સહાય ફોર્મનું વિતરણ:કોરોનાના મૃતકોને 50 હજાર સહાય માટે 2 દિવસમાં જ 550 ફોર્મ ભરાયાં

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સિવિક સેન્ટર પરથી 24 કલાકમાં 4 હજાર ફોર્મનું વિતરણ

કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના પરિવારને સરકારે રૂ. 50 હજાર સહાયની જાહેરાત કરી હતી તે સંદર્ભે બુધવાર 17 નવેમ્બરથી ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રત્યેક 60 સિવિક સેન્ટર ખાતે 250 જેટલા અરજી ફોર્મ મૂકવામાં આવ્યા હતાં. જેમાં બુધવારે 150 અને ગુરૂવારે 400 જેટલા અરજી ફોર્મ ભરાઈને પરત આવ્યા હતાં. ગુરૂવારે એક જ દિવસમાં ચાર હજારથી વધુ ફોર્મનું વિતરણ થયું હતું. ઓનલાઈન કેટલા ફોર્મ ડાઉનલોડ થયા તેની મ્યુનિ. પાસે કોઈ માહિતી નથી.

મૃતકના પરિવારોને મ્યુનિ. કચેરીના ધક્કા ના ખાવા પડે તે માટે સરકારે ઓનલાઈન અરજી ફોર્મની વ્યવસ્થા કરી છે. રાજ્યમાં રહેતો કોઈ પણ વ્યક્તિ સત્તાવાર વેબસાઈટ પરથી પરિશિષ્ટ -1 ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. અમદાવાદમાં રહેતા લોકો www.ahmedabadcity.gov.in વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે. સરકારે સાદા કાગળ ઉપર પણ અરજી આવશે તેને સ્વીકારવા જાહેરાત કરી છે. જે સ્થળેથી પરિશિષ્ટ-1 અરજી ફોર્મ મેળવ્યું હોય તે સ્થળે જ જરૂરી પુરાવા સાથે જમા કરાવવાના નિયમથી સિવિક સેન્ટર ખાતે લોકોની ભીડ થઈ હતી. માર્ગદર્શિકામાં ઓછી સમજણ ધરાવતા લોકોનો અરજીમાં આખો દિવસ નીકળી ગયો હતો.

કોરોનાના નવા 9 કેસ નોંધાયા, સિવિલમાં એક પોઝિટિવ દર્દી દાખલ, 30 હજારને રસી
શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હાલ એક કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. બીજી તરફ શહેરમાં એગ્રેસિવ વેક્સિનેશન પણ થઈ રહ્યું છે. ગુરૂવારે કુલ 30,548 લોકોને રસી મૂકવામાં આવી હતી જેમાં 5,007ને પ્રથમ જ્યારે 25,541 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. મ્યુનિ.ની વેક્સિનેશન ઘર સેવામાં છેલ્લા 24 કલાકમાં 3,576 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તે પૈકી 3,018 લોકોને મ્યુનિ. કર્મચારીઓએ ઘરે જઈ રસી મૂકી હતી.

નરોત્તમ ઝવેરી હોલને કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે
દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો થતાં ભવિષ્યમાં કોઈપણ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાલડીના મ્યુનિ. સંચાલિત નરોત્તમ ઝવેરી હોલને કોવિડના દર્દીઓ માટે રિઝર્વ રાખવાનો નિર્ણય ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. મ્યુનિ. કમિશનર સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ યોજના અમલમાં મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. હોલમાં ફાયર સિસ્ટમ કાર્યરત કરવા મ્યુનિ. 7.86 લાખનો ખર્ચ પણ કરશે.

મૃત્યુનું કારણ દર્શાવતું સર્ટિફિકેટ મેળવવા મૃતકોના સગાંની દોડધામ
મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ (MCCD) મેળવવા મૃતકના પરિવારોને દોડાદોડી કરવી પડી હતી. કારણ કે, મોટાભાગે શહેરની હોસ્પિટલો દર્દીના મૃત્યુના કારણમાં માત્ર મૃત્યુ શબ્દનો ઉલ્લેખ કરી ડેથ રિસિપ્ટ આપતી હતી. જેના કારણે દર્દીનું મૃત્યુનું કારણ કોરાના જ હતું તે સ્પષ્ટ થતું નહોતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડૉક્ટરોની ટીમ બનાવી હતી જેમણે દર્દીના મૃત્યુના 21 દિવસ બાદ પુરાવા તપાસીને કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ કર્યા હતાં. જોકે એક પણ કિસ્સામાં સિવિલ હોસ્પિટલ અથવા કોઈ પણ સરકારી હોસ્પિટલે મૃતકના સગાને કેસ પેપર આપ્યા નહોતા. આ કારણે પરિશિષ્ટ -1 અરજી સાથે પુરાવા રજૂ કરવા પરિવારજનોને કેસ પેપર મેળવવા ફરી હોસ્પિટલોના ધક્કા ખાવા પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...