દેશીદારૂનો દાનવ કેટલાને ભરખશે?:ગુજરાતમાં લઠ્ઠો પીવાથી 5 વર્ષમાં 50 લોકોના મોત, બરવાળા લઠ્ઠાકાંડ છેલ્લા 13 વર્ષમાં સૌથી મોટો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીઓને હોસ્પિટલ ખસેડવા 16 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી - Divya Bhaskar
દર્દીઓને હોસ્પિટલ ખસેડવા 16 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી

ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં SITની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં દેશીદારૂ પીધા બાદ 50 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે.

5 વર્ષમાં રાજ્યમાં 50 લોકો બનાવટી દારૂના સેવનથી મૃત્યુ પામ્યા
તાજેતરમાં જ લોકસભાના પ્રશ્નોતરી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા ખુલાસા અનુસાર ગુજરાતમાંથી વર્ષ 2016માં 25, વર્ષ 2017માં 11, વર્ષ 2018માં 1, વર્ષ 2019માં 3 અને વર્ષ 2020માં 10 વ્યક્તિના બનાવટી દારૃના સેવનથી મૃત્યુ થયા છે. પાંચ વર્ષના આ સમયગાળામાં દેશના જે રાજ્યમાં સૌથી વધુના બનાવટી દારૃના સેવનથી મૃત્યુ થયા હોય તેમાં મધ્ય પ્રદેશ 1214 સાથે મોખરે, કર્ણાટક 909 સાથે બીજા, પંજાબ 725 સાથે ત્રીજા, છત્તીસગઢ 525 સાથે ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાંથી પાંચ વર્ષમાં કુલ 6172 વ્યક્તિએ બનાવટી દારૃથી જીવ ગુમાવ્યો છે.

2009માં અમદાવાદમાં 123 ના મોત
અમદાવાદમાં 2009ના વર્ષમાં ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકોને આંખો ગુમાવી હતી. આ ઘટનાના ઘેરા અને ગંભીર પ્રત્યાઘાતો પડ્યા હતા. અને કોર્ટમાં ગયેલા કેસમાં ખાસ સેશન્સ અદાલતે 10 વર્ષ બાદ આપેલા ચૂકાદામાં 3 આરોપીને 10 વર્ષની જેલની સજા અને રૂપિયા 50 હજારનો દંડ અને ત્રણ મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ઘટનામાં મુખ્ય આરોપી બુટલેગર વિનોદ ડગરી, રવિન્દ્ર પવાર સહિત 33 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ હતી અને કેમિકલ આપનારા જયેશ ઠક્કર અને દાદુ છારા પણ આ કેસમાં આરોપી હતા.

સુરતમાં થયેલા લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત
સુરતના લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલીમાં લટ્ઠાકાંડ થયો હતો. જેમાં આશરે 24 લોકોના મોત થતાં પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવીને બુટલેગરો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી હતી.વર્ષ 2012માં સંખેડા નજીકના પાણેજમાં લઠ્ઠાકાંડમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા હતા. આ છતાંપણ આવા લોકોના ભોગ લેનારા ઝેરી દારૂનો વેપલો હજી બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. બોટાદની ઘટના બાદ કેવા પગલાં લેવાશે એતો આવનારો સમય જ બતાવશે.

વડોદરામાં 4 માર્ચ-1989ના દિવસે લઠ્ઠાકાંડ થયો હતો
આજથી 33 વર્ષ અગાઉ વડોદરામાં મહાશિવરાત્રીનો દિવસ હતો. તા. 4 માર્ચ-1989ના રોજ વડોદરાના મદનઝાંપા, લક્કડપીઠા પાસે આવેલા બકરાવાડી અને નાળીયાવાસના સ્થાનિક રહેવાસીઓએ દેશી દારૂ પીધો હતી. ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ પર થયેલા આ દારૂ પીનારા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેટલાક લોકોની તો આંખ બળી ગઈ હતી, કેટલાકને શરીરમાં દુખાવો થયો હતો અને ઘણા બેભાન થઈ ગયા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ લાશોથી ઉભરાઇ ગયો હતો. પોસ્ટમોર્ટમ રૂમ ઉપર હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.