પરિણીત પ્રેમિકાને પરત મેળવવા પ્રેમીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. વિચિત્ર પ્રકારની દાદ માગતી અરજીથી નારાજ હાઇકોર્ટે અરજદાર પ્રેમીને 5 હજારનો દંડ ફટકાર્યો હતો. કેસની વિગત એવી છે કે, થોડા વખત પહેલા મરજી વિરૂધ્ધ લગ્ન કરનાર પરિણીતાને લગ્ન પહેલા અન્ય વ્યકિત સાથે પ્રેમ સંબંધ હતો. લગ્ન બાદ યુવતી સાસરેથી ભાગીને તેના પ્રેમી પાસે ગઇ હતી. ત્યા બન્નેએ લિવ ઇન રિલેશનશિપનો કરાર કર્યો હતો. પરતું યુવતીના માતા-પિતા તેને પાછી લઇ જતા તેના પ્રેમીએ તેની કસ્ટડી મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.
બનાસકાંઠા જીલ્લામાં રહેતા યુવકે તેની પરિણીત પ્રેમિકાની તેના પતિ પાસે રહેલી કસ્ટડી પાછી મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, તેની પ્રેમિકાને તેની મરજી વિરુદ્ધ બીજે પરણાવી દેવામાં આવી છે. યુવકે કોર્ટ સમક્ષ બન્ને વચ્ચે થયેલો લિવ ઇન કરાર પણ રજૂ કર્યો હતો.
સરકાર તરફે એવી દલીલ કરાઇ હતી કે અરજદારને કસ્ટડી મેળવવાની અરજી કરવાનો કોઇ અધિકાર નથી. યુવતી તેના પતિના ઘરે છે તેનો મતલબ એવો નથી કે તેને ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવી છે. યુવકે હેબિઅસ કોર્પસ કરતા એવી રજુઆત કરી હતી કે, તેની પ્રેમિકાના પતિ અને સાસરિયાએ તેને મરજી વિરુદ્ધ ગોંધી રાખી છે. તેની કસ્ટડી મેળવવા પોલિસને નિર્દેશ કરવા દાદ માગી હતી.
કોર્ટે કહ્યું, મહિલાએ હજુ સુધી છૂટાછેડા લીધા નથી
જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, પરિણીતાએ તેના પતિને છૂટાછેડા આપ્યા નથી અને અરજદાર સાથે લગ્ન કર્યા નથી તેથી તેની કસ્ટડી અરજદારને આપી શકાય નહી. આ પ્રકારની અરજી કરવા બદલ હાઇકોર્ટે અરજદારને 5 હજારનો દંડ ફટકાર્યો છે. પ્રેમીએ લિવ ઇન કરાર મુજબ બંને સાથે રહેતા હોવાની રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.