રિવરફ્રન્ટને ડેવલપ:અમદાવાદ રિવરફ્રન્ટ પરના 52 પ્લોટ માટે કોઈ લેવાલ મળતો નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારણ : ઊંચી કિંમત અને રેતીમાં બાંધકામ કરવાનું હોવાથી પ્રતિ ચોરસ મીટર ખર્ચ રૂ.4 હજાર વધી જાય છે

રિવરફ્રન્ટમાં વાસણાથી દિનેશ હોલ સુધીના ફેઝ વનમાં આગામી દિવસોમાં ગનગનચુંબી ઇમારતો ઊભી કરવા માટે તંત્રએ ગાહેડ - ક્રેડાઇ સાથે પરામર્શ કર્યો છે. રિવરફ્રન્ટ પરનો ભાવ અને ત્યાં બાંધકામ માટેની કોસ્ટને ધ્યાને લેતાં હાલ તો આ રકમ બિલ્ડરોને પરવડે તેવી નહીં હોવાની સ્પષ્ટતા રિવરફ્રન્ટ સત્તાધીશો સમક્ષ કરી છે. નોંધનીય છેકે, હવે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સત્તાધિશો આ વિસ્તારને ઝડપથી ડેવલપ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. રિવરફ્રન્ટ ડેવલપ કરવા પાછળ અત્યાર સુધી 1200 કરોડનો ખર્ચો થયો છે.

અમદાવાદ મ્યુનિ. દ્વારા જે રિવરફ્રન્ટ પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે, તે રિવરફ્રન્ટના પ્લોટ કરોડોમાં વેચીને તેમાંથી આવક ઉભી કરવાના મ્યુનિ.ના મનસુબા હજુ પણ પૂર્ણ થઇ નથી. અગાઉ મ્યુનિ. દ્વારા આ પ્લોટ વેચવા માટે પ્રયત્નો કરાયા હતા જોકે તેનો ભાવ બિલ્ડરોને પોષાય તેમ ન હોવાથી પ્લોટનું વેચાણ શક્ય બન્યું ન હતું. એક તરફ મ્યુનિ. દ્વારા રિવરફ્રન્ટને ડેવલપ કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે રિવરફ્રન્ટ પરના પ્લોટનું વેચાણ પણ શક્ય બનતું નથી.

તાજેતરમાં જ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સત્તાવાળા દ્વારા ગાહેડ - ક્રેડાઇને બોલાવી આ 52 જેટલા પ્લોટને વેચાણ કરી ત્યાં વિકાસ કરવા માટે શું થઇ શકે તે અંગે પરામર્શ કર્યો હતો. રિવરફ્રન્ટ પરના પ્લોટ અનેક વખત વેચવા કાઢ્યા હોવા છતાં વેચાતા નથી.

રેતી પર સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોવાથી બાંધકામ ખર્ચ વધતો હોવાની રજૂઆત
રિવરફ્રન્ટ પર માટી નહીં પણ રેતીનું પુરાણ છે. ત્યારે રેતીનું પુરાણ હોવાથી સ્ટ્રક્ચર ઊભું કરવા માટે બાંધકામની કિંમતમાં ભારે વધારો થઇ શકે છે. એટલે કે જ્યાં સામાન્ય કરતાં 30 ટકા વધારે કોસ્ટ એટલે કે 4000 જેટલી પ્રતિ ચો.મી. બાંધકામ કિંમત આવે તેવી શક્યતા છે.
પ્રતિ ચોમી 1.5 લાખનો ભાવ વધારે છે
એક તરફ શહેરમાં કોમર્શિયલ એકમો મોટાભાગ આશ્રમ રોડથી શિફ્ટ થઇને એસજી હાઇવે કે પછી અન્ય પશ્ચિમના વિસ્તારો તરફ પહોંચી ગયું છે, ત્યારે રિવરફ્રન્ટ પરના લોકેશનનો ભાવ જે તે સમયે પ્રતિ ચો.મી. રૂ. 1.5 લાખ જેટલો નક્કી થયો હતો. જે પણ ભાવ વધારો હોવાનું પણ લોકોનું માનવું છે.

ગિફ્ટ સિટી મોડેલ અપનાવાઈ શકે
ગિફ્ટ સિટીના મોડલની જેમ અહી ડેવલપમેન્ટ થઇ શકે.
જીડીસીઆરમાં કેટલા સુધારો કરવામાં આવે તો કદાચ આ પ્રોજેક્ટ પોષાય તેવો બને.
જીએસટીમાંથી મુક્તિ પણ હોવી જોઇએ.
વધુ FSIથી લોકોને પોષાય તેવા પ્રોજેક્ટ બને.

પ્લોટ અંગે 20મીએ ફરી બેઠક યોજાશે
અમને રિવરફ્રન્ટ પરના પ્લોટમાં વિકાસ કરવા માટે શું થઇ શકે તે અંગે પરામર્શ કરવા બોલાવ્યા હતા. જે બાબતે આગામી 20 જાન્યુઆરીએ અમે સત્તાધીશો સાથે બેસીને આ અંગે એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરીશું -તેજસ જોષી, ક્રેડાઇ, અમદાવાદ- ગાહેડ, પ્રમુખ

રિવરફ્રન્ટ પાછળ અત્યાર સુધી 1200 કરોડથી વધું ખર્ચ પણ આવક નહીં
રિવરફ્રન્ટ અલગ અલગ તબક્કામાં ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 1200 કરોડથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મ્યુનિ. દ્વારા વારંવાર રિવરફ્રન્ટ પર વેન્ડર ઉભા રાખ‌વા માટે કરાતાં પ્રયાસમાં પણ મ્યુનિ.ને યોગ્ય પાત્રો મળી શકતા નથી. ત્યારે બીજી તરફ 1200 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ તંત્ર પોતાના પ્લોટ વેચવા પણ હજુ સક્ષમ નહીં હોવાનું જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...