મહાનગરનું મહાઅભિયાન:અમદાવાદમાં 50 ટકા લોકો સંપૂર્ણપણે કોરોના વેક્સિનેટેડ, દિવાળી તહેવાર પહેલાં તમામ લોકોનો પહેલો ડોઝ પૂર્ણ થઈ જશે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • 18 વર્ષથી ઉપરના શહેરમાં 46.24 લાખમાંથી 45.75 લાખ લોકોનો પહેલો અને 23.30 લાખ લોકોનો બીજો ડોઝ પૂર્ણ

કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન જરૂરી છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટે અલગ અલગ યોજના અને ઘેરબેઠાં વેક્સિનનો અભિગમ અપનાવ્યો છે. કોરોના વેક્સિનેશન મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તહેવારોમાં લોકો કોરોનાથી સુરક્ષિત રહેશે. દિવાળી પહેલાં અમદાવાદ શહેરમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ જશે. દશેરા સુધીમાં અમદાવાદમાં તમામ લોકોનો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ પૂર્ણ થઈ જશે. શહેરમાં 50 ટકાથી વધુ લોકોના બંને ડોઝ પૂરા થઈ જતાં હવે પૂર્ણ વેક્સિનેટેડ છે. જેમના બીજો ડોઝ બાકી છે તેમની યાદી તૈયાર કરી વેક્સિન પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે.

ડો.ભાવિન સોલંકી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ-ઓફિસર.
ડો.ભાવિન સોલંકી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ-ઓફિસર.

જેમનો બીજો ડોઝ બાકી છે તેમને ફોન કરી જાણ કરાય છે: હેલ્થ-ઓફિસર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અત્યારસુધીમા કુલ 69.05 લાખ લોકોએ વેક્સિન લીધી છે, જેમાં 45.75 લાખ લોકોએ પહેલો અને 23.30 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. અમદાવાદમાં 18 વર્ષથી ઉપરની વયના 46.24 લાખ લોકો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લોકોએ બીજો ડોઝ નથી લીધો એવા કુલ 50,000 લોકો છે, જેમને વેક્સિન લેવા માટે અમે દરરોજ ફોન કરી વેક્સિન લેવા જાણ કરી રહ્યા છીએ. વેક્સિનેશન માટે અનેક સ્કીમો પણ લાવ્યા છીએ અને તેમને વેક્સિન અપાવી રહ્યા છીએ.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

AMTS-BRTS બસ સ્ટેન્ડો પર રોજ 1 હજાર લોકોને વેક્સિન અપાય છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન વધે એના માટે કોરોના વેક્સિનેશન ઘર સેવા નામની સેવા શરૂ કરાઇ છે, જેમાં હેલ્પલાઇન નંબર પર ફોન કરી, વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી ઘેરબેઠાં 50 વર્ષથી ઉપરના અને 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ લોકોને વેક્સિન આપવામાં આવે છે. 7 ઓક્ટોમ્બરથી 11 ઓક્ટોમ્બર સુધીમાં કુલ 1399 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 1010 લોકોને વેક્સિન આપવામાં આવી છે. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં આવતા સાબરમતી, ચાંદખેડા, નવાવાડજ, પાલડી, વાસણા, નવરંગપુરા વિસ્તારમાં લોકો ઘર સેવાનો લાભ લઇ રહ્યા છે. AMTS-BRTS બસ સ્ટેન્ડો પર પણ રોજના 1000 લોકોને વેક્સિન આપવામાં આવે છે. ગઈકાલે સોમવારે 24,733 લોકોને વેક્સિન આપવામાં આવી હતી, જેમાં 9523ને પહેલો અને 15228 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...