્વિ વ્યાસ, વેદાંત ઇન્ટરનેશનલ

ધો.1 સુધી ફી માફી યોજનામાં સ્કૂલોનો ફાયદો વધુ
ઘણી સ્કૂલોએ નર્સરીથી ધો.1 સુધીની ફી માફીની જાહેરાત કરી છે, પરંતુ આ ફી માફીની જાહેરાતમાં વાલીને ઓછો પણ સંચાલકોને વધુ ફાયદો છે, કારણ કે જો સ્કૂલના પ્રી-પ્રાઇમરી વિભાગમાં વિદ્યાર્થી નહીં હોય તો ધો.1માં એડમિશન માટે મુશ્કેલી ઊભી થશે. વાલીઓ ફ્રીમાં અભ્યાસની લાલચે બાળકને પ્રી-પ્રાઇમરીમાં દાખલ કરાવશે, પરંતુ આગામી વર્ષે તે વિદ્યાર્થીએ ફી ભરવાની હોવાથી સ્કૂલો માટે ફી માફી એ આગામી વર્ષનું રોકાણ જ છે.

20 હજારથી વધુના સ્ટાફને છૂટો કરાયો
​​​​​​​પ્રી-પ્રાઇમરીના એક સેન્ટરમાં ત્રણ શિક્ષકો, 1 પટ્ટાવાળા, બાળકોનું ધ્યાન રાખવા 2 મહિલા, 1 સિક્યોરિટી ગાર્ડ મળીને સાતેક લોકો હોય છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા ન મળતા બંધ થયેલી પ્રી-પ્રાઇમરી સ્કૂલોએ 20 હજારથી વધુ લોકોના સ્ટાફને છૂટા કર્યો છે. જો વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તો તેઓને ફરી નોકરી પર લેવાશે, પરંતુ હાલમાં તેઓને છૂટા કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...