'વિકાસ' માર્ગ:અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલે એસપી રિંગ રોડ પરનો 6 લેનનો અંડરબ્રિજ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.31 કરોડના ખર્ચે નિર્મિત અંડરબ્રિજનું NHAI દ્વારા કામ કરાઈ રહ્યું છે
  • હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા વૈષ્ણોદેવી અને ખોડિયાર વચ્ચે ફ્લાઇઓવર ખુલ્લો મૂક્યો

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલે એસ.જી હાઇવે અને એસપી રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ફ્લાઇઓવર બન્યા બાદ હવે તથા અંડરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ છે, જેમાં વૈષ્ણોદેવી સર્કલ પર બનવાઈ રહેલો અંડરબ્રિજ ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જવાનો અંદાજ છે. હાલમાં જ આ ચાર રસ્તા પર કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા 6 લેનનો ફ્લાઇઓવર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

31 કરોડના પ્રોજેક્ટનું NHAI દ્વારા નિર્માણ
અમદાવાદમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 31 કરોડના આ પ્રોજેક્ટનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ NHAI સરખેજ-ગાંધીનગર હાઈવેને 6 લેનનો કરવાના પ્રોજેક્ટનું પણ કામ કરી રહી છે. નવા ખુલ્લા મુકાયેલા ફ્લાઇઓવરની જેમ જ આ અંડરબ્રિજ પણ 6 લેનનો હશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર

વૈષ્ણોદેવી અને ખોડિયાર વચ્ચે બ્રિજનું ઉદ્ઘાટન
30 નવેમ્બર 2020ના રોજ 36 કરોડના ખર્ચે તૈયાર થયેલા સિંધુભવન ચાર રસ્તા અને 35 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાણંદ ચાર રસ્તા પરના ફલાઇ-ઓવરના લોકાર્પણ પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યાં હતાં. જ્યારે 17 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉવારસદ વાળા ફલાયઓવરને ફેબ્રુઆરી 2020માં વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બે મહિના અગાઉ 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા વૈષ્ણોદેવી અને ખોડિયાર વચ્ચેના બ્રિજનું ઉદ્ઘાટન પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.

દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે
વર્ષ 2016માં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફલાઇ-ઓવર માટે ફાળવણી થઈ હતી. વર્ષ 2020માં કામગીરી પૂરી કરવા માટે મર્યાદિત સમય હતો. નવેમ્બર 2020માં 6 પૈકી 2 ફલાઇ-ઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર-અમદાવાદને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ શરૂ થઈ ગયો છે, જેથી દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે.

હાલમાં જ એસ.જી હાઈવે પર બ્રિજનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાયું હતું
હાલમાં જ એસ.જી હાઈવે પર બ્રિજનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાયું હતું

હવે 45 નહીં, માત્ર 20થી 25 મિનિટમાં અમદાવાદથી ગાંધીનગર
અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસ.જી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 6 પૈકી 4 ફલાઇ-ઓવર હવે બનીને તૈયાર થઈ ગયા છે. અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે. ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો એસ.જી હાઈવેનો ઉપયોગ કરે છે, ત્યારે આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી એના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાંથી ઘણા બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં તેમને જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે.