મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને એક ફાઇનલ ટીપી સ્કિમ તથા વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે.
3 મહાનગરમાં પ્રિલિમિનરી, ફાઈનલ અને ડ્રાફ્ટ સ્કિમ મંજૂર
ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કિમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કિમ નં. 429 (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. 71(વડોદ) નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી એક ડ્રાફ્ટ ટીપી સ્કિમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કિમ નં. 43 (ઉંડેરા-અંકોડીયા)નો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ જે ત્રણ ફાઇનલ ટીપી સ્કિમ મંજૂર કરી છે, તેમાં સુરતની ટીપી સ્કિમ નં. 26 (સિંગણાપોર) અને અમદાવાદની ટીપી સ્કિમ નં. 4-એ(સાણંદ) તેમજ સ્કિમ નં. 94(હાથીજણ-રોપડા) છે.
ત્રણેય શહેરોને 15થી 55 હેક્ટર સુધી જમીન સંપ્રાપ્ત થશે
વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 43 મંજૂર થવાથી 22.18 હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 429 મંજૂર થવાથી 55.47 હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. 71 મંજૂર થવાથી 15.83 હેક્ટર જમીન સંપ્રાપ્ત (મળશે) થશે.
શહેરોનો વિકાસ વેગવંતો બનશે
મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કિમોની મંજૂરી આપતા સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે. તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કિમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.