ખાડામુક્ત અભિયાન શરૂ:રોડ પર પડેલા 30 હજારથી વધુ ખાડા 10 દિવસમાં જ પૂરી દેવાનો AMCનો દાવો, 100 ટન હોટમિક્સનો ઉપયોગ થશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદે વિરામ લેતા અમદાવાદમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ
  • 1થી 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં ‘માર્ગ મરામત મહાઅભિયાન’ ચાલું
  • ખોખરા​​​​​​​ રોડ પર બે ભૂવા પડ્યા, એક તરફનો રોડ બેસી ગયો, શહેરમાં અત્યાર સુધી 30થી વધુ ભૂવા

શહેરના રોડ પર પડેલા 30 હજારથી વધારે ખાડા પુરવાની ક્વાયત મ્યુનિ.એ શરૂ કરી છે. ખાડા પુરવા માટે જરૂરી હોટ મીક્સ પ્લાન્ટ પણ સોમવારથી શરૂ કરી દેવાયો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છેકે, હવે જ્યારે વરસાદ બંધ છે તો નવરાત્રિ દરમ્યાન તમામ રોડ સારા થઇ જવા જોઈએ. તમામ ઝોનમાં રોજની 3 જેટલી ટ્રક મારફતે હોટમિક્સનો જથ્થો પહોંચાડવામાં આવશે. 30 હજાર ખાડા પુરવા અંદાજે 100 ટન હોટ મિક્સનો ઉપયોગ થશે તેની કિંમત અંદાજે 14 લાખ છે.

શહેરમાં ચોમાસા દરમ્યાન મોટી સંખ્યામાં રોડ પર ખાડા પડી ગયા છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં 30 હજારથી વધારે ખાડા પડી ગયા છે. વરસાદને કારણે મ્યુનિ.નો તેમજ ખાનગી સંસ્થાનો હોટ મિક્સનો પ્લાન્ટ બંધ રહ્યો હતો. આગામી દિવસોમાં વધુ ખાનગી હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થશે. જ્યાંથી પણ મ્યુનિ.ને હોટ મિક્સનો જથ્થો મળી રહેશે. નોંધનીય છેકે, અત્યારસુધી પડેલા ખાડા પુરવા માટે મ્યુનિ.એ 20 હજાર મેટ્રીક ટન હોટ મિક્સનો ઉપયોગ કર્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વધુમાં કહ્યું હતું કે, શહેરમાં તત્કાલ રસ્તાઓ પરના ખાડા પુરી દેવા માટે રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે તેમણે આજે હોટમીક્સ પ્લાન્ટની મુલાકાત લઇને કામગીરી સત્વરે પુરી કરવા માટે આદેશો આપ્યા છે. હોટમીક્સ પ્લાન્ટ પર મ્યુનિ. અધિકારીઓ તેમજ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ ચેરમેન મહાદેવ દેસાઇ પણ હાજર રહ્યા હતા. સામાન્ય રીતે વરસાદી વાતાવરણ વચ્ચે ખાડા પુરવા માટે વેટમીક્સ અને કોલ્ડમિક્સનો ઉપયોગ થતો હોય છે. જ્યારે હોટમિક્સ દ્વારા યોગ્ય રીતે ખાડા પુરાતા હોય છે.

ખાડા પૂરાવાની કામગીરી આજથી શરૂ કરાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશના સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં ખાડાઓને આજથી સરખા કરવાની કામગીરી કરવામાં આવી છે. જ્યાં જ્યાં નાના-મોટા ખાડાઓ પડ્યા છે ત્યાં કપચી અને પથ્થરો નાખી રીપેર કરવામાં આવશે. જેટ પેચરથી જ્યાં વર્ક કરવાની જરૂર પડશે ત્યાં જેટ પેચિંગ મશીનથી રિસરફેસ કરવાની કામગીરી કરવામાં આવશે. મેટ્રો રેલ તેમજ નાના અંતરિયાળ રોડ પર પડેલા ખાડાઓ પણ ઝડપથી પુરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા મોટા આંતરીક રસ્તાઓ તપાસ કરતા 15000 રસ્તાઓ પર ખાડા પડયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જેમાં માત્ર 214 ખાડાઓ પુરવાના બાકી હતા.

અત્યાર સુધીમાં 20000થી વધુ ખાડા પૂરવામાં આવ્યા
1 જુલાઈ 2021થી 3 ઓક્ટોબર 2021 સુધી અમદાવાદમાં AMC દ્વારા 20,369 જેટલા ખાડાના પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. આ માટે 20,000 મેટ્રિક ટન જેટલા મટીરિયલનો ઉપયોગ કરીને પેચવર્કની કામગીરી કરાઈ છે. આ સાથે આગામી 10 દિવસમાં જ પેચવર્કની કામગીરી પૂર્ણ થાય તે માટે કોર્પોરેશન પ્રયાસરત છે.

