કોરોનાનું સંક્રમણ ઘટ્યું:મણિનગર, સાઉથ બોપલ, ચાંદલોડિયા અને ગોતા સહિતના 8 વિસ્તારોમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, હવે 227 અમલી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 વિસ્તારોમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ બે દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં 247 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે આજે રામોલ, વટવા, મણિનગર, સાઉથ બોપલ, વેજલપુર, દાણીલીમડા, ચાંદલોડિયા અને ગોતામાં કુલ 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે ઈન્દ્રપુરી, ખોખરા, જોધપુર, નવરંગપુરા, પાલડી, રાણીપ, નારણપુરા, બોડકદેવ, ગોતા, થલતેજ, વસ્ત્રાલ અને નિકોલમાં 26 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 227 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (6 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે 5 હજારથી ઓછા કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે અને 5 હજારથી ઓછા કેસ શહેર અને જિલ્લામાં નોંધાયા છે. તો પહેલીવાર શહેર અને જિલ્લામાં 5 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 4,248 નવા કેસ સામે આવ્યા છે અને 5,089 દર્દી સાજા થયા છે. જ્યારે 23ના મોત થયા છે.

4 મેની સાંજથી 5 મેની સાંજ સુધીમાં શહેરમાં 4174 અને જિલ્લામાં 74 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 5049 અને જિલ્લામાં 40 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 22ના અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 189,684 થયો છે. જ્યારે 118,996 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3,039 થયો છે.