તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર્ષણ:અમદાવાદમાં માસ્કના દંડ બાબતે પોલીસ સાથે ઘર્ષણ થયાની 55મી ઘટના, માસ્કનો દંડ ભરવાનું કહેતા ગુસ્સે થયેલા યુવકે ટ્રાફિક બુથમાં તોડફોડ કરી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અખબારનગર પાસે કારમાં જતા માતા-પુત્ર પૈકી યુવકે માસ્ક નહોતું પહેર્યું
  • યુવકે પહેલાં હોસ્પિટલમાંથી આવ્યા હોવાનું બહાનું કાઢ્યું, પછી કહ્યું, પૈસા નથી

કોરોનાની રસી જ્યાં સુધી ન શોધાય ત્યાં સુધી માસ્ક એક માત્ર વિકલ્પ હોવાની વાત દરેક વ્યકિત સારી રીતે જાણે છે. તેમ છતાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં હોવાથી પોલીસને તેમની પાસેથી દંડ વસૂલવો પડે છે. દંડ નહીં ભરવાના મુદ્દે લોકો રોજે રોજ પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યાં છે. આવી જ એક ઘટના અખબારનગર સર્કલ પાસે બની હતી, જેમાં યુવાને દંડ ન ભરવાના મુદ્દે ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરીને ટ્રાફિક બૂથમાં તોડફોડ કરી હતી. માસ્ક વગર રોકતા પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની આ 55મી ઘટના છે.

બી ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધરમવીરસિંહ સ્ટાફ સાથે અખબારનગર સર્કલ પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. લગભગ રાતે 8.15 વાગ્યે નારણપુરા બાજુથી એક કાર આવીને સુભાષબ્રિજ સર્કલ જઈ રહી હતી, જેમાંથી કારચાલક યુવાને માસ્ક પહેર્યું ન હતું. જેથી પોલીસે કાર રોકી અને તે યુવાનને રૂ.1 હજાર દંડ ભરવા કહ્યું હતું. જેથી યુવાને હોસ્પિટલથી આવ્યા હોવાનું કહ્યું.

જોકે તેની પાસે પૈસા નહીં હોવાથી ગાડી સાઈડમાં લેવાની વાત કરતાં તેણે ગાડી સાઈડમાં લીધી હતી. પોલીસે કાર ચાલક યુવાનની પૂછપરછ કરતાં તે ચાંદખેડા સકત વેલીમાં રહેતો મિરાજ હસિત ત્રિવેદી(24) અને તેની માતા હેતલબેન ત્રિવેદી(46)હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મિરાજને દંડ ભરવાનું કહેતાં, તેણે પોલીસ પર ગુસ્સે થઇને બૂથમાં તોડફોડ કરી હતી.

આ અંગે પોલીસે મિરાજ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે મિરાજની ધરપકડ કરી હતી.

પિતાએ ઓનલાઈન દંડ ભરવાનું કહ્યું છતાં દીકરો સંમત ન થયો
મિરાજ પાસે પૈસા ન હોવાથી તેણે તેના પિતા હસિતભાઈને ફોન કર્યો હતો. ત્યારબાદ હસિતભાઈએ પોલીસ સાથે ફોન પર વાત કરીને કહ્યું હતું કે, મારા દીકરા પાસે પૈસા નથી તો ઓનલાઇન દંડ ભરાવી દો. તેમ છતાં મિરાજ અને હેતલબેન સહમત ન થયા અને પોલીસ પર ગુસ્સે થઈ ઝઘડો કર્યો હતો.

‘પૈસા મફતમાં નથી આવતા હું કોઈ જાતનો દંડ ભરવાનો નથી’
હસિતભાઈએ ઓનલાઈન દંડ ભરી દેવાની વાત કરી હોવા છતાં મિરાજે પોલીસ પર ગુસ્સે થઇને કહ્યું હતું કે, ‘પૈસા મફતમાં નથી આવતા, હું કોઈ જાતનો દંડ ભરાવનો જ નથી’, તેમ કહીને ગાડીમાંથી નીચે ઉતરીને રોડ પર જ પોલીસ સાથે ઝઘડો કરીને મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...