• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 54 Cases In 4 Days, Including 18 Of Corona After 134 Days; Now The Decision In The Meeting To Give Free Pouches Of Oil To The Recipients Of The Second Dose Of Vaccine

અમદાવાદમાં કોરોનાનો કહેર:134 દિવસ બાદ કોરોનાના 18 સહિત 4 દિવસમાં જ 54 કેસ; હવે વેક્સિનનો બીજો ડોઝ લેનારાને તેલના પાઉચ મફતમાં આપવાનો બેઠકમાં નિર્ણય

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સોમવારે પોઝિટિવ આવેલા 15 લોકોમાંથી મોટાભાગના બેંગલુરુ, કેરળ, કાશ્મીર અને દુબઈથી ફરીને આવ્યા હતા

દિવાળી પછી એક-બે દિવસને બાદ કરતાં શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 134 દિવસના ગાળા પછી કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર દિવસમાં જ 54 કેસ નોંધાયા છે. અગાઉ 4 જુલાઈએ શહેરમાં 19 કેસ નોંધાયા હતા. અર્થાત્ લાંબા સમય પછી ફરી એકવાર કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. મ્યુનિ.ના હેલ્થ ખાતાના અથાગ પ્રયત્નો છતાં અમદાવાદમાં હજુ પણ 9.30 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે. રસીમાં કોઈ બાકી ન રહી જાય તે માટે મ્યુનિ. ઘરે ઘરે જઈને વેક્સિન આપવાની ઝુંબેશ ચલાવે છે. મંગળવારી બેઠકમાં વેક્સિનનો બીજો ડોઝ લેનારાને પણ તેલના પાઉચ આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે 5 લાખ પાઉચ ખરીદાયા છે.

શહેરમાં સોમવારે નોંધાયેલા 15 કેસમાંથી 5 લોકો ગુજરાત બહાર ફરીને આવ્યા હોવાનું તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પરથી જાણવા મળ્યું છે. એક પરિવાર બેંગલુરુ, કેરળ, જમ્મુ-કાશ્મીર અને દુબઇ ફરીને આવ્યો છે. મ્યુનિ.નું માનવું છે કે, રાજ્ય બહાર ફરીને આવેલા લોકો કોરોનાનો ચેપ લાવ્યા છે. જો કે, લક્ષણો એટલા ગંભીર ન હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. હાલ હોમ આઈસોલેશનમાં સારવાર ચાલે છે.કોરોનાનો ચેપ વધુ ન ફેલાય તે માટે કોન્ટેક્ટ ટ્રેસિંગના ભાગરૂપે સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને શોધીને મ્યુનિ. તેમના પણ ટેસ્ટ કરાવી રહી છે.

શહેરમાં છેલ્લા 4 દિવસમાં જ કોરોનાના 54 કેસ આવ્યા છે. જેમાં 13 નવેમ્બરે 10 કેસ, 14 નવેમ્બરે 11 કેસ 15 નવેમ્બરે 15 કેસ અને 16 નવેમ્બરે 18 કેસ નોંધાયા છે. શહેરના વિવિધ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેની ટીમ ઉભી કરવામાં આવી છે. મ્યુનિ. કચેરી દાણાપીઠ ખાતે પણ ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરાયો છે. એએમટીએસ- બીઆરટીએસ, મ્યુનિ. કચેરીઓ, બગીચાઓ, કાંકરિયા લેકફ્રન્ટ સહિતની જગ્યા પર કોરોનાના બે ડોઝ લીધા સિવાયના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રહ્યો છે. જેમાં કેટલાક નાગરિકોને મ્યુનિ. દ્વારા વેક્સિનના બંને ડોઝ સિવાય આવ્યા હોવાના કિસ્સામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ​​​​​​​

શહેરમાં કોરોના વેક્સિનને વધુ વેગ આપવા માટે તેમજ બીજો ડોઝ લોકો ઝડપથી લે તે માટે મ્યુનિ. તમામ ચેરમેનની મંગળવારીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે બીજો ડોઝ મેળવનારને મ્યુનિ. તેલના પાઉચ આપે તેવી શક્યતા છે. ​​​​​​​ કોરોના વેકિસનનો બીજો ડોઝ નાગરિકો ઝડપથી લે તે માટે યોગ્ય જાગૃતિ લાવવા અને ઝડપ લાવવા બાબતે મ્યુનિ. શાસક પક્ષની મંગળવારીની બેઠકમાં નિર્દેશો આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝમાં ઝડપ લાવવા માટે તેલના પાઉચ આપવામાં આ‌વ્યા ત્યારે નાગરિકો દ્વારા મોટા પ્રમાણમાં વેક્સિન લેવામાં આવી હતી. ત્યારે તે અનુભવને ધ્યાને લઇ ફરીથી તેલના પાઉચ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બીજો ડોઝ લેનારને તેલાના પાઉચ આપવામાં આવશે. મ્યુનિ.એ 5 લાખ પાઉચની ખરીદી પણ કરી છે.

વધુ 36,373 લોકોએ વેક્સિન લીધી
શહેરમાં મંગળવારે વધુ 36,373 લોકોએ રસી લીધી હતી. જેમાં 31358 નાગરિકોએ બીજો ડોઝ લીધો હતો, જ્યારે 5015 નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. આ ઉપરાંત ઘર સેવા યોજના હેઠળ પણ 2911 નાગરિકોએ લાભ મેળવ્યો હતો. જેમાં પશ્ચિમ ઝોનમાં જ 1062 નાગરિકોએ ઘર સેવા હેઠળ વેક્સિન લીધી હતી. અમદાવાદમાં 9.30 લાખ લોકો એવા છે જેમણે વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.

જિલ્લામાં 24 ઓક્ટોબર પછી 2 કેસ
દિવાળી પછી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ લાંબા ગાળા પછી મંગળવારે 2 કેસ નોંધાયા છે. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. જિલ્લામાં સતત 71 દિવસ બાદ 24 ઓક્ટોબરે એક કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...