મ્યુનિ.ના ટોપ 50 પોસ્ટ પૈકી 60 ટકા પોસ્ટ એટલે કે 30થી વધુ અધિકારીને ચાર્જ સોંપેલો છે તેમજ નિવૃત્ત થયેલા અધિકારીઓને કોન્ટ્રાક્ટ પર રાખી કામ લેવાઈ રહ્યું છે. મ્યુનિ. સ્ટેચ્યુટમાં ડે. મ્યુનિ. કમિશનર, સિટી એન્જિનિયર અને આરોગ્ય અધિકારીની પોસ્ટ ઉપર કાયમી અધિકારી હોવા જોઈએ તેવો કાયદો છે તેમ છતાં 12 ડે. મ્યુનિ. કમિશનરની જગ્યા ઉપર માત્ર 3 કાયમી અધિકારીની નિમણૂક થયેલી છે બાકીના 9 ડે. મ્યુનિ. કમિશનરની જગ્યા પર અધિકારી ચાર્જ અથવા કોન્ટ્રાક્ટ પર છે.
સિટી એન્જિનિયરની પોસ્ટ ઉપર નિવૃત્ત અધિકારીને જવાબદારી સોંપાઈ છે. અધિકારીઓને સમયસર પ્રમોશન આપવાની જવાબદારી મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસ પાસે છે, પણ અગમ્ય કારણોથી સેન્ટ્રલ ઝોન દ્વારા અધિકારીઓના બઢતીની ફાઈલો તૈયાર કરાતી નથી. આ કારણે જે અધિકારી પાસે ચાર્જ છે તે જવાબદારી લેવા તૈયાર થતા નથી.
ગાંધીનગર સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી ડે. મ્યુનિ. કમિશનરની જગ્યા પ્રમોશન આધારે ભરી શકાતી નહોંતી, પણ સરકારે એક જીઆર કર્યો છે તે મુજબ અમદાવાદ મ્યુનિ.માં ડે. મ્યુનિ. કમિશનરની 12 જગ્યા પૈકી 8 સરકાર ભરશે જ્યારે બાકીની ચાર મ્યુનિ. જાતે ભરી શકશે. આર્જવ શાહને પ્રમોશન આપી ડે. મ્યુનિ. કમિશનર બનાવાયા છે.
આરોગ્ય અધિકારી 10 વર્ષથી ચાર્જમાં
શહેર માટે આરોગ્ય વિભાગ અતિ મહત્વનો ગણાતો હોય છે તેમ છતાં મ્યુનિ. આરોગ્ય અધિકારીની કાયમી પોસ્ટ ભરી શકતી નથી. બીજા પણ કેટલાક વિભાગો એવા છે જ્યાં વર્ષો સુધી એક જ અધિકારી ખુરશી પર બેઠેલા છે. મ્યુનિ. તેમની એક બીજા વિભાગમાં ટ્રાન્સફર પણ કરી શકતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.