ભાસ્કર બ્રેકિંગ:માંડ 40-50 હજારની ગ્રાન્ટ સામે લાખોનો ખર્ચ થતાં અમદાવાદની 50 વર્ષ જૂની પ્રભુદાસ ઠક્કર, સાબરમતી કોલેજ બંધ કરવા અરજી

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
પ્રભુદાસ ઠક્કર કૉલેજ - ફાઈલ તસવીર - Divya Bhaskar
પ્રભુદાસ ઠક્કર કૉલેજ - ફાઈલ તસવીર
  • સહજાનંદ આર્ટ્સ-કોમર્સ કોલેજે ગુજરાતી-અંગ્રેજી, એચ.કે.એ ઈતિહાસ, સામાજિક વિજ્ઞાન વિષય બંધ કરવા યુનિવર્સિટીને અરજી કરી
  • 1300 વિદ્યાર્થીના ભાવિ સામે પ્રશ્ન
  • કોલેજ મેનેજમેન્ટે કહ્યું, સ્ટાફનો અભાવ હોવાથી એડહોક કર્મચારી માટે અમારે લાખો ખર્ચવા પડે છે
  • કોલેજોની અરજી સામે અધ્યાપક મંડળ અને વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

શહેરમાં 50થી વધુ વર્ષ જૂની બે કોલેજ બંધ કરવા મેનેજમેન્ટે સામેથી અરજી કરી છે. આ બંનેમાં પાલડીની પ્રભુદાસ ઠક્કર કોમર્સ કોલેજ અને સાબરમતીમાં આવેલી સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો સમાવેશ થાય છે. બંને કોલેજમાં અંદાજે 1300 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આંબાવાડીમાં આવેલી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે પ્રથમ વર્ષમાં ગુજરાતી-અંગ્રેજી વિષય બંધ કરવા જ્યારે આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટ્સ કોલેજે ઈતિહાસ-સામાજિક વિજ્ઞાન વિષય બંધ કરવા અરજી કરી છે.

લાખોનો વાર્ષિક ખર્ચ કોલેજ સત્તામંડળે ભોગવવો પડે છે
સહજાનંદમાં આશરે 350થી 400 જ્યારે એચ.કે.માં 1050 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. કોલેજ સત્તાવાળાનું કહેવું છે કે, શિક્ષણ વિભાગ તરફથી અમને શૈક્ષણિક અને વહીવટી ખર્ચ માટે 40થી 45 હજાર ગ્રાન્ટ મળે છે. પરંતુ કોલેજોનો લાખોનો વાર્ષિક ખર્ચ કોલેજ સત્તામંડળે ભોગવવો પડે છે. સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટી અગ્રણી અમિત ઉપાધ્યાયે કહ્યું, ગ્રાન્ટની સરખામણીએ ખર્ચ ગણો વધુ છે.

અમારી આર્ટ્સ કોલેજ 10 વર્ષ પહેલાં બંધ કરાઈ હતી: પ્રો. પ્રેમલ યાજ્ઞિક
પ્રભુદાસ ઠક્કર કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રો. પ્રેમલ યાજ્ઞિકે કહ્યું, અમારી આર્ટ્સ કોલેજ 10 વર્ષ પહેલાં બંધ કરાઈ હતી. કોમર્સ કોલેજમાં પૂરતો સ્ટાફ નથી અને ખર્ચ વધુ હોવાથી અરજી કરી છે. સહજાનંદના પ્રિન્સિપાલ મુકેશ પરમારે કહ્યું, 12 પ્રોફેસરની ઘટ હોવાથી પ્રથમ વર્ષ આર્ટ્સ, કોમર્સમાં ગુજરાતી, અંગ્રેજી વિષય બંધ કરવા અરજી કરી છે.

4 કોલેજમાં 2700 વિદ્યાર્થી ભણે છે

  • પ્રભુદાસ ઠક્કર કોમર્સ કોલેજ,પાલડી, આશરે 50 કરતા વધારે વર્ષ જૂની આ સંસ્થા છે. જેમાં કોમર્સ વિદ્યાશાખામાં આશરે 450થી 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
  • સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાબરમતી, આશરે 55 વર્ષ જૂની સંસ્થા છે. અંદાજે 800થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
  • સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,આંબાવાડી, (આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષમાં ગુજરાતી, અંગ્રેજી વિષય બંધ કરવા માટેની અરજી કરાઈ છે). આશરે 50 કરતાં વધારે વર્ષો જૂની આ સંસ્થામાં આર્ટ્સમાં 350થી400 આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
  • એચ કે આર્ટ્સ કોલેજ (ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાન વિષય બંધ કરવા માટેની અરજી કરાઈ છે.) આશરે 55 વર્ષો જૂની આ સંસ્થા છે , જેમાં 1050 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ગરીબ અને મધ્યમ વર્ગને રાહતદરે શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ થવી જોઈએ નહીં
‘ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને રાહતદરે શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ ન કરી શકાય તેવો મારો સ્પષ્ટ મત છે. ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ સમાજના તમામ વર્ગોને રાહત દરે અને ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષો પહેલા દાતાઓ દ્વારા જમીનો દાનમાં આપીને ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેને સરકાર દ્વારા અનુદાન અપાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી જેવા મહાન રાષ્ટ્રીય નેતાની વિચારધારાથી આ કોલેજોનુ નિર્માણ શક્ય બન્યું હતું. આ કોલેજોને કોઈ પણ ભોગે બંધ ન કરી શકાય. જો આ કોલેજો બંધ કરવાથી વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમા અભ્યાસ કરવાની ફરજ પડશે.જે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો બંધ કરવા માટે ગુજરાત યુનિવર્સિટીને અરજી કરવામાં આવી છે. તેઓએ તેમને પડતી મુશ્કેલીઓનુ યોગ્ય નિરાકરણ લાવવા સરકારનું ધ્યાન દોરવું જોઈએ. - પ્રો રાજેન્દ્ર જાદવ, મહામંત્રી, ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ

વિદ્યાર્થીઓનું હિત ધ્યાને લેવાશે
ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો બંધ કરવાની અરજી મળી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય, તેમનું અહિત ન થાય તે પ્રકારે નિર્ણય કરવામાં આવશે. કોઈપણ નિર્ણય કરતા પહેલાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્યાનમાં લેવામાં આવશે.એ પછી અંતિમ નિર્ણય થશે. > પીયૂષ પટેલ, રજિસ્ટ્રાર, ગુજરાત યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...