સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન:ગાંધીનગરના 52 વર્ષીય બ્રેઇનડેડ કિસનભાઇ વાધેલાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદને નવજીવન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 95માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે. 52 વર્ષના કિસનભાઇ કે જેઓ મૂળ ગાંધીનગરના રહેવાસી હતા. તેઓને માર્ગ અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

દર્દીના સગાનું અંગદાન માટે કાઉન્સેલીંગ કર્યું
સિવિલ હોસ્પિટલમા સારવાર બાદ ત્રણ દિવસના સંપૂર્ણ પ્રયાસો ના અંતે માથાના ભાગમાં થયેલ ગંભીર ઇજાના પરિણામે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. કિસનભાઇ વાધેલાને બ્રેઇનડેડ જાહેર કરતા સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ સમગ્ર ટીમ પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા આપવા પ્રયાસ કર્યો હતો. અંગદાનની સમગ્ર કામગીરીમાં જોડાયેલા ડૉ. પુંજીકા અને તેમની ટીમે દર્દીના સગાનું અંગદાન માટે કાઉન્સેલીંગ કર્યું.

બે કિડની અને એક લીવરનું દાન
પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને કોઇપણ બીજી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અંગદાન માટે સહમતિ દર્શાવી. અંગદાનની સહમતિ દર્શાવતા ડૉ. પુંજીકા અને તેમની સમગ્ર ટીમ બ્રેઇનડેડ કિસનભાઇને રીટ્રાઇવલ રૂમમાં લઇ ગયા. જ્યાં અંદાજીત 5થી 6 કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. બંને કિડનીને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં જ્યારે લીવરને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

અંગદાન ક્ષેત્રે સારથીની ભૂમિકા
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાનનો સેવાયજ્ઞ આદરીને સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યો માટે અંગદાન ક્ષેત્રે સારથીની ભૂમિકા અદા કરી છે. રાજ્યની અન્ય હોસ્પિટલ પણ સિવિલ હોસ્પિટલની કાર્યપ્રણાલી થી પ્રેરણા લઇને અંગદાન થકી નવજીવન આપવાની કામગીરીમાં નિષ્ઠાપૂર્વક જોડાઇ છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ 95 અંગદાન થકી 298 અંગોનું દાન મળ્યું છે. જેને 276 જરૂરિયાતમંદ અને પીડિત દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...