અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને ટેનિસ કોર્ટ તેમજ જિમ્નેશિયમ બનાવવામાં આવ્યા છે પરંતુ તેના ઉદ્ધાટન કર્યા બાદ એક-બે વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર ચલાવવા માટે થઈ કોન્ટ્રાક્ટરો ન મળતા ધૂળ ખાય છે. ટેનિસ કોર્ટ અને જીમનેશિયમ બનાવી દેવામાં આવે છે પરંતુ તેને સમયસર શરૂ કરવામાં આવતા નથી જેથી નાગરિકો તેનો ઉપયોગ કરી શકતા નથી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કુલ છ જેટલા નવા જિમ્નેશિયમ બનાવી તેના લોકાર્પણ કરી દેવામાં આવ્યા છે જેમાં એકપણ હાલમાં ચાલુ હાલતમાં નથી. ચાર જેટલા ટેનિસ કોર્ટ પણ લોકાર્પણ થઈ ચૂક્યા છે પરંતુ લોકોના ઉપયોગ માટે હજી સુધી શરૂ કરવામાં આવ્યા નથી.
ટેનિસ કોર્ટ અને જીમનેશિયમની પરિસ્થિતિ શું છે?
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા તમામ ટેનિસ કોર્ટ અને જીમનેશિયમની પરિસ્થિતિ શું છે? ચાલુ હાલતમાં છે કે બંધ હાલતમાં છે તેનો રિપોર્ટ માગવામાં આવ્યો હતો. જેમાં 6 ટેનિસ કોર્ટમાંથી ચાંદખેડા અને ચાંદલોડિયા ટેનિસ કોર્ટ ચાલુ છે. નિકોલ, લાંભા અને પાલડી કોર્ટ શરૂ કરવા વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને આપ્યો છે. જ્યારે રામોલના ટેનિસ કોર્ટ માટે કોન્ટ્રાકટરને મંજૂરી આપવા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપી દેવામાં આવી છે. નિકોલ, પાલડી, રામોલ સહિતના ટેનિસ કોર્ટ બે વર્ષ પહેલા તૈયાર થઈ ચૂક્યા હતા પરંતુ તેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી બે વખત રિટેન્ડર કર્યા બાદ હવે તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
હજી સુધી તેને ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે
વટવા, વેજલપુર, લાંભા, રખિયાલ, નારણપુરા અને જોધપુર જિમ્નેશિયમ બની લોકાર્પણ થઈ ચૂક્યા છે પરંતુ હજી સુધી તેને ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે જેથી લોકોના ઉપયોગ માટે શરૂ કરાયા નથી. નારણપુરા અને જોધપુર જિમ્નેશિયમના ટેન્ડર થઈ ચૂક્યા છે પરંતુ તેને કમિશનર દ્વારા હજી સુધી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મૂકવામાં આવ્યા નથી. વટવા, વેજલપુર, લાંભા, રખિયાલ જિમ્નેશિયમ રીટેન્ડર કરવામાં આવ્યા છે જેથી હજી છ મહિના સુધી આ ચાર જિમ્નેશિયમ શરૂ થઈ શકે તેમ લાગતું નથી જેથી કહી શકાય કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને જિમ્નેશિયમ તૈયાર કરી દેવામાં આવે છે પરંતુ બે વર્ષ સુધી તેને લોકોના ઉપયોગ માટે ચાલુ કરવામાં આવતા નથી જેના કારણે બિનઉપયોગી બિલ્ડીંગ બની જાય છે.
ક્યાં કયા ટેનિસ કોર્ટની શું હાલત?
ટેનિસ કોર્ટનું નામ | હાલ શું સ્થિતિ |
ચાંદખેડા | પીપીપી ધોરણે ચાલે છે |
ચાંદલોડિયા | પીપીપી ધોરણે ચાલે છે |
થલતેજ રિક્રિએશન | પીપીપી ધોરણે ચાલે છે |
ગોતા રિક્રિએશન સેન્ટર | પીપીપી ધોરણે ચાલે છે |
જોધપુર રીક્રિએશન સેન્ટર | પીપીપી ધોરણે ચાલે છે |
નિકોલ | ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે |
લાંભા | ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે |
પાલડી | ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે |
રામોલ | બંધ હાલતમાં છે |
જોધપુર | બંધ હાલતમાં છે |
નારણપુરા | બંધ હાલતમાં છે |
વટવા | બંધ હાલતમાં છે |
વેજલપુર | બંધ હાલતમાં છે |
વટવા લાંભા જિમ્નેશિયમ | બંધ હાલતમાં છે |
રખિયાલ જિમ્નેશિયમ | બંધ હાલતમાં છે. |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.