અમદાવાદ ક્રાઈમ ન્યુઝ:લાઈટબીલના 10 રૂપિયા ભરવાના ચક્કરમાં સિનિયર સિટીઝન સાથે 6 લાખની ઠગાઈ, સાયબર ક્રાઇમે આ મામલે નોંધી ફરિયાદ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાઈટબીલના બાકી 10 રૂપિયા ભરવા માટેનો ફોન કરી ઠગે સિનિયર સિટીઝન સાથે રૂપિયા 6 લાખની ઓનલાઈન ઠગાઈ આચર્યાની ફરિયાદ સાયબર સેલમાં સોમવારે સવારે નોંધાઈ છે. આરોપીએ બીલ ભરાવવાના બહાને વૃદ્ઘા પાસે મોબાઈલ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી ક્વીક સ્પોર્ટ એપ ડાઉનલોડ કરાવી હતી.

આરોપીએ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરાવી
વિશ્રામનગરમાં ન્યુ નિકિતા પાર્ક ફ્લેટમાં રહેતા અને નિવૃત્તી જીવન જીવતા અશોકભાઈ માણેકલાલ શાહ (ઉ.66) એ સાયબર સેલમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી છે. જે મુજબ ગત 28 મી ઓગસ્ટના રોજ ફરિયાદીને ફોન કરીને રાહુલ શર્મા નામના વ્યક્તિએ લાઈટબીલના 10 રૂપિયા બાકી હોવાનું જણાવ્યું હતું અને તે ભરવાની વાત કરી હતી. ફરિયાદી પાસે આરોપીએ ગૂગલ પ્લે સ્ટોર પરથી ક્વીક સ્પોર્ટ એપ ડાઉનલોડ કરાવી હતી.

ફરિયાદીના ખાતામાંથી કર્યા બે ટ્રાન્ઝેક્શન
આ એપ ડાઉનલોડ થયાના ગણતરીના સમયમાં અશોકભાઇના ખાતામાંથી 49,185 રૂપિયાના બે ટ્રાન્ઝેક્શન થયા અને પૈસા કપાયા હતા. આરોપીએ ફરિયાદીને ટેક્નિકલ સમસ્યાને કારણે આમ થયું હોવાનું જણાવી પૈસા જમા થઈ જશે તેમ જણાવ્યું હતું. બીજા દિવસે આરોપીએ ફરી ફોન કરી ફરિયાદી પાસે ઓટોમેટીકલી ફોરવર્ડ એસએમએસ મેસેજ ટુ યોર ફોન અને પીસી નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને તે એપમાં બતાવેલી આંકડાકીય માહિતી માંગી હતી.

ફરિયાદીનો ફોન ચાલુ રખાવી આરોપીએ કર્યા જૂદા-જૂદા ટ્રાન્ઝેક્શન
અશોકભાઈ પાસે આરોપીએ ડેબીટ કાર્ડનો અને સી.વી.સી નંબર માંગતા તેઓએ આપ્યો હતો. બીજી તરફ અશોકભાઈને આરોપીએ ફોન પર વ્યસ્ત રાખી તેઓના ખાતામાંથી જૂદા-જૂદા ટ્રાન્ઝેક્શન કરી કુલ 5,98,174 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. બનાવ અંગે સાયબર સેલે અશોકભાઈની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...