કામગીરી:કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સ્ટેશન-ટ્રેનમાં ચેકિંગ વધારાયું, ટ્રેનોમાં માસ્ક વગરના 530 પેસેન્જરને દંડ ફટકારાયો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કન્ફર્મ ટિકિટ હોય તો જ મુસાફરી કરવા દેવામાં આવે છે

અમદાવાદ સહિત દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. રેલવેએ પણ ટ્રેનના પ્રવાસીઓ માટે કડક પ્રતિબંધોની શરૂઆત કરી દીધી છે. ટ્રેનમાં કે રેલવે સ્ટેશન પર માસ્ક વગરના પ્રવાસીઓને રેલવે અધિકારી માસ્ક પહેરવા સમજાવાય છે, છતાં જો પેસેન્જરો ન માને તો તેમને દંડ પણ કરાઈ રહ્યો છે. અમદાવાદ સહિત મુખ્ય સ્ટેશનો પર પણ રેલવે ચેકિંગ સ્ટાફની સાથે રેલવે પોલીસ પણ માસ્ક વગર ફરતા લોકોને પકડીને 100થી 500 રૂપિયા સુધીનો દંડ કરી રહ્યાં છે. ટિકિટ ચેકિંગ સ્ટાફે 1 એપ્રિલથી 31 ડિસેમ્બર સુધીમાં સ્ટેશન પર અને ટ્રેનોમાં માસ્ક વગરના 530 મુસાફરો સામે અને 6 જાન્યુઆરીએ 13 લોકોને દંડ ફટકાર્યો છે.

ટ્રેનોમાં મુસાફરી દરમિયાન તેમજ તમામ સ્ટેશન પર પણ પેસેન્જરોને માસ્ક પહેરી રાખવા એનાઉન્સમેન્ટથી સતત સૂચના અપાઈ રહી છે. એજ રીતે ટ્રેનમાં ભીડ ન થાય તે માટે કન્ફર્મ રિઝર્વેશન વગર વેઈટિંગ ટિકિટ લઈ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોને પણ મુસાફરી કરતા અટકાવાઈ રહ્યા છે.

ભીડ નહીંનો આદેશ પણ ચેકિંગ સ્ટાફ વેઇટિંગ ટિકિટ બનાવે છે
કોરોનાના કેસ વધતા ટ્રેનમાં કન્ફર્મ સીટ વગર પેસેન્જરોને મુસાફરી નહીં કરવા દેવા ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપ્યો છે છતાં રેલવે ચેકિંગ સ્ટાફ ટાર્ગેટ પૂરો કરવા પ્લેટફોર્મ પર ટ્રેન આવતાં ટિકિટ વગરના પેસેન્જરોને વેઇટિંગ ટિકિટ બનાવી આપી કોચમાં બેસાડે છે. તેની સાથે વેઈટિંગ ટિકિટ ધરાવતા અનેક પેસેન્જરો પણ કોચમાં બેસી મુસાફરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...