દંડ:પરીક્ષા કેન્દ્રના ખર્ચ નહિ ચૂકવવા મામલે સરકારને 5 હજારનો દંડ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈળ તસવીર - Divya Bhaskar
ફાઈળ તસવીર
  • તાલીમ કેન્દ્રનો ખર્ચ ન ચૂકવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી
  • વિદ્યાર્થી નાપાસ થાય તો શિક્ષકોને ડિસમિસ કરી દો છો?: કોર્ટ

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરકારે આપેલા કોન્ટ્રાક્ટ પેટે પૈસા નહીં ચૂકવાતાં હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં ખંડપીઠે સરકારને ટકોર કરી હતી કે, તમારે કેટલાક નિયમો ઘડવા પડે. એક છોકરો પણ પાસ થયો હોય તો પણ તમારે શિક્ષકનો પગાર કે ભથ્થા અટકાવી શકાય નહિ. પૂરતો સમય આપવા છતાં સરકારે સોગદનામું ન કરતા લીગલ સર્વિસ ઓથોરિટીમાં 5 હજારનો દંડ ભરવા કોર્ટે આદેશ કર્યો હતો. સરકારી વકીલે દલીલ ચાલુ રાખતા ચીફ જસ્ટિસે દંડની રકમ 10 હજાર કરી હતી.

આ પહેલાં પ્રાઇડ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટે રજૂઆત કરી હતી કે, તેમની સંસ્થાને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા સરકારે 2016માં કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એક વર્ષ પૂરું થતા સંસ્થાએ તમામ ખર્ચનાં બિલ સરકારને મોકલાવ્યાં હતાં, પરંતુ આજદીન સુધી સરકાર તેના ખર્ચનાં નાણાં ચૂકવતી નથી. સંબંધિત વિભાગ એવો જવાબ આપે છે કે, તેમની પાસે ગ્રાન્ટ નથી. આ કેસમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સરકારને સવાલ કર્યો હતો કે તમે હજુ સુધી તેમને ખર્ચો ચૂકવ્યો નથી? તો સરકારે દલીલ કરી હતી કે, આ સંસ્થા યોગ્ય તાલીમ આપતી નહોતી.

દાહોદની સંસ્થા પીઆઈને ચલાવવા આપ્યાનો આરોપ

ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે, તમે સરકારી સ્કૂલોમાં 100 વિદ્યાર્થીના ક્લાસમાંથી 80 નાપાસ થાય તો તમે શિક્ષકોને ડિસમિસ કરી દો છો? કે પછી શિક્ષકોને પગાર આપવાનું બંધ કરી દો છો? તેની સામે સરકારે દલીલ કરી હતી કે, ખરેખર આ સંસ્થા દાહોદના પીઆઈને ચલાવવા આપી હતી. સરકારની રજૂઆતને સાંભળીને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે, તમે પોલીસ અધિકારીને શિક્ષણની મહત્ત્વની જવાબદારી કેવી રીતે સોંપી શકો? સરકારે દલીલ કરી કે વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા.

અન્ય સમાચારો પણ છે...