અમદાવાદ શહેરમાં હાલમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે, આ સાથે જ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેક્શનની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ખાનગી કોવિડ હોસ્પિટલો સાથે કરાક કરવામાં આવ્યા છે, જે હોસ્પિટલોમાં જો કોઈ દર્દીને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર પડે તો સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ મુજબ એસ.વી.પી, અસારવા સિવિલ તથા સોલા સિવિલમાંથી ઈન્જેક્શન આપવાનું શરૂ કરાયું છે.
કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને અપાશે રેમડેસિવિર
એસ.વી.પી હોસ્પિટલ ખાતેથી 8 એપ્રિલ 2021ના રોજ ઉપલબ્ધ સ્ટોક મુજબ રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનું શરૂ કરાયું હતું. જેમાં ઈન્જેક્શન માટે હોસ્પિટલના લેટરહેડ પર દર્દીની વિગતો, કોવિડ રિપોર્ટ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે હોસ્પિટલ ખાતે નિયત કર્મચારી અથવા પ્રતિનિધિ આવીને રૂબરૂ ઈન્જેક્શન લઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અત્યાર સુધીમાં 110 હોસ્પિટલોને અપાયા રેમડેસિવિર
હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદી જુદી કુલ 110 હોસ્પિટલોમાં કુલ 5209 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવેલા છે. સાથે જ હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શન મેળવવા માટે હિરેનભાઈ વોરા મો. 9825175660 તથા ગણેશ રાજપુત 9327535626નો સવારે 9થી રાતના 9 વાગ્યા સુધીમાં સંપર્ક કરવા માટે કહેવાયું છે.
રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા પડાપડી
નોંધનીય છે કે રાજયમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે પડાપડી થઈ રહી છે. ખાનગી હોસ્પિટલો દ્વારા ઈન્જેક્શન માટે દર્દીના સ્વજનોને વ્યવસ્થા કરવાનું કહેવામાં આવતું હોય છે, એવામાં સુરત શહેરમાં હોસ્પિટલ લાંબી લાઈન બાદ આજે અમદાવાદ શહેરમાં થલતેજમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ શરૂ કરાયું છે. એવામાં હોસ્પિટલ બહાર વહેલી સવારથી જ રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા. સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં હતા.
ઝાયડસ હોસ્પિટલ બહાર 1 કિમી લાંબી લાઈન
ઝાયડસ હોસ્પિટલ બહાર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી. હાલની સ્થિતિએ 700 લોકોને ટોકન આપવામાં આવ્યા હતા. ટોકન આપવામાં આવશે તે મુજબ ઇન્જેક્શન આપવામા આવી રહ્યા હતા. ઈન્જેક્શન લેવા માટે વહેલી સવારથી તડકામાં ઊભેલા લોકોને રાહત માટે પોલીસ મદદે દોડી આવી હતી. કલાકોથી તડકામાં ઉભેલા લોકોને સોલા પોલીસે પાણીની બોટલનું વિતરણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.