માસ પ્રમોશનની આડ અસર:શિક્ષણ વિભાગનો નિર્ણય, ધોરણ 9 અને 11માં એક ક્લાસમાં 60ના બદલે હવે 75 વિદ્યાર્થીઓ બેસાડી શકાશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ધો.10માં માસ પ્રમોશન બાદ ધો.11માં વિદ્યાર્થીઓના પ્રવેશની સમસ્યા ઊભી થઈ હતી

કોરોનાને કારણે ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવશે પરંતુ આ વર્ષે માસ પ્રમોશનના કારણે તમામ નિયમિત વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટેની સમસ્યા ઉભી હતી. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરીને 60ના વર્ગમાં હવે 75 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યસ્વ્થા કરવામાં આવી છે. જેથી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે.

60ના વર્ગમાં 75 વિદ્યાર્થી બેસાડવાની મંજૂરી
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં 6 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. પરંતુ માસ પ્રમોશનના કારણે 8.60 લાખ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે, એટલે કે 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો પ્રશ્ન ઉભો હતો. જેના નિવારણના ભાગ રૂપે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર દ્વારા 60ના વર્ગમાં 75 વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી આપી છે. શૈક્ષણિક વર્ષ 2021-22, ધોરણ 9 અને 11 તેમજ શૈક્ષણિક વર્ષ 2022-23માં ધોરણ 10 અને 12 માટે આ મંજૂરી માન્ય રહેશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

8.60 લાખ પાસ થયા હોવાથી પ્રવેશ સમસ્યા
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું હતું.

10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
રાજ્યમાં કોરોનાની મહામારી ના કારણે રાજ્ય સરકારે 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય
મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-10 (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળ્યો હતો.