બરવાળા લઠ્ઠાકાંડ:અત્યાર સુધીમાં 57ને ભરખી ગયો લઠ્ઠાકાંડ, હજુપણ 97 લોકો સારવાર હેઠળ, બે મુખ્ય આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજુર

બોટાદ, અમદાવાદ2 મહિનો પહેલા
રોજિદમાં 9ને અગ્નિદાહ માટે જગ્યા ઓછી પડી
  • કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરે: SP
  • દેવગણાના ગલ્લાવાળાએ 1000 રૂપિયામાં મોત ખરીદ્યું હતું

ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજીતરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર

'સંગઠનના લોકો જ દરેક વિસ્તારમાં દારૂ માટે એક હોલસેલર નક્કી કરે છે'
આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, સંગઠનના લોકો જ દરેક વિસ્તારમાં દારૂ માટે એક હોલસેલર નક્કી કરે છે. પેજ સમિતિ લિસ્ટ બનાવે છે કે, કોને ત્યાં કેટલો દારૂ પહોંચવાનો છે તેનું પણ નેટવર્ક ઊભું કરાયું છે. સંગઠનના લોકો પ્લાનિંગ કરે છે. ડ્રગ્સ, દારુ, ગાંજાનું નેટવર્ક ઘણાં વર્ષોથી ચલાવવા માટે સરકારના આશીર્વાદ મળે છે. જવાબદારી ધરાવતાં પદવાળા લોકો જ આ કરે છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે તેવી અમારી માગ છે અને મૃતક પરીવારને સહાય મળે તેવી માગ છે.

બોટાદ એસપી ડો.કરણરાજ વાઘેલા
બોટાદ એસપી ડો.કરણરાજ વાઘેલા

હાલમાં બોટાદ પોલીસ બરવાળાના દેવગણા ગામે પહોંચી હતી. જ્યાં કનુભાઇ નામના એક વ્યક્તિનું ઝેરી દારૂ પીધા બાદ મોત થયું છે. બોટાદ પોલીસે મૃતકના 4 બાળકોને દત્તક લીધા છે. બાળકોની અભ્યાસ સહિતની જવાબદારીઓ પોલીસ સંભાળશે. પોલીસ દ્વારા ગામલોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ આજે સવારે રોજિદ ગામે પીડિત પરિવારોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. લઠ્ઠાકાંડના પીડિત પરિવારોએ પોતાનો સહારો ગુમાવ્યો છે. અલ્પેશ ઠાકોરે મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.

લઠ્ઠાકાંડના વિરુદ્ધ 'આપ' નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા બોટાદ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું. જેમા ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ બરવાળા તાલુકાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારના ઘરે જઈ શ્રદ્ધાંજલિ અર્પી તેમજ મૃતકના સ્વજનોને સંવેદના વ્યક્ત કરીને અરવિંદ કેજરીવાલ વતી સાંત્વના પાઠવી હતી.

બરવાળા પોલીસે ચોકડી, નભોઈ સહિતનાં ગામોમાંથી આરોપીઓએ છુપાવેલા ઝેરી કૅમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
બરવાળા પોલીસે ચોકડી, નભોઈ સહિતનાં ગામોમાંથી આરોપીઓએ છુપાવેલા ઝેરી કૅમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

બોટાદ એસપીની ગ્રામજનોને અપીલ
બીજીતરફ બોટાદ એસપી ડો. કરણરાજ વાઘેલાએ કહ્યું, બોટાદનાં બરવાળા અને રાણપુરમાં પોલીસની તમામ ટિમો આખી રાત કામમાં લાગી હતી. વહેલી સવારથી પણ અલગ અલગ ટિમો કામ કરી રહી છે. પાંચ ટિમો બરવાળા અને ચાર ટિમો રાણપુરમાં કાર્યરત છે. જે લોકોને વોમિટિંગ, અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો પોલીસને જાણ કરે. પોલીસે તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ મૂકી છે. સીએચસી સેન્ટર પર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે. કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરે. હજુય કોઈને લક્ષણ દેખાય તો સામે આવે અમે સારવાર કરાવીશું.

SITના વડા ઘટનાસ્થળે
SITના વડા ઘટનાસ્થળે
આરોપીઓ અજિત દિલીપકુમાર ખાણિયા અને પિન્ટુ રસિકને પોલીસે ઝડપી લીધા હતા.
આરોપીઓ અજિત દિલીપકુમાર ખાણિયા અને પિન્ટુ રસિકને પોલીસે ઝડપી લીધા હતા.

સેટિંગની ઑડિયો ક્લિપ વાઇરલ થતાં મહિલા ASI સસ્પેન્ડ
દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇ યાસ્મિન જગરેલાને તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.

