નિર્ણય:શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં મળી 2500 સેવાસેતુ કાર્યક્રમમાં 56 જેટલી વિવિધ સેવા પૂરી પડાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાસેતુ કાર્યક્રમનો 7મો તબક્કો તા.22 ઓકટોબરથી 5મી જાન્યુઆરી-2022 સુધી યોજાશે
  • દર અઠવાડિયે શુક્રવાર, શનિવાર બે દિવસ સવારે 6થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે સેવાસેતુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ અંતર્ગત તા. 22 ઓકટોબર-2021 થી 5 જાન્યુઆરી-2022 સુધીમાં 2500 સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-9થી સાંજે 5 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે. આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ 6થી 8 ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં 4થી 10 સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં 4થી 5 વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં 2થી 3 સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે.

સેવાસેતુ યોજાશે તે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. એટલું જ નહિ, સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો-રજુઆત કર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાને સરકારના હાર્દરૂપ ગણ્યા છે. તેમણે અવાર-નવાર પોતાના જાહેર કાર્યક્રમોમાં એવી નેમ પણ વ્યકત કરેલી છે કે સામાન્ય-અદના માનવીને ઓછામાં ઓછી તકલીફ પડે, સરળતાએ યોજનાકીય લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે.

મુખ્યમંત્રીએ નેમને સાકાર કરવાના જનહિત અભિગમથી સેવાસેતુના આ સાતમા તબક્કાનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે.તેમણે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તથા અન્ય પદાધિકારીઓને પણ આ સેવાસેતુ કાર્યક્રમમાં સહભાગી થવા પ્રેરિત કર્યા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સેવા સેતુના 6 સફળ તબક્કાઓના આયોજનથી 2.30 કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આગામી કાર્યક્રમ દરમિયાન બીજા અનેક લોકોને સેવાનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...