DBની યાત્રાળુ સાથે ખાસ વાતચીત:અમદાવાદના 6 મિત્રો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળ્યા, કેદારનાથ રજિસ્ટ્રેશન કરવા પહોંચ્યા ને વાતાવરણ બગડ્યું

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદથી કેદારનાથ જવા નીકળેલા મિત્રો
  • કેદારનાથથી 30 કિ.મી. દૂર ફટામાં અમદાવાદના 6 મિત્રો સલામત પણ વાતાવરણ ખૂબ ખરાબ

ઉત્તરાખંડમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ભૂસ્ખલનથી 5 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે નદીઓ બે કાંઠે વહી રહી છે. જેને પગલે ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા પણ રોકવી પડી છે. માત્ર એટલું જ નહીં, ઉત્તરાખંડ ગયેલા 1000થી વધુ ગુજરાતીઓ પણ કેદારનાથ સહિતના વિવિધ સ્થળે ફસાયા છે. જેમાં અમદાવાદના 6 મિત્રો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળ્યા હતા. મહાદેવના દર્શન કરતા કરતા બધા મિત્રો કેદારનાથ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે પહોંચતા જ યાત્રા વાતાવરણના કારણે સ્થગિત થઈ ગઈ હોવાના સમાચાર મળ્યા હતા. હાલ આ બધા મિત્રો હોટલમાં સુરક્ષિત છે. આ યાત્રામાં ગયેલા મિત્રો પૈકી તેજસ બારોટે દિવ્યભાસ્કર સાથે વાત કરીને ત્યાંની હાલની સ્થિતિ અંગે જણાવ્યું કે હાલ ભલે અમે અહીં રોકાયા હોઈએ પણ કેદારનાથના દર્શન કરીને જ આગળ જઈશું.

આગળ રસ્તામાં શું હાલત છે તેની કોઈ ખબર નથી
અમદાવાદના થલતેજના બારોટ વાસમાં ​​​​​​​રહેતા તેજસ બારોટે દિવ્યભાસ્કરને જણાવ્યું કે હું અને મારા મિત્રો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળ્યા છીએ. અમે બધા હાલ કેદારનાથથી 30 કિમી દૂર ફટા પાસેની હોટેલમાં છીએ. અમે બધા સલામત છીએ. અહીં અમારી જમવાની વ્યવસ્થા છે, પણ આગળ રસ્તામાં શું હાલત છે તેની કોઈ ખબર નથી.

તમામ મિત્રો કેદારનાથના દર્શન કરીને જ પરત ફરવા દ્રઢ નિશ્ચિયી
તમામ મિત્રો કેદારનાથના દર્શન કરીને જ પરત ફરવા દ્રઢ નિશ્ચિયી

વાદળ એકદમ અમારી નજીકથી પસાર થઈ રહ્યા છે
અમે જ્યારે કેદારનાથ યાત્રાએ રજિસ્ટ્રેશન માટે પહોંચ્યા ત્યારે યાત્રા સ્થગિત થઈ ગઈ હતી. તેમજ વાતાવરણના કારણે અમે અહીં રોકાયા અને વાતાવરણ વધુ બગડ્યું હતું. જો કે હજી પણ વાતાવરણ સારું નથી વાદળ એકદમ અમારી નજીકથી પસાર થઈ રહ્યા છે. અમે વાતાવરણ સારું થયા બાદ કેદારનાથના દર્શન કરીને જ આગળ વધીશું.

હજુ પણ વાતાવરણ બગડેલું જ છે
હજુ પણ વાતાવરણ બગડેલું જ છે

અમદાવાદનો એક પરિવાર નેતાલામાં ફસાયો
અમદાવાદના મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટૂંકાવાનો વખત આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે 3000થી વધુ ગાડીઓ અટકાવી દેવામાં આવી છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા જ રસ્તામાં ફસાઇ ગયું છે. ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈએ કહ્યું હતું કે અમે ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છીએ. અમારી એક જ યાત્રા થઈ છે.

આ 079 23251900 નંબર પર વિગતો મળશે
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત ઉત્તરાખંડના સીએમના પુષ્કર ધામીના સંપર્કમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના 1 હજારથી વધુ ગુજરાતી યાત્રાળુંઓ ફસાયેલા છે. જોકે તમામ યાત્રાળું સલામત છે. સરકારે અટવાયેલા લોકો માટે એક હેલ્પ લાઈન શરૂ કરી છે. 079 23251900 નંબર પર ગુજરાતીઓ યાત્રાળુંઓની વિગત મેળવી શકાશે. ગૌરીકુંજથી 5 કિમી પહેલા ફાટા પાસે રસ્તા ઉપર જ ખાનગી વાહનોમાં ગયેલા ગુજરાતી યાત્રીઓ અટવાયા છે.

અન્ય સમાચારો પણ છે...