બીજા દિવસે જાહેર થયેલાં મૃતકો
1. ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા (35) (રોજિદ, બરવાળા)
2. દિપકભાઈ રણછોડભાઈ વાઘેલા (45) (રોજિદ, બરવાળા)
3. ધુડાભાઈ રણછોડભાઈ બામરોલિયા (50) (રોજિદ, બરવાળા)
4. વિપુલભાઈ વીનુભાઈ કાવિઠિયા (29) (રોજિદ, બરવાળા)
5. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા (55) (રોજિદ, બરવાળા)
6. ભૂપતભાઈ જીણાભાઈ વિરગામા (46) (રોજિદ, બરવાળા)
7. દિપકભાઈ ભાવુભાઈભોજિયા (ભીમનાથ, બરવાળા)
8. ચેતનભાઈ દેવજીભાઈ સુરેલા (પોલારપુર, બરવાળા)
9. દિપકભાઈ રતિલાલ કુમારખાણિયા (પોલારપુર, બરવાળા)
10. બહાદુરભાઈ લઘરભાઈ વલાણિયા (50) (ચંદરવા, રાણપુર)
11. ચુંડકીબહેન ચામસંગભાઈ વસેમિયા (ચંદરવા, રાણપુર)
12. વાઘજીભાઈ મોહનભાઈ મકવાણા (દેવગણા, રાણપુર)
13. હરદેવસિંહ રણજિતસિંહ ચુડાસમા (42) (દેવગણા, રાણપુર)
14. કાનાભાઈ સુરાભાઈ ચેખલિયા (40) (દેવગણા, રાણપુર)
15. લાલુ મણિરામ યાદવ (28) (ઇસનપુર, અમદાવાદ)
16. નરશીભાઈ કાળુભાઈ વાઘેલા (65) (દેવગણા, રાણપુર)
17. બળવંતભાઈ નથ્થુભાઈ સિંધવ (વેજળકા, રાણપુર)
18. મનસુખભાઈ ભીમજીભાઈ સોલંકી (વૈયા)
19. ઘનશ્યામભાઈ મનુભાઈ ઠેતરોજા (વૈયા)
20. મુકેશભાઈ પરમાર (રોજીદ, બરવાળા)
21. જોગીદાસ રાવળ (સુંદરિયાણા)
22. માવજીભાઈ ધરમશીભાઈ મોરવાડિયા (રાણપરી)
23. સીતાબહેન જેવરસિંહ (રાજસ્થાન)
24. રમેશભાઈ મગનભાઈ વડદરિયા (અણિયાળી, ધંધુકા)
25. સુરેશ મકવાણા (અણિયાળી, ધંધુકા)
26. વાઘજીભાઈ મોહનભાઈ મકવાણા (કોરડા, ચુડા)
27. દીપકભાઈ ભાવાભાઈ ભોચિયા (ચચાણા)
28. બાપાલાલસિંહ ઝીલુભા ચુડાસમા (ખરડ, ધંધુકા)

આરોપીઓનાં નામ
1. ગજુબેન પ્રવિણ બહાદુર વડદરિયા (રોજીદ)
2. પિન્ટુ રસિક દેવીપૂજક (ચોકડી)
3. વિનોદ ઉર્ફે ફનટો કુમારખાણિયા (નભોઈ)
4. સંજય ભીખા કુમારખાણિયા (નભોઈ)
5. હરેશ કિશન આંબલિયા (ધંધુકા)
6. જટુભા લાલુભા (રાણપરી)
7. વિજય ઉર્ફે લાલો પઢિયાર (રાણપરી)
8. ભવાન નારાયણ (વૈયા)
9. સન્ની રતિલાલ (પોલરપુર)
10. નસીબ છના (ચોકડી)
11. રાજુ (અમદાવાદ)
12. અજિત દિલીપ કુમારખાણિયા (ચોકડી)
13. ભવાન રામુ (નભોઈ)
14. ચમન રસિક (ચોકડી)

...આ રીતે સમજો રાજ્ય સરકારની કેમિકલ થિયરી
1. ફેક્ટરીથી કેમિકલ ચોરાયું એમ કહીને કેમિકલ વેચનારી કંપનીનો બચાવ કર્યો
2. ‘મોત કેમિકલથી’... આ દાવો કરીને ગેરકાયદે દારૂ વેચવાના આક્ષેપથી બચ્યા
3. કેમિકલ થિયરી દ્વારા પોલીસ, તંત્ર અને સરકાર ત્રણેયે પોતાને ક્લીનચિટ આપી

લઠ્ઠામાં 98 ટકા કરતાં વધુ મિથાઇલનું મિશ્રણ હોવાની તારણ
એફએસએલની તપાસમાં જણાયું કે અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંર્દભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...