AMC દ્વારા કરવામાં આવેલા પેચવર્કની વિગત
AMC દ્વારા કરવામાં આવેલા પેચવર્કની વિગત

10 દિવસમાં મધ્યઝોનમાં એકપણ ખાડો ન પડ્યાનો દાવો
થોડા દિવસ પહેલા બે કલાકના ભારે વરસાદ બાદ બપોરે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને તાકીદે અધિકારીઓ સાથે બેઠક કરી અને તૂટેલા રોડ રસ્તા અંગે માહિતી મેળવી હતી. સત્તાવાર રીતે 1 જુલાઈથી 24 સપ્ટેમ્બર સુધીમાં 16056 જેટલા ખાડાઓ અલગ અલગ વિસ્તારમાં પડ્યા હોવાની માહિતી આપી હતી. જેમાં 12344 જેટલા ખાડાઓ રોડ તૂટવાના કારણે પડ્યા છે. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રજૂ કરેલી માહિતીમાં મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તારમાં તે સમયે 10 દિવસમાં એકપણ ખાડો પડ્યો નથી. જ્યારે શહેરમાં આવેલા 277 જેટલા ખાડા પડયા હતા. એકપણ બ્રિજ ઉપર પણ ખાડા ન હોવાની માહિતી આપી હતી. 16056માંથી 15842થી વધુ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. શહેરમાં માત્ર 214 જેટલા ખાડાઓ પુરવાના બાકી હોવાનો કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

તમામ ઝોનમાં કરોડોના ખર્ચે રોડ રિસરફેસની કામગીર કરાશે
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, શહેરમાં 15842થી વધુ ખાડાઓ પૂરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં 225 કિલોમીટરના રોડ એપ્રિલ મહિના સુધીમાં રિસરફેસ કરવામાં આવશે. જેમાં રૂ. 30 કરોડના ખર્ચે ઉત્તરઝોનમાં 37 રોડ, 23 કરોડના ખર્ચે ઉતર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 42 રોડ, 36 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં 98 રોડ, 24 કરોડના ખર્ચે મધ્યઝોન 37 રોડ, 25 કરોડના ખર્ચે પૂર્વમાં 48 રોડ, 33 કરોડના ખર્ચે અને પશ્ચિમમાં 57 રોડ રીસરફેસ કરવામાં આવશે.

1થી 10 ઓક્ટોબર સુધી ‘માર્ગ મરામત મહાઅભિયાન’
1થી 10 ઓક્ટોબર સુધી ‘માર્ગ મરામત મહાઅભિયાન’

1 ઓક્ટોબરથી ‘માર્ગ મરામત મહાઅભિયાન’ શરૂ
નોંધનીય છે કે, પાછલા મહિના બનેલી નવી ગુજરાત સરકારના નવા મંત્રીઓ ઈલેક્શનને કારણે એક્શન મોડમાં આવી ગયા છે. ખાસ કરીને વર્ષોથી પ્રજાજનો માટે માથાના દુખાવા સમાન રહેલા રસ્તાની મરામતનો પ્રશ્ન ઉકેલવા માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીએ 1 ઓક્ટોબરથી ‘માર્ગ મરામત મહાઅભિયાન’ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. 1થી 10 ઓક્ટોબર સુધી ચાલનારા આ મરામત મહાઅભિયાન હેઠળ જે કોઈ નાગરિકોને રસ્તાના પ્રશ્નો હોય તેઓ વ્હોટ્સએપ દ્વારા મોકલવા માટે અપીલ કરવામાં આવી હતી, જેના માટે 9978403669 વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. માર્ગ મકાનમંત્રી પૂર્ણેશ મોદીએ ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ મૂકતાંની સાથે જ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોના લોકોએ પોતાના વિસ્તારમાં થતી રોડ સમસ્યા વિશે કોમેન્ટ શરૂ કરી દીધી હતી.

ખાડા પૂરવા વપરાતા મટીરિયલનો ભાવ

  • વેટમિક્સ (1ટન) - રૂ. 800થી 1200
  • હોટમિક્સ (7 ટન) - રૂ. 20 થી 22 હજાર
  • કોલ્ડમિક્સ (50 કેજી થેલી) - રૂ. 1200થી 1500

કયા મટીરિયલથી કેટલા ખાડા પુરાયા

વેટમિક્સ11418
કોલ્ડમિક્સ5659
હોટમિક્સ1392
કોલ્ડ ઇમલ્ઝન પેચિંગ મશીનથી1901

​​​225 કિલોમીટરના રોડ રિસરફેસ કરાશે

આગામી દિવસોમાં 225 કિલોમીટરના રોડ એપ્રિલ સુધીમાં રિસરફેસ કરાશે. જેમાં રૂ. 30 કરોડના ખર્ચે ઉત્તર ઝોનમાં 37 રોડ, 23 કરોડ, ઉતર પશ્ચિમ ઝોન, દ. પશ્ચિમ ઝોનમાં 42 રોડ, 36 કરોડના ખર્ચે રોડ રિસરફેસ થશે.

મ્યુનિ.નો દાવોઃ છેલ્લા 2 મહિનામાં વિવિધ વિસ્તારમાં આવેલા રોડ પરના 20 હજાર ખાડા પૂરી દીધા

ઝોનપેચવર્કની સંખ્યા
પશ્ચિમ2837
ઉ.પશ્ચિમ3758
દ.પશ્ચિમ2304
પૂર્વ3507
દક્ષિણ2990
મધ્ય1443
ઉત્તર3530
કુલ20369