ભાસ્કર એક્સક્લૂઝિવ:હેલ્ધી લંચબોક્સ મિશનમાં 50 સ્કૂલ જોડાઈ, બાળકોનાં ટિફિન જંક ફૂડ, પડીકાં ફ્રી બનાવશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્કૂલ સંચાલકોએ હેલ્ધી નાસ્તાનું અઠવાડિયા માટેનું ટાઇમ ટેબલ વાલીઓને મોકલ્યું
  • નાસ્તામાં ઘઉંની વસ્તુ, ફ્રૂટ, સૂકો મેવો, કઠોળ મોકલવાનાં રહેશે

બાળકોને શારીરિક રીતે તંદુરસ્ત બનાવવા માટે શહેરની 50 જેટલી સ્કૂલોએ લંચબોક્સ માટેનું અભિયાન શરૂ કર્યું છે. સ્કૂલોએ વાલીઓને મેસેજ કરીને દરરોજ ઘરનો નાસ્તો લાવવા અને દરરોજ નાસ્તાની વેરાઇટી લાવવાની સૂચના આપી છે. આ પહેલાં બાળકો મોટા ભાગે તૈયાર ફૂડ, નાસ્તાનાં પડીકાં કે જંક ફૂડ લાવતાં હતાં. સંચાલકોએ ગ્રૂપમાં ચર્ચા કરીને લંચ બોક્સમાં તંદુરસ્ત નાસ્તા માટેનું અભિયાન શરૂ કર્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ સ્કૂલ સંચાલકોએ હેલ્ધી લંચ બોક્સ માટેનું મિશન શરૂ કર્યું છે. આ મિશનમાં અમદાવાદની ઘણી સ્કૂલો જોડાઈ છે. આ સ્કૂલોએ વાલીને અઠવાડિયામાં બાળકને લંચ બોક્સમાં મોકલવાના નાસ્તાનું લિસ્ટ મોકલી આપ્યું છે.

લંચ બોક્સમાં તંદુરસ્ત નાસ્તા માટેનું અભિયાન
સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, સ્કૂલોમાં બાળકોના લંચ બોક્સમાં વાલીઓ મોટા ભાગે તૈયાર વસ્તુઓ મોકલતા હતા. આથી અમે વાલીઓ સાથે વાત કરી, જેમાં જાણવા મળ્યું હતું કે, તૈયાર ફૂડ-પડીકાં સિવાય બાળકો અન્ય વસ્તુઓ ખાતાં ન હોવાથી વાલી ઘરે બનાવતા નથી અને લંચ બોક્સમાં પણ મોકલતા નથી.ખાસ કરીને બાળકો કઠોળ ખાતાં નથી. આ ખાવા માટે ઘરના લોકો દબાણ પણ કરી શકતા નથી. આથી અમે સ્કૂલમાં જ નિયમ બનાવ્યો કે, દર રોજ લંચબોક્સમાં અલગ અલગ નાસ્તો મોકલવાનો રહેશે, જેમાં એક દિવસ ઘઉંની વસ્તુ, એક દિવસ ફ્રૂટ, સૂકો મેવો, કઠોળ વગેરે મોકલવાનું રહેશે. શિક્ષકને ડરના કારણે વિદ્યાર્થીઓ આ વસ્તુઓ ખાતા શીખશે. લંચ બોક્સ તપાસવાની જવાબદારી જે તે વર્ગ શિક્ષક અને આચાર્યનો સોંપાઈ છે.

બાળકોનાં લંચ બોક્સમાં હેલ્ધી ફૂડ હોવું જોઈએ

હાલમાં બાળકોને પેક્ડ નાસ્તો, જંક ફૂડ ખાવાની આદત વધી રહી છે. આથી અમારી સાથે જોડાયેલી 50 સ્કૂલોએ નક્કી કર્યું કે, બાળકોની તંદુરસ્તી માટે આ આદત બદલીશું. હવે બાળકોનાં લંચ બોક્સ શિક્ષકો, આચાર્યો તપાસ કરશે. લંચ બોક્સમાં માત્ર ઘરનું ભોજન લાવવાનું રહેશે. આ તમામ પ્રવૃત્તિ બાળકોનાં હિત માટે ચલાવાઈ રહી છે. - અર્ચિત ભટ્ટ, સંચાલક, ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ

બાળકોને આ નાસ્તો આપવાનો રહેશે

સ્કૂલે વાલીઓને મેસેજ કરી જણાવ્યું છે કે, બાળકને એક દિવસ ઘઉંની વાનગી, ચોખાની વાનગી, કઠોળ, સલાડ, ફ્રૂટ મોકલવાનાં રહેશે. બાળકની ઇચ્છા માટે એક દિવસ માટે બાળકને પસંદ હોય તે નાસ્તો મોકલવો, પરંતુ તેમાં પણ જંકફૂડ કે પડીકાનો નાસ્તો મોકલવો નહીં.

અન્ય સમાચારો પણ છે...